Abtak Media Google News

સ્વાતી પાર્ક, તિરૂપતિનગર અને નારાયણનગર પાસે ઈએસઆર-જીએસઆર બનાવવા રૂ.૧૨.૧૮ કરોડનો ખર્ચ મંજુર કરતી સ્ટેન્ડિંગ: તમામ ૨૬ દરખાસ્તોને બહાલી: ૧૬.૩૭ કરોડના વિકાસ કામોને લીલીઝંડી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૨૬ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. રૂ.૧૬.૩૭ કરોડના વિકાસ કામોને લીલીઝંડી અપાઈ હતી. થોડા સમય પહેલા જ મહાપાલિકા વિસ્તારનો પાણી પ્રશ્ર્ન કાયમી ધોરણે હલ કરવા માટે ૩ નવા ઈએસઆર-જીએસઆર બનાવવા માટે રૂ.૧૨.૧૮ કરોડના ખર્ચને મંજુરીની મહોર મારવામાં આવી હતી.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારના સ્વાતી પાર્ક હેડ વર્કસ, તિરૂપતિનગર પાસેના હેડ વર્કસ અને નારાયણનગર પાસેના હેડ વર્કસના સિવિલ કામ, પંપ હાઉસ તેની રાઈઝીંગ પાઈપલાઈન વગેરેની ડિઝાઈન અને કંટ્રકશન કરવાના કામ માટે અનુક્રમે રૂ.૫.૧૦ કરોડ, રૂ.૪.૭૦ કરોડ અને રૂ.૨.૩૭ કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.

કોઠારીયામાં ૩ ઈસીએસઆર-જીએસઆર ઉપરાંત પમ્પ હાઉસ અને રાઈઝીંગના કામ કરવામાં આવશે. અગાઉ કોઠારીયા વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવા માટે પણ કરોડોનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. હાલ અહીં ડીઆઈ પાઈપલાઈનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.

ઈએસઆર બન્યા બાદ કોઠારીયા વિસ્તારમાં પાણી પ્રશ્ર્ન કાયમી ધોરણે હલ થઈ જશે. ધીમા ફોર્સથી કે ગંદુ પાણી મળતું હોવાની લોકોની ફરિયાદ મહદઅંશે હલ થઈ જશે. ૩ ઈએસઆર-જીએસઆર બનાવવા માટે આજે રૂ.૧૨.૧૮ કરોડનો ખર્ચ મંજુર કરાયો છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોટર વર્કસ શાખા તથા વેરા વસુલાત શાખાના ઉપયોગ માટે ૩ નવી બોલેરો જીપ ખરીદવા રૂ.૨૧.૮૨ લાખનો ખર્ચ અને વોર્ડ નં.૧૧માં અલગ ટીપી રસ્તાઓમાં મેટલીંગ તથા પેવર કામ કરવા માટે અગાઉરૂ.૪.૨૨ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. જેમાં વધારાનો રૂ.૧.૫૬ કરોડનો ખર્ચ આજે મંજુર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મિલકત વેરામાં વળતર યોજનાની મુદત બે માસ સુધી લંબાવવાની દરખાસ્ત સહિતની તમામ ૨૬ દરખાસ્તોને બહાલી આપી રૂ.૧૬.૩૭ કરોડના વિકાસ કામો મંજુર કરાયા છે.

વોટર વર્કસના ઝોનલ કોન્ટ્રાકટના નવા  એસઓઆર મંજુર: કોન્ટ્રાકટરને ખટાવવાનો ખેલ

નવ વોર્ડના ઝોનલ કોન્ટ્રાકટ મંજુર: ૪૫થી ૭૨ ટકા સુધી તગડી ઓન આવતા નવ વોર્ડના ઝોનલ કોન્ટ્રાકટ આપવા રી-ટેન્ડરીંગનો નિર્ણય

કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોટર વર્કસ શાખાના ઝોનલ કોન્ટ્રાકટના નવા એસઓઆર મંજુર કરવામાં આવ્યા હતા. તેમાં ઝોનલ કોન્ટ્રાકટરને ખટાવવા માટે જબરો ખેલ આદરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

સામાન્ય રીતે નવા એસઓઆર મંજુર થયા પછી ઝોનલ કોન્ટ્રાકટ આપવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવતા હોય છે પરંતુ આજે વોટર વર્કસ શાખાના નવા એસઓઆર મંજુર તો કરાયા હતા પરંતુ વોર્ડ નં.૯,૧૧,૪,૧૬,૧૮,૧૩,૧૪,૧૭માં વર્ષ ૨૦૧૮-૨૦૧૯ના ઝોનલ કોન્ટ્રાકટ મંજુર કરવામાં આવ્યો છે તે પણ નવા એસઓઆર મુજબ જ કરાયો છે. જેના પરથી એક વાત સાબિત થાય છે કે સ્ટેન્ડિંગ કમિટીએ નવા એસ.ઓ.આર મંજુર કર્યા પૂર્વે જ અધિકારીઓએ કોન્ટ્રાકટરને નવા એસઓઆર મુજબ લાણી કરવાનો તખ્તો તૈયાર કરી દીધો છે.

નવા એસઓઆર મુજબ કામ અપાયા છે તેમાં પણ ૧૧ થી ૨૧ ટકા સુધીની તગડી ઓન ચુકવવામાં આવી છે.

બીજી તરફ વોર્ડ નં.૧,૨,૩,૫,૭,૮,૧૦,૧૫ અને ૧૨માં વોટર વર્કસ શાખાના રીપેરીંગના વાર્ષિક ઝોનલ કોન્ટ્રાકટ મંજુર કરવાની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે કારણકે ૪૦ ટકાથી લઈ ૭૨ ટકા સુધીની તગડી ઓન આવતા સ્ટેન્ડિંગે રીટેન્ડરીંગ કરવાનો આદેશ આપ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.