રાજકોટ: નંદનવન સોસાયટીમાં સુડાથી ગળુ કાંપી આહીર યુવકનો આપઘાત

રૂમ બંધ કરી પાનના ધંધાર્થીએ વહેલી સવારે અંતીમ પગલુ ભર્યું; કારણ જાણવા પોલીસ તપાસ; સવારે ભાભી જગાડવા જતા દરવાજો બંધ હતો; બારણુ તોડતા પરિવારજનો અવાચક બની ગયા

રાજકોટની ભાગોળે પુનીતનગર પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા મૂળ માણાવદર પંથકના આહિર યુવાને વહેલી સવારે પોતાના રૂમમાં સોપારી કાપવાના ચુડાથી ગળુ કાપી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. ત્યારે તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ આપઘાતનું કારણ જાણવા સઘન તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ પુનીતનગર પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા અજય ભોજાભાઈ બોરખતરીયા ઉ.25 આહિર યુવાને વહેલી સવારે પોતાનો રૂમ બંધ કરી સોપારી કાપવાના સુડાથી પોતાનું ગળુ કાપી આપઘાત કરી લીધો હતો.સવારે નિત્યક્રમ મુજબ ભાભી જાગીને પુજાપાઠ કરવા દીયર અજયના રૂમમા ગયા ત્યારે રૂમ અંદરથી બંધ હોય ખખડાવવા છતા દીયરે નહી ખોલતા પતિ કમલેશને જાણ કરી હતી કમલેશે પણ દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઈ ઉતર મળ્યો નહોતો.

બાદમાં કમલેશે નાનાભાઈના રૂમનો દરવાજો તોડી અંદર જતા સેટી પર અજયનો લોહીથી ખરડાયેલ હાલતમાં મૃતદેહ પડયો હતો. જેના પગલે આ ઘયનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં અજયનું મૂળ વતન માણાવદર તાલુકાના મટીયાણા ગામે આવલે છે.અને રાજકોટ મોટાભાઈ કમલેશ સાથે રહી પાનનો ધંધો કરી ગુજરાન ચલાવતો હતો.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે અજયની છ માસ પહેલા સગાઈ થઈ હતી. ત્યારે પોલીસે આપઘાતનું ચોકકસ કારણ જાણવા મૃતકના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. અને મોબાઈલની કોલ ડીટેઈલ મંગાવી તેના આધારે તપાસ શરૂ કરી છે. આ બનાવની તપાસ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી. ઘોળા પી.એસ.આઈ એન.ડી; ડામોર, સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.