Abtak Media Google News

રાજકોટમાં ૩૦૫, ભાવનગરમાં ૨૫૬ અને જામનગરમાં ૨૫૧ ફોર્મ માન્ય: અમુક વોર્ડમાં બબ્બે ઇવીએમ મુકવા પડશે

રાજ્યની છ મહાનગરપાલિકામાં આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે ફોર્મ પરત ખેંચ્યા બાદ સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવાનું છે.

Advertisement

હાલ રાજકોટમાં ૩૦૫, ભાવનગરમાં ૨૫૬ અને જામનગરમાં ૨૫૧ ફોર્મ માન્ય રહ્યા છે. હાલના તબક્કે અમુક વોર્ડમાં બબ્બે ઇવીએમ મુકવા પડે તેવું લાગી રહ્યું છે.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૫૭૬ બેઠકો માટે ગત સપ્તાહ દરમિયાન ૪૮૯૧ ઉમેદવારી ફોર્મ નોંધાયા હતા. સોમવાર દિવસભર ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં સાંજે રાતે ૯ કલાક સુધીમાં ચૂંટણી અધિકારીઓ તરફથી ૧૬૦૦થી વધુ ફોર્મ રદ્દ થયા છે.

અમદાવાદના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકોમાં ૧૭૦૪ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી ૮૮૯ ફોર્મ રદ થતા ૮૧૫ ફોર્મ માન્ય રહ્યા છે. ભાવનગરના ૧૩ વોર્ડની ૫૨ બેઠકોમાં ૪૯૩ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૧૯૨ ફોર્મ રદ થતા ૨૫૬ ફોર્મ માન્ય રહ્યા હતા. જામનગરના ૧૬ વોર્ડની ૬૪ બેઠકોમાં ૪૨૭ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૧૭૬ ફોર્મ રદ થતા ૨૫૧ ફોર્મ માન્ય રહ્યા હતા. રાજકોટના ૧૮ વોર્ડની ૭૨ બેઠકોમાં ૬૩૫ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૩૩૦ ફોર્મ રદ થતા ૩૦૫ ફોર્મ માન્ય રહ્યા હતા. સુરતના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકોમાં ૧૧૮૬ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૭૧૪ ફોર્મ રદ થતા ૪૭૨ ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે વડોદરાના ૧૯ વોર્ડની ૭૬ બેઠકોમાં ૫૪૮ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૨૬૦ ફોર્મ રદ થયા હતા. જેમાંથી ૨૮૮ ફોર્મ માન્ય રહ્યા હતા.

આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ પરત ખેંચવાના હોય તેવુ જણાઈ રહ્યું છે. આજે સાંજે ૬ મહાપાલિકાની ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થનાર છે. અમદાવાદ સહિત ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાષ્ટ્રીય રાજકિય પક્ષોમાંથી માત્ર કોંગ્રેસના જ ૭ ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે.

જેમાં રાજકોટમાં તો ટિકિટ લીધા બાદ, વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરી આવ્યાના ૭૨ કલાક પછી વોર્ડ નંબર- ૪ના નારાયણભાઈ સવસેતા ત્રણ બાળકોના પિતા હોવાનું જાહેર કરતા ભારે દેકારો મચી જવા પામ્યો હતો.

હાલની સ્થિતિ જોતા અનેક વોર્ડમાં બે-બે ઇવીએમ મશીન મુકવા પડે તેમ છે. હાલ ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. સામે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.