Abtak Media Google News

વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનાં અધ્યક્ષસ્થાને આજે સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં 22માં અને જિલ્લાનાં બીજા સાંસ્કૃતિક વનનો ખાતમૂહુર્ત સમારોહ યોજાયો હતો. કેનાલસાઈડ દૂધરેજ ખાતે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં રૂ. 8 થી 10 કરોડનાં ખર્ચે જિલ્લાનાં આ બીજા સાંસ્કૃતિક વન ‘વટેશ્વર વન’નું નિર્માણ કરવામાં આવશે. ખાતમૂહુર્ત સમારોહ ખાતે બોલતા કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે દૂરંદેશીભર્યો નિર્ણય લઈ ગુજરાતનાં દરેક જિલ્લામાં સાંસ્કૃતિક વનોનાં નિર્માણની શરૂઆત કરાવી હતી. સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરાવીને તેમજ વનમહોત્સવની ઉજવણી દર વર્ષે ગાંધીનગરનાં બદલે રાજ્યનાં અલગ-અલગ જિલ્લામાં કરીને દરેક જિલ્લાને રાજ્યમાં ગ્રીન કવર વધારવાનાં અભિયાનમાં સામેલ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આ સાંસ્કૃતિક વનોનાં નિર્માણનો હેતુ શહેર-જિલ્લાનાં લોકોને હરવા-ફરવાનું એક સ્થળ મળી રહે તે ઉપરાંત ઔષધીય સહિત વિવિધ પ્રકારની ઉપયોગિતા ધરાવતા વૃક્ષોનું સંવર્ધન અને તેમની ઉપયોગિતા વિશે મહત્તમ લોકોને જાણકારી મળે અને તે અંગે લોકોમાં જાગરૂકતા વધારવાનો છે.

વૃક્ષોનું આવરણ ઓછું થતા પૃથ્વી અને પર્યાવરણ પર જોવા મળી રહેલી વિપરીત અસરો વિશે વાત કરતા મંત્રી એ જણાવ્યું હતું કે પર્યાવરણમાં સંતુલનનું મહત્વ સુપેરે જાણતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ક્લાઈમેટ ચેન્જનો વિભાગ શરૂ કર્યો હતો અને પર્યાવરણીય જાળવણીની દિશામાં વિવિધ પહેલોની શરૂઆત કરાવી હતી. જીવનની સારી ગુણવત્તા માટે હવા-પાણી શુધ્ધ હોય તે જરૂરી છે, જે માટે વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવવાની જરૂર છે તેમ જણાવતા મંત્રીશ્રીએ ફ્રિજ, એસી, વાહનો સહિતની પર્યાવરણને હાનિ પહોંચાડતી ભૌતિક સુવિધાઓને પ્રમાણભાન સાથે વાપરવાની જરૂર છે તેમ ઉમેર્યું હતું. આ સાંસ્કૃતિક વનોનાં માધ્યમથી આપણે આગામી પેઢીને સ્વચ્છ હવા-પાણી, વૃક્ષો અને કુદરતી સંપત્તિનાં મહત્વને સમજાવી શકીશું. જંગલોમાંથી મળતી વિવિધ દુર્લભ ઔષધીય વનસ્પતિઓનાં ઉપયોગ, સંવર્ધનમાં સાંસ્કૃતિક વનોની ભૂમિકા અને આ ઔષધિઓ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે જંગલોની સંપત્તિનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો સમયની માંગ છે.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલે પોતાના. પ્રવચનમાં જણાવ્યું કે આજે જિલ્લાને દ્વિતીય સાંસ્કૃતિક વનની ભેટ મળતા આ જિલ્લો હવે નંદનવન બનશે. વધુમાં તેમણે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ વિવિધ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની ઉપસ્થિતોને વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક એમ. એમ. શર્મા (IFS), વન વિકાસ નિગમ મેનેજિંગ ડિરેક્ટર એસ. કે.ચતુર્વેદી(IFS), અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક રામકુમાર(IFS), જિલ્લા કલેકટર દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ,સહિતના અગ્રણીઓ તેમજ વનવિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.