લાલુ યાદવની હાલત નાજુક એર એમ્બ્યુલન્સથી દિલ્લી હોસ્પિટલમાં ખસેડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ લાલુ યાદવની સ્વાસ્થ્ય સંબંધિત વિગતો પુત્ર તેજસ્વી યાદવ પાસેથી મેળવી

આરજેડી સુપ્રીમો લાલુ યાદવને શ્રેષ્ઠ સારવાર માટે દિલ્હી લઈ જવાયા. લાલુ યાદવની તબીબી વ્યવસ્થાઓ માટે તેમના નાના પુત્ર તેજસ્વી યાદવ અને પત્ની રાબડી દેવી બુધવારે બપોરે પટનાથી દિલ્હી જવા રવાના થયા. બુધવારે સાંજે પટનાના પારસ હોસ્પિટલમાં દાખલ લાલુ યાદવને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાયા. લાલુ યાદવની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી પણ તેમની સાથે દિલ્હી પહોંચ્યા છે. તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત તમામ દળના નેતાઓએ ફોન કરીને લાલુ યાદવના સ્વાસ્થ્યની જાણકારી લીધી. પક્ષ અને વિપક્ષ તમામે ફોન કર્યો હતો, સૌ એ લાલુ યાદવના સાજા થવાની પ્રાર્થના કરી. બુધવારે બપોરે મુખ્યમંત્રી નીતીશ કુમાર લાલુ યાદવની સ્થિતિ જોવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નીતીશ કુમારે લાલુ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટર પાસે તેમના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી લીધી હતી. એટલુ જ નહીં નીતીશ કુમારે મોટુ એલાન કરતા કહ્યુ કે લાલુ યાદવની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર

ઉઠાવશે, કેમ કે તે તેમનો હક છે. આ દરમિયાન ત્યાં બિહાર સરકારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે અને ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસૈન પણ હાજર હતા.રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ છેલ્લા કેટલાય વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા છે. તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયુ છે. આ સિવાય ખભાના હાડકામાં ક્રેક છે. પડી જવાના કારણે શરીરના અમુક ભાગમાં ઈજા પહોંચી છે.

આ સિવાય લાલુ પ્રસાદ યાદવ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, પ્રોસ્ટેટનુ વધવુ, યુરિક એસિડનુ વધવુ, કિડનીની બીમારી, થેલેસેમિયા, બ્રેઈન સંબંધિત બીમારી, જમણા ખભાના હાડકાની સમસ્યા, પગના હાડકાની સમસ્યા, આંખમાં સમસ્યા,  હૃદય સંબધિત જેવી બીમારીઓથી ગ્રસ્ત છે. અમુક દિવસ પહેલા રિમ્સ રાંચીના ડોક્ટરોનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. જે અનુસાર લાલુ પ્રસાદ યાદવની હવે માત્ર 25 ટકા કિડની જ કામ કરે છે.

ઉલ્લેખનીય છેકે મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવ સાથે વાત કરીને લાલુ યાદવના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી લીધી હતી. જે સમયે પીએમ મોદીએ ફોન કર્યો તેજસ્વી પારસ હોસ્પિટલમાં પોતાના પિતા લાલુ યાદવની પાસે હતા. પીએમ મોદીએ લાલુ યાદવના જલ્દી સાજા થવાની કામના કરી અને તેજસ્વી યાદવને આશ્વાસન આપ્યુ હતુ.