Abtak Media Google News

1585માં ગરાસમાં આવેલું અને ભાયાતોએ વિકસાવેલું

બાંધણીની હસ્તકલા માટે ‘તેરા’ના ખત્રી ઝકરિયા ઉમરને મળેલો રાષ્ટ્રીય એવોર્ડ: ગામના અસંખ્ય પરિવારોની રોજી માટે બાંધણીની હસ્તકલા ગૃહ ઉદ્યોગ સમાન

ગુજરાત રાજયનાં કચ્છ જિલ્લામાં છેવાડે તેરા ગામ આવેલું છે. લોકવાયકા પ્રમાણે તેરા હજાર વર્ષ જુનુ ગામ છે. પરંતુ પ્રાપ્ત માહિતી અને પુરાવાઓ જોતા તે ઓછામાં ઓછા 450 વર્ષ પહેલા કચ્છના ભાયાતોએ વિકસાવેલ છે.તે સમયમાં કચ્છની રાજધાની ભુજ પછી પહેલા નંબરે તેરા આવતું અબડાસા તાલુકાનું તેરા ગામ બાવન ગામની જાગીરનું ગામ હતુ. કચ્છના જાડેજાઓ અને સુમરાઓએ તેરાને વસાવીને આબાદ કરેંલું છે. તેરા તેના ઘણા બધા ધાર્મિક અને ઐતિહાસીક સ્થળો માટે જાણીતું છે. અબડાસા મોટી જૈન પંચતીર્થીમાંનું એક તીર્થ છે. અને તેરાના ભવ્ય દેરાસરો વિખ્યાત છે. માં આશાપુરા અને મોઢેશ્ર્વરી માતાજીનાં પ્રખ્યાત સ્થાનો તેરા મધ્યે આવેલા છે. ઉપરાંત કાળા પીરની દરગાહ અને સૈયદ મામદપીર દરગાહનો ઉર્ષ આસપાસનાં ઘણા ગામોમાં પ્રખ્યાત છે. નાગેશ્ર્વર મહાદેવ મંદિરનાં પ્રાંગણમાં શીતળા માતાનો ચૈત્ર માસમાં આવતો મેળો વર્ષનો સૌથી અગત્યનો પ્રસંગ છે. નાગેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આવેલી 414 વર્ષથી વધારે જૂની વાવ ખૂબ જ આકર્ષક બાંધણી ધરાવે છે. ગામને ફરતો કોટઅને તેમાં પ્રવેશવાના દરવાજાઓની વ્યુહાત્મક ગોઠવણી આજે પણ જોઈ શકાય છે. ગામમાં પ્રવેશતા જ ચોકમાં મોટા વડના વૃક્ષો તેની આજુબાજુ બંધાયેલા ચોતરા તથા ચોકમાં આવેલા અશોક સ્તંભ પ્રવેશનારને આકર્ષિત કરે છે. ગામની ઉતર દિશાએ આવેલ દરબારગઢ તેની પથ્થરની 55 ફૂટ ઉંચી 12.6 જાડી દિવાલો તેની રચનાને કારણે તેરાનો ભવ્ય ભૂતકાળ તાજો કરે છે. તેરા ગામના નાના મોટા 20થી વધારે ધાર્મિક અને ઐતિહાસીક સ્થળો જુદા જુદા ધર્મ, પંથ તથા માન્યતાવાળા સૌ મુલાકાતીઓને વારંવાર મુલાકાત લેવા પ્રેરે છે. સરકારે હેરીટેજ વિલેજ સાંસ્કૃતિક વારસાનું ગામ જાહેર કરેલછે. તેરા ગામ પાસે 3 ઐતિહાસીક વિશાળ તળાવો જે એક બીજા સાથે સંકળાયેલા છે. તળાવોમાં પાણી ઘણો વખત સચવાયેલું રહે છે. એક અંદાજ મુજબ તેરાગામ જૈન દેરાસરની મુલાકાત વર્ષે આશરે 40 થી 50 હજાર યાત્રાળુઓ, શીતળા માતાજીના મેળામાં 10 થી 12 હજાર લોકો, તથા ભીડ ભંજનના હનુમાનના મેળે, મોઢેશ્ર્વરી માતાજી તથા ઊર્ષના દિવસોમાં કચ્છ અને બહાર ગામથી શ્રધ્ધાળુઓ એકઠા થાય છે.

લોકકથા મુજબ બરાચુએ ‘તેરા’ને 13 હજાર કોરીમાં વેચેલુ તેથી તેનું નામ પડયું ‘તેરા’

જૈનોના તીર્થધામ અબડાસા મોટી જૈન

હેરિટેજ વિલેજ ગામ તેરા જિલ્લાની રાજધાની ભુજથી 83 કિ.મી. અને નલિયાથી ભુજના રસ્તે 13 કી.મી.દૂર છે. તેરા એક સમયે બારાચુએ 13 હજાર કોરીમાં વેચેલું. તેથી તેનું નામ ‘તેરા’ એમ એક લોકકથા કહે છે. તેરામા હાથથી થતી બાંધણી ‘હસ્તકલા’ જાણીતી છે. તે આશરે 400થી વધારે સ્થાનિક લોકોને રોજી આપી શકે છે. તેરામાં 120 વર્ષથી વધારે જુનુ ક્ધયાશાળાનું મકાન છે.તાર ટપાલ ઓફીસ નવી શાળાનું મકાન છે. તેરાનું 100 વર્ષ જુનુ દવાખાનાનું મકાન છે.જુની ધર્મશાળા છે. દવાખાનાનું જુનુ મકાન જે શેઠ અરજણ તથા દેવજી ખીમજીએ બંધાવી આપેલ છે. અત્યારે તાલુકાનું રૂરલ હેલ્થ સેન્ટર છે. અહી ખટાઉ ગ્રુપ દ્વારા મોબાઈલ દવાખાનું ચાલે છે, જે આજુબાજુમાં ગામોમાં નિયમિત આરોગ્યની સેવાઓ આપે છે. વર્ષો પહેલા અહી પશુ દવાખાનું હતુ જુની પાંજરાપોળની સેવા છે. તેરા ગામ એક હજાર વર્ષ પુરાણું છે. આ ગામ સવંત 1585માં મહારાવ ખેંગારથી પહેલાએ જામ મુળુભાજીને ગરાસમાં આપેલું હતુ. અને ત્યાંસુધી તે કચ્છ રાજયની હકુમત હેઠળ હતુ. શંભુદાનજી ગઢવીએ લખેલ કચ્છ દર્શનમાંથી સુમરાજી તેરાના પાટવી કુંવર હતા. અને તે વંશપરંપરાગત રીતે રાયધણજી પહેલાના રાવથી 1666-1698માંડીને તેરાના જાગીરદારોના વંશજ હતા. ને કોઈ સંતાન ન હોવાથી તેમણે કચ્છના દરબારને 1847માં પત્ર લખીને તેરાની જાગીરને ફરી કચ્છ દરબાર દેશળજીને સોંપી હતી રાવ દેશળજીએ સુમરાજીને સોંપીને તેરાનો દરબારગઢ રીપેર કરાવ્યો દેશળજીનાં કહેવાથી કુમાર હમીરજી ગગુભાને સોપ્યો. ગગુભાને તેરાના જાગીરદાર બનાવ્યા અને પર ગામની જાગીર તેમને સોંપી તથા ભાલુભાને પ્રાગમલજી નામ આપીને ભુજનું રાજય સોપ્યું હતુ. મહારાવ દેશળજીનો સમય 1819 થી 1860 એ.ડી.નો છે. આ હમીરજીનાં ચોથી પેઢીના વારસદારોમાનાં વચેટ નરેન્દ્રસિંહજી ગુજરી ગયેલ, પરંતુતેમના સૌથી મોટા રૂદ્રસિંહજી જાડેજા આંખોનાં સર્જન હતા અને ભુજમાં પોતાની હોસ્પિટલની સ્થાપના કરી હતી તેમના નાના ભાઈ ગજેન્દ્રસિંહજી જાડેજા તેરા ગામે જ રહે છે કલ્યાણજી ગોવર્ધનજી ત્રિપાઠી વિદવાન ભુદેવ ભુજથી તેરા આવ્યા હતા. તેમણે મોઢેશ્ર્વરી માતાજીના મંદિરની સ્થાપના કરી. વિશાળ મંદિર તેરા ગામમાં બન્યું.

મહારાવ દેશળજી પોતે પરમ રામ ભકત હતા તથા ગગુભાપણ રામ ભકત હતા. તેમણે દરબારગઢમાં કચ્છી રામલીલાની (રામરાંધ) ચિત્રાવલી દોરાવી છે. જે રામકથા રામરાંધ તરીકે કચ્છમાં જાણીતી છે.

તીર્થમાં 40 થી 50 હજાર યાત્રાળુઓ ઉપરાંત વિવિધ ધાર્મિક મેળાઓમાં ઉમટે છે માનવ મહેરામણ

તેરા ગામના ખોજા જ્ઞાતિનાં રતનભાઈ ભકિતભાવથી રંગાયેલા હતા. તેમણે રચેલી કાફીઓ પ્રસિધ્ધ છે. ગગુભાના સમયમાં થયેલા આ રતનબેન કચ્છના મીરાબાઈ કહી શકાય એવી વ્યકિત હતા. વર્તમાનના કવિ તેજ જાણીતા પ્રકૃતિવિદ છે. પક્ષીઓનું અવલોકન તેમનોમુખ્ય શોખ છે. તે મળવા જેવી આગેવાન વ્યકિત છે. પક્ષીપ્રેમી છે. તેઓ ઘણીવાર તેરા આવે છે. અને પક્ષીઓ વિષેની માહિતીના પુસ્તકો તેમણે પ્રગટ કરેલા છે. વિશેષમાં મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ કરમશીભાઈ જેઠાભાઈ સોમૈયા કુટુંબ પણ તેરા ગામના છે. તેમના પુત્ર શેઠ શાંતિલાલ સોમૈયા દ્વારા ઘણા લોકોપયોગી સેવાના કાર્ય થયેલા છે.

તેરાના સોમનુરા બ્રાહ્મણો બાંધકામની કારીગીરીમાં પ્રવીણ હતા અને તેઓ મુંબઈનાં વિકટોરિયા ટર્મીનસ સ્ટેશનના બાંધકામમાં અગ્રેસર રહ્યા હતા.

તેરા ગામના શેઠ ભગવાનજી અરજણ ખીમજી ભારતની બંધારણ સમિતિના કચ્છના પ્રતિનિધિ હતા. અને તેઓ બે વખત સંસદ સભ્ય બનેલા કંડલા પોર્ટ કચ્છને અપાવવામાં અને તેનો વિકાસ કરવામાં તેમનો મુખ્ય ફાળો છે. ગાંધીધામ સુધી આવેલ રેલવેની બ્રોડગેજમાં તેમનું યોગદાન છે. તેરાની પાંજરાપોળ તથા હોસ્પિટલ તથા મહાજન વાડી માટે બનાવી આપેલા મકાનો આજે પણ અડીખમ ઉભા છે. બાંધણીની હસ્તકલા માટે જેમને રાષ્ટ્રીય એવોર્ડ મળેલ તે ખત્રી ઝકરીયા ઉંમર પણ તેરાના. ભાનુશાળી લીલાધર લાલજી પરિવાર દ્વારા તેરાની સીમમાં ભદ્રાસાગર ડેમ પાણીના સંગ્રહ માટે તૈયાર કરાવવામાં આવેલ છે. તથા એમના પરિવાર દ્વારા અનેક લોકોપયોગી કાર્યો પણ થાય છે. ભચુ ઉસ્તાદ પણ તેરાના રહીશ હતા. કચ્છ જો કુરૂક્ષેત્ર ઝારો ઐતિહાસીક પુસ્તકના લેખક નાનજી જોષી તેરાના હતા. વિ.નં. 2004માં એ પુસ્તક પ્રગટ થયેલું છે. જે કચ્છી અને ગુજરાતી ભાષામાં છે.

મહારાજા દેશળજી તથા ગગુભા રામભકત હતા જેથી તેમણે દરબારગઢમાં રામલીલાની ચિત્રાવલી દોરાવી હતી જે રામલીલા ‘રામરાંધ’ તરીકે સમગ્ર કચ્છમાં જાણીતી છે

સત્યેન્દ્ર જીવરાજ શાહ તેરાના સૌ પ્રથમ આઈ.એ.એસ. અધિકારી થયા. તેરસિંહ ઉદેશી શંભુભાઈ મુંબઈની રંગભૂમિનાં જાણીતા દિગ્દર્શક અને તેમના દ્વારા નિર્મિત નાટક સો ટચનું સોનું લોકપ્રિય નીવડયું હતુ નરેન્દ્ર જીવરાજ શાહ એલ.એલ.બી. ગોલ્ડ મેડાલિસ્ટ અને સયાજીરાવ યુનિ.ના લો ફેકલ્ટીના ડીન હતા.

એમનો પુત્ર દિનેશભાઈ એન. શાહ વડોદરા મેડિકલ કોલેજના ડીન હતા. પંડિત પરષોતમ લાલજી વ્યાસ જોષી નુખ ખટરિયા વિદ્વવાન પંડિત પ્રખર જયોતિષી અને રાજપુરોહિત હતા એમના જયેષ્ઠ પૂત્ર ગૌરીશંકર પી જોષી દેશની આઝાદી માટેની લડતમાં સક્રિય ભાગ લીધો હતો અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેના હોદાને શોભાવ્યો હતો.

Img 20201218 Wa0031Newc

અંજારમાં રહી એમણે નગરપતિ પદે નામના મેળવી હતી. તેરાના ડો. રૂદ્રસિંહજી જે.જાડેજા ગામના જુના રાજવી તેમજ કચ્છના પ્રખ્યાત આંખના સર્જન તથા કચ્છ જિલ્લામાં 20 વર્ષ સુધી હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે સ્વૈચ્છિક સેવા આપેલ હતી. ડો. રૂદ્રસિંહજી જાડેજાને 1982માં રાજયદ તથા 1983માં રાષ્ટ્રપતિ ચંદ્રકથી વિભૂષિત કરવામાં આવેલ હતા. તેરામાં સેલોર વાવ, પાળિયા, કાશી વિશ્ર્વનાથ મંદિર, દદામેશ્ર્વર મહાદેવ મંદિર, રવેચી માતાજીનું મંદિર, કલ્યાણેશ્ર્વર મહાદેવ મંદિર ચત્રભુજરાયનું મંદિર, નાગેશ્ર્વર મહાદેવનું મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, ભીડભંજન અને શીતળામાતાજી હિંગલાજ માતાજીના મંદિરો, જોવાલાયક ઐતિહાસીક સ્થળો આવેલ છે.

 

તદુપરાંત વિવિધ મુખ્ય જ્ઞાતિઓ જેવી કે ભાટીયા,લોહાણા,જૈન, ભાનુશાળી, બ્રાહ્મણ, ક્ષત્રીય, મુસ્લિમ, હરિજનો વગેરે કોમની વ્યકિતઓ જુદાજુદા વ્યવસાય અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં અગ્રેસર રહેલ છે. અને ગામના વિકાસના કાર્યોમાં રસ લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.