Abtak Media Google News

જમ્મુ-કાશ્મીર માટે શનિવારનો દિવસ ‘સુવર્ણ દિવસ’

જમ્મુ કાશ્મીરના દરેક નાગરિકને મળશે લાભ: મોદી

જમ્મુ-કાશ્મીરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મોટી ભેટ આપી છે. જમ્મુ-કાશ્મીરના લોકો માટે વડાપ્રધાને કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ગૌહાટીથી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. કેન્દ્ર સાશિત પ્રદેશના ઉપરાજ્યપાલ મનોજસિંહા પણ જોડાયા હતા. જમ્મુ-કાશ્મીરના લોકો માટે વડાપ્રધાને આયુષ્યમાન ભારત યોજનાનો પ્રારંભ કરાવી લોકો સાથે વાતચીત પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરવાસીઓ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. આજથી આ પ્રદેશના લોકો આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈ શકે છે.  આ તકે વડાપ્રધાને અટલજીને યાદ કરી જણાવ્યું કે તેમને જમ્મુ-કાશ્મીર ખૂબ ગમતું હતું. જમ્મુ-કાશ્મીર પ્રશાસને લોકોના વિશ્ર્વાસને મજબૂત કર્યો છે. અહીં પારદર્શક ચૂંટણી થઈ એ ગૌરવની વાત છે.

આ યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરના તમામ લોકોને વિનામુલ્યે વીમાની સગવડતા મળશે. આમાં એક પરિવારને પાંચ લાખનું વીમા કવચ મળશે. આ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે કામ કરશે. આ યોજનાની ખાસીયત એ છે કે, આની સુવિધાઓ દેશના કોઈપણ ભાગથી હોસ્પિટલમાં પોર્ટેબલ કરી શકાશે જે હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવે છે તે તમામ હોસ્પિટલો આ યોજના હેઠળ આવરી લેવાઈ છે. જમ્મુ-કાશ્મીરના લોકો કોઈપણ હોસ્પિટલમાં પોતાનો ઈલાજ કરાવી શકશે.

નવા યુગની શરૂઆત: અમિત શાહ

આ તકે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં વસતા દરેક નાગરિકને આ યોજનાનો લાભ મળશે. દરેક કાશ્મીરી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈ શકશે. આ માટે ૨૨૯ સરકારી હોસ્પિટલ અને ૫૫ ખાનગી હોસ્પિટલને જોડવામાં આવી છે. તેમણે લેફટનન્ટ ગર્વનર મનોજસિંહાને યશ આપતા જણાવ્યું કે, વડાપ્રધાન હંમેશા કહે છે કે, વિકાસ જમીન સુધી (છેવાડાના વ્યક્તિ) સુધી પહોંચવો જોઈએ. કાશ્મીરમાં હવે શાસન થકી આવું થઈ રહ્યું છે.

પૂ. બાપુનું સ્વપ્ન પૂર્ણ કર્યું: મોદી

વડાપ્રધાને જણાવ્યું કે, મહાત્મા ગાંધીજીએ ગ્રામ સ્વરાજનો નારો આપ્યો હતો. અમે એ સ્વપ્ન પૂરું કર્યું છે. સાથી પક્ષ મીડિયા અંગે વડાપ્રધાને જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર સરકારમાં અમારો હિસ્સો હતો પણ અમે પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા અમે તેમનો સાથ છોડી દીધો. અમે ઈચ્છતા હતા કે પંચાયતી રાજની ચૂંટણી થાય અમે લોકો માટે ખુરશી છોડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.