Abtak Media Google News

સિવિલમાં સેનેટરી ઇન્સ્પેક્ટર બન્યા શોભાના ગાંઠીયા

સેનેટરી ઇન્સ્પેક્ટર ને પગાર લેવાનો સરકારનો ‘વફાદારી’ એજન્સીના!!!

કોન્ટ્રાક્ટરોના મેન પાવરના કૌભાંડમાં ગેરરીતની બદબુ: આરોગ્ય નિયામકે પણ એસ.આઇ.ને કામગીરી અંગે આપ્યો હતો ઠપકો

સિવિલ હોસ્પિટલમાં સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટર નીમ્યાના ચાર ચાર મહિના વીતી જવા છતાં પણ જાણે તેઓ શોભાના ગાઠીયા સમાન બેઠા હોય તેવું લાગી રહ્યું છે. કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા મેન પાવરના કામોમાંથી એસ.આઇ. સાવ અજાણ જ હોય તેવું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ચાલતી એજન્સીના કોન્ટ્રાક્ટમાં ચાલતી લાલિયાવાડીની પોલ છુપાવવા માટે ’મસ્ટર’ની મેલી રમત સામે આવી છે.

Advertisement

રાજકોટમાં એક તરફ ગુજરાતની એકમાત્ર એઇમ્સ આકાર લઈ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્રસ્થાન પર રહેલી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં અનેક ગેરરીતિ અને કૌભાંડો સામે આવી રહ્યા છે. અત્યાર સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સેનેટરી ઇન્સ્પેકટર ફરજ બજાવતા હતા. પરંતુ ચાર મહિના પહેલા સરકાર દ્વારા બે સેનેટરી ઇન્સ્પેકટરની નિમણુક કરવામાં આવી છે.

પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા સરકાર માન્ય બંને એસ.આઇ.જાણે પગાર સરકારનો લેતા હોય અને વફાદારી એજન્સીના કરતા હોય તેવું લાગી આવ્યું છે. ચાર માસથી નિમેલા એસ.આઇ.ને હજુ સુધી મેન પાવરનું મસ્ટર આપવામાં આવ્યું નથી. એટલું જ નહીં પરંતુ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ સત્તા સરકારના એસ.આઇ.પાસે છે પરંતુ લગામ જાણે હજુ એજન્સી પાસે જ હોય તેમ ગતિવિધિ ચાલી રહી છે.

સરકાર દ્વારા રાજેશ ચૌહાણ અને જયદીપ બગડા એમ બંનેને સેનેટરી ઇન્સ્પેકટર તરીકે નીમવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ તમામ કામગીરી જાણે એજન્સીના લોકો દ્વારા જ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી એસ.આઇ.ને એજન્સીના લોકોની કોઈ પણ પ્રકારની જાણકારી જ આપવામાં આવી ન હતી. એટલું જ નહીં પરંતુ મસ્ટર પણ એજન્સીના માણસો દ્વારા જ મેઇન્ટન કરવામાં આવી રહ્યું છે.

થોડા દિવસો પહેલા જ ગાંધીનગરથી આરોગ્ય નિયામક ડો.દીક્ષિત વિઝીટ માટે આવ્યા હતા. તે દરમિયાન તેઓએ સરકાર માન્ય બંને સેનેટરી ઇન્સ્પેકટરને મિટિંગમાં બોલવામાં આવ્યા હતા. જ્યાં બંને એસ.આઇ.ને કામગીરી વિશે પૂછતાં તેમની પાસે સંતોષકારક કોઈ જવાબ ન હતો. એટલું જ નહિ પરંતુ તેમને મસ્ટર વિશે પૂછતાં પણ કોઈ જવાબ આપી શક્યા ન હતા. આ સમગ્ર મામલે જો પગલાં લેવામાં આવે અને તપાસ હાથધરવામાં આવે તો અનેક કૌભાંડ પરથી અને એજન્સીના માનીતા અનેક લોકો પરથી પરદા ઉઠે તેવી સ્થિતિ સર્જાઈ છે.

‘અબતક’ ની ટીમના મસ્ટર વિશેના પ્રશ્નો સાંભળી સેનેટરી ઇન્સ્પેક્ટર ઉભી પૂંછડીએ ભાગ્યા

Screenshot 3 39

સિવિલ હોસ્પિટલમાં ’ મસ્ટર ’ માં ચાલતી લાલિયાવાડી વિશે ’અબતક ’ સરકાર દ્વારા નિમણૂક કરેલા સેનેટરી ઇન્સ્પેક્ટર જયદીપ બગડા અને રાજેશ ચૌહાણને પ્રશ્નોત્તરી કરવા માટે ગઈ હતી ત્યારે તે સમયે માત્ર એક રાજેશ ચોહાણ જ ઉપસ્થિત હતા. જેથી તેમને મસ્ટર વિશેની માહિતી પૂછતા તેમને પોતાના મુખે જણાવ્યું હતું કે તેમને છેલ્લા અઢી મહિનાથી પોસ્ટર આપવામાં આવ્યું જ નથી અને કોન્ટ્રાક્ટ બેઝ કેટલા કર્મચારીઓ હોસ્પિટલમાં નોકરી કરે છે તે વિશેની પણ તેને જાણકારી નથી ત્યારબાદ વધુ પ્રશ્નોત્તરી કરતા રાજેશ ચૌહાણ પોતાની ઓફિસને રેઢી મૂકીને ઉભી પુછડીએ ભાગ્ય હતા. જેથી આ ઉપરથી તારણ મેળવી શકાય છે કે મસ્ટરમાં મોટા પાયે કૌભાંડ થઈ રહ્યા છે.

‘મસ્ટર’ માં ચાલતા કૌભાંડથી જ “માસ્ટર” (તબીબી અધિક્ષક) અજાણ!!!

સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેસ્ટ કર્મચારીઓની પૂર્તિ માહિતી રાખવા માટે મસ્ટર નો ઉપયોગ કરવામાં આવે છે. જે મસ્ટરમાં કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને કેવી રીતે અને કઈ જગ્યાએ નોકરી માટે મૂકવા અને તેમના પગાર સહિતની તમામ માહિતીઓ તેમાં દર્શાવવામાં આવે છે જે મસ્ટરમાં જ મોટા પાયે થતા કૌભાંડ જ ખુદ માસ્ટર એટલે કે તબીબી અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદી જ અજાણ હોય તેવું સામે ચિત્ર આવી રહ્યું છે. જ્યારે આ મસ્ટરની માહિતી તબીબી અધિક્ષક પાસે મેળવવામાં આવી તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આની સંપૂર્ણ કામગીરી આર.એમ.ઓ ની નીચે આવે છે. જેથી તેમને પણ આ મસ્ટરની થતી મેલી ભગત માંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવું સામે આવી રહ્યું છે.

મસ્ટર કૌભાંડમાં એજન્સીના એચ.આરની ’ભાવના’ શું ?

હોસ્પિટલના મસ્ટરમાં જ ચાલતી લાલિયા વાડીમાં એજન્સીના એચ.આરની આમાં શું ’ ભાવના ’ હોઈ તે તો સમજાઈ જ નથી રહ્યું કારણ કે છેલ્લા ચાર મહિનાથી સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર એક નહીં પણ બે ની નિમણૂક કરી દેવામાં આવી છે છતાં પણ ચાર મહિના સુધી તેઓને મસ્ટર સોંપવામાં નથી આવ્યું. અને આ મસ્ટરની કામગીરી એજન્સીના એચ.આર દ્વારા જ કરવામાં આવી રહી છે. જો સરકારના સેનેટરી ઇન્સ્પેક્ટરને જ આ કામગીરી સોંપવામાં ન આવે તો તેની હોસ્પિટલમાં કામગીરી જ શું રહી.

સિવિલ હોસ્પિટલમાં મસ્ટરનું ભૂત ધુણાવતી એજન્સીનો એમ્સમાં પણ છે કોન્ટ્રાક્ટ

સિવિલ હોસ્પિટલમાં મસ્ટર નું ભૂત ધુણાવતી એજન્સીનો છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ યથાવત રહ્યો છે ત્યારે રાજકોટમાં નવી નકોર બનેલી એમ્સ હોસ્પીટલમાં પણ આજ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો શું ત્યાં પણ આવી જ બેદરકારી અને લાલિયા વાડી એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે તેવી પણ ચર્ચાઓએ હાલ જોર પકડ્યો છે.

મસ્ટરની કામગીરી શું ?

હોસ્પિટલમાં મસ્ટરની કામગીરી જોવા જાય તો મુખ્ય હોય છે. કારણ કે આ મસ્ટરમાં કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કેટલા કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે અને તે કર્મચારીઓ કઈ જગ્યાએ કામગીરી કરી રહ્યા છે.અને તેને કેટલો માસિક પગાર આપવામાં આવે છે. તે વિશેની સંપૂર્ણ માહિતી આ મસ્ટરમાં જણાવવામાં આવી હોય છે. તે ઉપરાંત બાયો વેસ્ટનો સંપૂર્ણ હિસાબ કિતાબ પણ તેમાં દર્શાવવામાં આવ્યો હોય છે. અને આ મસ્ટરની વિગતો માત્ર સેનેટરી ઇન્સ્પેક્ટર પાસે જ રાખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.