Abtak Media Google News

માત્ર સાત વર્ષની વયે હિન્દી ફિલ્મ ‘લવ ઇન સિમલા’થી અભિનયની યાત્રા શરૂ કરનાર કિરણ કુમારે 1971માં ‘દોબુંદ પાની’ ફિલ્મથી લીડ રોલ કર્યા બાદ 1972માં ‘જંગલ મેં મંગલ’ ફિલ્મમાં અભિનેત્રી રીના રોય સામે હિરો તરીકે ચમક્યા

સાડા ચાર દાયકામાં સાત હજાર જેટલા ટીવી એપિસોડ્સ, 550થી વધુ ફિલ્મો અને 80 જેટલી પ્રાદેશિક ફિલ્મો કરી હતી, હિન્દી ફિલ્મના જાણિતા વિલન જીવનના પુત્ર કિરણ કુમારે પણ પિતાના પગલે હિન્દી ફિલ્મોમાં વિલન તરીકે સફળતા મેળવી હતી

ગુજરાતી ફિલ્મોનો એક જમાનાનો ‘અમિતાભ’ કહેવાતા કિરણ કુમારની હાઇટ 6 ફૂટ 2 ઇંચ હતી. એક્ટિંગનો કોર્ષ પણ કર્યોને હિન્દી ફિલ્મોના જાણિતા વિલન જીવનના પુત્ર હોવાને નાતે અભિનય કલા વારસામાં મળી હતી. તેઓએ હિરો બનવાના ઘણા પ્રયત્નો કર્યા બાદ પિતાના પગલે હિન્દી ફિલ્મોના વિલન તરીકે શ્રેષ્ઠ સફળતા મેળવી હતી. આજે નિવૃત જીવન જીવતા કિરણ કુમાર ટચૂકડા પડદે કે ટીવી-શો માં ઘણીવાર જોવા મળે છે. તેમણે હિન્દી ફિલ્મો ઉપરાંત ભોજપૂરી અને ગુજરાતી ફિલ્મોમાં સુંદર કામ કર્યું હતું. ગુજરાતીના તેમના ફિલ્મો તો હાઉસ ફૂલના પાટીયા જુલાવતા હતાં.

Advertisement

કિરણ કુમારને સૌથી વધુ સફળતા ગુજરાતી ફિલ્મોના હિરો તરીકે અને હિન્દી ફિલ્મોના વિલન તરીકે મળી હતી. સાડા ચાર દાયકાની ફિલ્મી યાત્રામાં 550થી વધુ ફિલ્મો કરી હતી. 80 જેટલી પ્રાદેશિક ભાષામાં મુખ્યત્વે ગુજરાતી ફિલ્મો અને ભોજપૂરી ફિલ્મો કરી હતી. ફિલ્મો બાદ ટચૂકડા પડદામાં ટીવી ધારાવાહિકના પણ સાત હજાર જેટલાં એપિસોડમાં પોતાની અભિનય કલાના ઓજસ પાર્થયા હતાં. માત્ર 7 વર્ષની વયે જોય મુખર્જીની ફિલ્મ ‘લવ ઇન સિમલા’માં બાળ કલાકાર તરીકે અભિનય કર્યા બાદ 1971માં ‘દોબુંદ પાની’ ફિલ્મમાં લીડ રોલ કર્યોને 1972માં આવેલી હિન્દી ફિલ્મ ‘જંગલ મેં- મંગલ’ ફિલ્મમાં રીના રોય સાથે હિરો તરીકે ચમક્યા.

Kiran Kumar 2

કિરણ કુમાર એક અભિનેતા સાથે થિયેટર અભિનેતા પણ છે, તેમણે ‘ચાર્લીટ’ નાટકમાં સુંદર અભિનય આપ્યો હતો. તેઓ કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવે છે. તેમના પરદાદાએ વઝીરએ વઝારત કંપની શરૂ કરી હતી. મૂળ કાશ્મીરી હોવાથી અને મુંબઇ સાથે પિતાને કારણે નાતો રહેવાથી ગુજરાતી ખૂબ જ સારૂ જાણે છે. પુના ઇન્સ્ટિટ્યૂટમાં કોર્ષ પૂર્ણ કર્યા બાદ નાની મોટી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરેલ. રાકેશ રોશનની ફિલ્મ ‘ખુદગર્જ’થી તેને સફળતા મળવા લગી હતી. તેજાબ અને ખુદા-ગવાહ જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓએ તેને એન્ટિ હિરો અર્થાત વિલન તરીકે પ્રશંસા મળી હતી.

ફિલ્મોની સાથે ટચૂકડા પડદા ઉપર પણ તેની સારી સફળતા મેળવી જેમાં જિંદગી, ઘુંટન, સાહિલ, મંઝીલ, ગૃહસ્થી, કથા સાગર જેવી અનેક ટીવી ધારાવાહિકમાં કામ કર્યું હતું. છેલ્લે અક્ષય કુમાર, જેકી શ્રોફની ફિલ્મમાં અભિનય કર્યો હતો. બોબી જાસૂસમાં અનીસ ખાનની ભૂમિકા ભજવી હતી.

2017માં આવેલી સંજય દત્તની ફિલ્મ ‘શેર’માં વિલનની ભૂમિકા ભજવી હતી. પ્રારંભે તેની આજ કી તાજા ખબર – જલતે – બદન – ચાલાક – ઠોકર – રાજા કાકા – અંજાન રાહે – શ્રી રોમિયો જેવી ફિલ્મો પણ આવી હતી પણ તેને ધારી સફળતા મળી ન હતી. વિલનના નેગેટીવ રોલમાં ઘણી સફળ ફિલ્મો કરી જેમાં તેજાબ ફિલ્મમાં ‘લોટીયા પઠાણ’ની ભૂમિકા દર્શકો આજે પણ યાદ કરે છે. ઇના મીના ડીકા ફિલ્મમાં ભૂજંગનું પાત્ર દર્શકોને પસંદ પડ્યું હતું. તેમણે વિલન સાથે ઇન્સ્પેક્ટર, પિતા, જેલર, એડવોકેટ, મંત્રી જેવા વિવિધ કિરદાર નિભાવ્યા હતાં.

1986માં કથા સાગર  ટીવી ધારાવાહિકથી ટચૂકડે પડદે અભિનય કરનાર કિરણ કુમારે સક્રિય રીતે 2018માં આવેલી ટીવી શ્રેણી પૃથ્વી વલ્લભ સુધી કાર્ય કર્યું હતું. દૂરદર્શન સહિત અન્ય ખાનગી ચેનલોની પ્રસિધ્ધ ટીવી શ્રેણીમાં તેમણે ઉમદા અભિનય કરીને દર્શકોના મન જીત્યા હતાં. તેમની શ્રેષ્ઠ ફિલ્મ ‘ખુદા ગવાહ’ માટે ફિલ્મ ફેર એવોર્ડ માટે નામાંકિત થયા અને મેયર એવોર્ડ પણ મળ્યો હતો. 1960થી ફિલ્મ સાથે જોડાઇને આજે પણ એટલી જ સક્રિયતાથી અભિનય કરી રહ્યાં છે. તેઓ છેલ્લા છ દાયકાથી બોલીવૂડ સાથે જોડાયેલ છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1954માં શ્રીનગર-કાશ્મીરમાં થયો હતો.

Kiran Kumar 1

કિરણ કુમાર લોકપ્રિય અભિનેતા અને દિગ્દર્શક પણ છે. તેમણે ગુજરાતી ફિલ્મોની જાણિતી અભિનેત્રી સુષ્મા વર્મા સાથે લગ્ન કર્યા હતાં. તેમની હિન્દી સફળ ફિલ્મોમાં તેજાબ, બોબી જાસૂસ, સેન્ડવીચ, એલઓસી, કારગીલ, મોક્ષ, મુક્તિ, શિકારી, સલ્લુ કી શાદી, ઇશ્ક કા મંજન, અમરાવતી જેવી સફળત્તમ ફિલ્મો છે.

કોરોના મહામારીમાં તેઓ પોઝીટીવ આવ્યા હતા ત્યારે તેની જાગૃતિ માટેના તેના ઘણા વિડિયો વાયરલ થયા હતાં. તેમને વાંચનનો ઘણો શોખ છે. પ્રારંભે હિન્દી ફિલ્મોમાં હિરો તરીકે ધારી સફળતા ન મળતા ગુજરાતી ફિલ્મ નગરીની વાટ પકડી હતી. જે કિરણ કુમારને ફળી હતી. તેમની ગુજરાતી સફળ ફિલ્મોમાં પુત્રવધુ, રસ્તાનો રાજા, ઘરઘરમાં ચૂલા, બેચેન જેવી હતી. તેની અને અરૂણા ઇરાનીની જોડી 1970ના દાયકાની હિટ જોડી હતી. તેણે 70થી વધુ ગુજરાતી ફિલ્મો કર્યા બાદ 1987માં ખુદગર્જ ફિલ્મ કરી હતી.

તેમનો પુત્ર શોર્ય ઘણા વખતથી ડેવિડ ધવન, અબ્બાસ-મસ્તાન, ઇન્દ્ર કુમાર તેમજ ઇમ્તિયાઝ અલી જેવા ડિરેક્ટરોના આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. જ્યારે પુત્રી સૃષ્ટિ માતા સાથે ક્લોથ એન્ડ જ્વેલરીનું વિશાળ કામ કરે છે. તેમની પુત્રીએ ટીવી શ્રેણી ‘મીલી’ બનાવી હતી. હિરોની ગુણવત્તા ધરાવનાર કિરણ કુમારે ભલે હિન્દી ફિલ્મોમાં વિલનના રોલ કર્યા પણ દર્શકોનો પ્રેમ જીતીને બોલીવૂડમાં અનેરૂં સ્થાન ભોગવી રહ્યાં છે.

સિત્તેરના દાયકામાં અરૂણા ઇરાની સાથે તેમની જોડીના શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મો હતા

હિરોમાં ધારી સફળતા ન મળતા ગુજરાતી ફિલ્મ નગરીમાં આવતા કિરણ કુમારએ જમાનામાં ગુજરાતી ફિલ્મોનો અમિતાભ કહેવાતા હતાં. 1970ના દાયકામાં અરૂણા ઇરાની સાથે તેમની જોડી સૌથી હિટ જોડી ગણાતી હતી. તેમની સફળ ગુજરાતી ફિલ્મોમાં કુળવધુ, રસ્તાનો રાજા, ઘેર ઘેર માટીના ચૂલા, અલબેલીનાર, વેરના વળામણા, દિકરી ચાલી સાસરીયે, જાગ્યાથી ત્યાંથી સવાર, કડલાની જોડ, સુહાગણ, કર્મવીર જેવી સફળ ફિલ્મો હતી. તેમણે ગુજરાતીમાં 70થી વધુ ફિલ્મોમાં કામ કર્યા બાદ ‘ખુદગર્જ’ ફિલ્મથી ફરી હિન્દી ફિલ્મોમાં બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.