Abtak Media Google News

કચ્છ પોતાની વૈવિધ્યપૂર્ણ હસ્તકલાઓ અને હાથશાળ માટે વિશ્વભરમાં પ્રચલિત છે. કચ્છમાં વણકર અને મારવાડા કોમના પરિવારો છેલ્લા લગભગ ૫૦૦ વર્ષથી સુતર અને ઉન પર વણાટ કરીને રંગબેરંગી શાલોનું વંશ- પરંપરાગત રીતે ઉત્પાદન કરે છે. આ વિસ્તારનો સમૃધ્ધ કળાવારસો વિવિધ સમુદાયોની અનેરી સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. આ કળા સાથે હજારો કારીગરોની આજીવિકા પણ જોડાયેલી છે. આપણા માટે ગૌરવની વાત છે કે કચ્છની વિશ્વ વિખ્યાત રંગબેરંગી કચ્છી શાલ અને મેઘધનુષ્યના રંગો જેવા વૈવિધ્યસભર ભરતકામને ભારત સરકાર દ્વારા જી.આઇ.ટેગની ફાળવણી કરવામાં આવી છે.

Advertisement

જિલ્લા કલેકટર રેમ્યા મોહને આગામી રણ ઉત્સવ દરમિયાન કચ્છના ભાતિગળ ભરતકામ અને વણાટકામના વંશ-પરંપરાગત કારીગરો પ્રસ્તુત જીઓ ગ્રાફીક ઇન્ડીકેટર ટેગનું મહત્વ સમજીને પોતાના ઉત્પાદનો માટે મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરે જેથી કચ્છના આ કસબની સાચી ઓળખ કરવી પ્રવાસીઓ-ખરીદદારો માટે સરળ બને અને કચ્છના નામે વેંચાતા બીજા વિસ્તારની નિમ્નકક્ષાની વસ્તુઓનો વેપાર ડામી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.

દેશના આવા ભૌગોલિક ઓળખ ધરાવતી કારીગરીના સંવર્ધન, જાળવણી, બજાર અને વિકાસના હેતુ સાથે વર્ષ-૧૯૯૯ના ડીસેમ્બરમાં ભારત સરકારે લોકસભામાં The Geographical Indications of goods ( Registration and Protection Act) ની સ્થાપના કરી છે. જેનો મુળ હેતુ ભારતની આવી ભૈગોલિક ઓળખ ધરાવતી વિશિષ્ઠ વસ્તુઓનું રજિસ્ટ્રેશન કરવું અને તેને તમામ પ્રકારનું રક્ષણ પુરા પાડવાનો છે. આવા કાયદાનું અમલીકરણ Controller General of Patents, Designs and Trade marks ની કચેરીને સોંપવામાં આવેલ છે, જેના દ્રારા આવી વસ્તુઓને જી.આઇ.ટેગની ફાળવણી કરવામાં આવે છે.

જી.આઇ.ટેગ મેળવનાર ઉત્પાદનને એ ઘણી રીતે ઉપયોગી છે. તે ઉત્પાદક અને ઉત્પાદનને કાયદાકીય રક્ષણ પુરું પાડે છે. અને એના ગેરઉપયોગ અને નકલ થતા અટકાવે છે. ઉપરાંત તેના ગ્રાહકોને ગુણવતા અને મુળભુત ઉત્પાદનની ખાતરી આપે છે. અને માત્ર સ્થાનિક બજારમાં જ નહિં પરંતુ વિદેશોની બજારમાં વેચાણને વધારવામાં ઘણો મોટો ફાળો પુરો પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.