Abtak Media Google News

રવિવારે વિરાટ વૈષ્ણવ મહાસંમેલન

વૈષ્ણવ સંપ્રદાયના પ00 વર્ષના ઇતિહાસમાં સૌથી વિશાળ અને અલૌકિક અવસર: સંપૂર્ણ પ્રોજેકટ પૂર્ણ થતાં દશ વર્ષ થશે

અબતક, રાજકોટ

આગામી રવિવારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાનમાં ‘વિરાટ વૈષ્ણવ મહાસંમેલન’ પૂ. વ્રજરાજકુમારજી મહારાજની અઘ્યક્ષતામાં મળશે.

જેમાં દેશભરમાંથી 75 હજારથી પણ વધુ વૈષ્ણવ ભાવિકજનો ઉમટી પડશે. બપોરે 1.30 કલાકથી આ વૈષ્ણવ મહાસંમેલન અંતર્ગત વિવિધ કાર્યક્રમો સંપન્ન થશે. આ પ્રસંગે પૂજય મહારાજશ્રીના દિવ્ય પ્રેરણા મંથનનું સાકાર મૂર્ત સ્વરુપ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું વિશાળ, ઐતિહાસિક, દિવ્ય અને ભવ્ય સંકુલ, શ્રી કૃષ્ણનગરી જયાં સંસ્કાર, પ્રેમ, આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય છે. એવું પરમ ધામ શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ નું ખાતમુહુર્ત કરવામાં આવશે.

વૈષ્ણવવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મહોદયે આપી પત્રકાર પરિષદમાં વિસ્તૃત જાણકારી

આ અંગે પત્રકાર પરિષદમાં વધુ માહીતી આપતા વ્રજરાજકુમાર મહારાજે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રથમ તબકકામાં ગોંડલના ચોરડી મુકામે લગભગ 65 વિઘાના વિશાલ પરિસરમાં શ્રી વલ્લભાચાર્યરી સ્કુલ-કોલેજ, શ્રી ઇન્દિરાબેટીજી ગુરુકુળ, શ્રી મથુરેશ્ર્વરજી મહારાજશ્રી વૈષ્ણવ સાધક આશ્રમ, સર્વોત્તમ મલ્ટિસ્પેશ્યલીટી હોસ્પિટલ, ખેલ પ્રાંગણ, શ્રી ગીરીરાજજી પ્રભુની વિશાલ ઝાન્ખી અને 84 કોસ વ્રજદર્શન, અત્યાધુનિક ઓડિટોરિયમ, ભોજનાલય, અતિથિ ભવન, લેસર ફાઉન્ટેઇન તથા ગૌશાળા જેવું દિવ્ય ભવ્ય અને ઐતિહાસિક પ્રકલ્પો સામાન્ય જન સમુદાયના લાભાર્થે સાકાર થશે. આ દિવ્ય પ્રોજેકટના બીજા તબલામાં રાજકોટ સ્થિત વિશાલ પરિસરમાં વિશ્ર્વનું સૌ પ્રથમ મોરપીંછ ટેમ્પલ નિર્માણ કરવામાં આવશે.

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિશ્ર્વ પરિવારના તત્વાવધાનમાં પુષ્ટિમાર્ગના પ00 વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર આવું ભવ્ય સંકુલ જયાં એક સાથે જન સમાજના તમામ વયના લોકોને લાભાન્વિત કરતું અતિદીવ્ય સંકુલ સાકાર થવા થઇ રહયું છે.

આ સંમેલનના મુખ્ય અતિથિ રુપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સંમેલનના ઉદધાટન તરીકે ભાજપા અઘ્યક્ષ સી.આર.પાટીલ ઉ5સ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પરસોતમ રૂપાલા, દર્શનાબેન જરદોશ તથા મહેન્દ્રભાઇ મુંજપરા અને રાજયના મંત્રીઓ હર્ષ સંધવી, જિતુભાઇ વાધાણી, રાજેન્દ્રભાઇ ત્રિવેદી, રાઘવજીભાઇ પટેલ, કીરીટસિંહ રાણા, રૂષિકેશભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, મનીષાબેન વકીલ, શ્રીદેવભાઇ માલમ, બ્રિજેશભાઇ મેરજા, આર.સી. મકવાણા હાજરી આપશે.

આ સંમેલનમાં જોડાવા વીવાયઓની વિવિધ શાખાઓ દ્વારા ભાવિકજનોની સુવિધા અર્થે બસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 500 થી પણ વધુ બસો ભાવિકોજનોની સેવામાં કાર્યરત કરવામાં આવી છે.

પ્રકલ્પોના ભાગરુપે અન્ન સેવા, મેડીકલ સેવાઓ, ગંગાસ્વરુપ બહેનોને આર્થિક સહાય તથા અન્ન સહાય, શિક્ષણ સહાય, નિરાધાર તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન, એક લાખથી પણ વધુ પ્રજ્ઞા ચક્ષુજનોને આધુનિક સ્માર્ટ ટેકનોલોજીથી સજજ સ્માર્ટ સ્ટિક વિતરણ, ગુજરાતને 11 લાખ વૃક્ષોથી હરિત શ્રૃંગાર કરવાનું લક્ષ્ય સાકાર થઇ રહ્યું છે. આ સાથે જ જળ સંરક્ષણ અભિયાન થકી ગુજરાતના પ0,000 ઘરોમાં વરસાદી પાણીને સંગ્રહ કરવાનો અભિગમ સાકાર થઇ રહ્યો છે. આ સાથે જ 75 ગામોમાં ગામ તલાવડી તથા રિચાર્જ બોરવેલ થકી વરસાદી પાણીનો મહત્તમ ભાગ સુરક્ષિત કરવાનું કાર્ય સાકાર થઇ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાન થકી જન્મ દિવસે કેક પર કેન્ડલ પ્રગટાવીને ફુંક મારીને બુઝાવાની પ્રથાને બંધ કરીને જન્મ દિવસે સંસ્કૃતિના સંસ્કારોને જીવંત રાખીને સ્વસ્તિક કરીને દી પ્રગટાવાનો સંદેશ આજે વિશ્વના ઘર ઘર સુધી પ્રસારિત થયો છે.

વીવાયઓ દ્વારા વિરાટ વૈષ્ણવ મહાસંમેલનના આયોજન થકી વિશ્ર્વના પ કરોડથી પણ વધુ વૈષ્ણવોને સંગઠીત કરવાના પ્રયાસામાં અવિરત બળ પ્રદાન થશે.

પત્રકાર પરિષદમાં મૌલેશભાઇ ઉકાણી, અશોકભાઇ શાહ, જગદીશભાઇ કોટડીય, રાકેશભાઇ દેસાઇ, કૌશિકભાઇ રાબડીયા, પુનીતભાઇ ચાવટીયા, નીતીનભાઇ જાગાણી, ગોપાલભાઇ સોની, મિતુલભાઇ ધોળકીયા, નાથાભાઇ કાલરીયા ઉ5સ્થિત રહ્યા હતા.

સાઘકાશ્રમનું પણ નિર્માણ કરવામાં આવશે: વૈષ્ણવાચાર્ય વ્રુજરાજકુમાર

ગોંડલના ચોરડી ગામે 65 વિઘા જમીન પર નિર્માણ પામનાર શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડએ વૈષ્ણવ સંપ્રદાયનો સર્વપ્રથમ વૈશ્ર્વિક પ્રોજેકટ છે. સાક્ષાત વ્રજભુમી સૌરાષ્ટ્રમાં આકાર લેશે વિશ્ર્વભરમાં વીવાયઓ દ્વારા હજારો વૈષ્ણવોનું મહાસંગઠન ઉભું થઇ રહ્યું છે. તેમ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજે જણાવ્યું હતું તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, આ કૃષ્ણ સંસ્કાર વર્લ્ડમાં પ્રથમવાર સાધકાશ્રમનું નિર્માણ કરવામાં આવશે જેમાં 40 થી વધુ ગૃહસ્થ પરિવારો અહી રહી ભગવાન કૃષ્ણ તથા સંસ્થાની સેવા કરી શકશે. વૈષ્ણવ સંપ્રદાયમાં મોટા સંકુલનો અભાવ છે. આ સંકુલ પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ અને કૃષ્ણની ભકિત કરનાર વૈષ્ણવો માટે બનશે. વિરાટ વૈષ્ણવ સંમેલન અને કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું ખાતમુહુર્ત ઐતિહાસિક બની રહેશે.

251 કરોડનો પ્રોજેકટ: રાજકોટમાં પણ મોર પીંછ ટેમ્પલ બનશે

કૃષ્ણ સંસ્કાર વર્લ્ડમાં અલગ અલગ 11 પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંંપૂર્ણ પ્રોજેકટ પ00 કરોડનો છે. જેમાં ચોરડી ખાતે નિર્માણ પામનાર પ્રોજેકટની કોસ્ટ આશરે 251 કરોડ જેવા થવા પામે છે. ચોરડી ભવિષ્યમાં કૃષ્ણ દ્વાર તરીકે ઓળખાશે. રાજકોટમાં પણ આગામી દિવસોમાં મોરપીંછ ટેમ્પલનું નિર્માણ કરવામાં આવશે. હાલ શ્રી કૃષ્ણ ધામ હવેલી પાસે જ મોરપીંછ ટેમ્પલનું નિર્માણ પામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.