Abtak Media Google News

જેતપુર મહિલા કોન્સ્ટેબલ બાદ વધુ એક પોલીસના ત્રાસથી આપઘાતના પગલે ચકચાર: પોલીસમેન ફરાર

કોટડાસાંગાણીના સતાપરના દુકાનદારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવકની પત્નીએ એક મહિના પહેલાં કરેલા આપઘાત કેસમાં ફિટ કરાવી દેવાની કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ધમકી આપતો હોય યુવકે પગલું ભરી લીધાનું ખુલ્યું હતું. કોન્સ્ટેબલ સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં જેતપુર મહિલા પોલીસ કોન્સ્ટેબલમાં પોલીસમેન સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયા બાદ કોટડા સાંગાણીમાં પણ પોલીસકર્મી સામે ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સતાપરમાં રહેતા અ્ને ગામમાં જ કરિયાણાની દુકાન ચલાવતાં રમેશભાઇ ઉર્ફે જીતેશભાઇ અરજણભાઇ સોહેલિયા (ઉ.વ.૩૬)એ મંગળવારે પોતાની દુકાને ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં કોટડાસાંગાણી પોલીસ દોડી ગઇ હતી અને પોસ્ટમોર્ટમ કરાવવા મૃતદેહને રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ઝેરી દવા પીધા બાદ હોસ્પિટલના બિછાનેથી રમેશભાઇનો એક વીડિયો વાયરલ થયો હતો જેના તેઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમના પત્ની રતનબેને એક મહિના પહેલાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જે મામલે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અશોક ડાંગર છાશવારે નિવેદનના બહાને બોલાવી કલાકો સુધી બેસાડી રાખતો હતો અને આ ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતો હતો. તે ઉપરાંત પોલીસમેન અશોક ડાંગરે તારા આડા સબંધ હોવાનું કહી જો રતનબેનના માવતર ફરિયાદ નહિ કરે તો અમે ફરિયાદ કરીને તને ફીટ કરી દેશું તેવી ધમકી આપી પૈસાની માંગણી કરી હતી.

મંગળવારે બપોરે પણ પોલીસ કર્મચારી અશોકે ફોન કરી ધમકાવતા ગભરાઇને પોતે ઝેરી દવા પી લીધી હતી. રમેશભાઇએ કરેલી વાતનો તેના પરિવારજનોએ વીડિયો ઉતારી લીધો હતો અને જ્યાં સુધી કોન્સ્ટેબલ સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી લાશ સંભાળવાનો ઇનકાર કરી દીધો હતો. અંતે કોન્સ્ટેબલ અશોક ડાંગર સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાતા પરિવારે લાશ સંભાળી હતી. તો બીજી તરફ પોલીસમેન અશોક ડાંગર ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.