Abtak Media Google News

સામાન્ય લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે તો પોલીસ કાર્યવાહી, પણ નેતાઓને મેળાવડાઓ યોજવાની છૂટ

નેતાઓએ સ્વયંશિસ્તના પાઠ ભણવા જરૂરી : બેદરકાર બનીને નેતાઓ પોતાની સાથે અન્ય લોકોની જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યા છે

હાલ કોરોનાના કહેર વચ્ચે કોરોનાને નાબૂદ કરવાની કોરોના વોરિયર્સની જે દિવસ રાતની મહેનત છે તેના ઉપર નેતાઓ નેતાઓ પાણી ઢોળ કરી રહ્યા છે. કારણકે અત્યાર સુધીમાં નેતાઓના અનેક મેળાવડાઓ યોજાયા છે. સેંકડો નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે અને તેઓએ અનેક લોકોએ સંક્રમિત કર્યા પણ છે.

હાલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જો કે તેમ છતાં જન જીવન સામાન્ય બની ગયું છે. તેની સામે લોકોએ તકેદારી રાખવા ઉપર વિશેષ ધ્યાન આપવું પડી રહ્યું છે. કારણકે હવે બજારો, રોડ- રસ્તા અને બીજા સ્થળો ધમધમતા થયા છે. જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની જવાબદારી દરેક નાગરિકના શિરે છે. સામે તંત્ર પણ સોશીયલ ડિસ્ટનસના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે કડક હાથે લઈને જરૂર પડ્યે પોલીસ કાર્યવાહી પણ કરી રહ્યું છે.

પરંતુ આ જ તંત્ર નેતાઓ સામે મીયાની મીંદડી બની જતું હોય તેવો ઘાટ ઘડાયો છે. લોકો સોશિયલ ડિસ્ટનસ સહિતની જે સરકારની ગાઈડલાઈન છે તેનું પાલન બખૂબી કરી રહ્યા છે. અને જો તેમાં ચૂક થાય તો દંડ પણ ભરી રહ્યા છે. પરંતુ નેતાઓ પરિસ્થિતિની ગંભીરતા ભૂલીને ગાઈડલાઈનનો જાહેરમાં ભંગ કરતા નજરે પડે છે. સામે તંત્ર પણ જાણી જોઈને આંખ આડા કાન કરી કોઈ કાર્યવાહી કરતું નથી.

કોરોનાની વરવી પરિસ્થિતિમાં કોરોના વોરિયર્સની ભૂમિકા બજવતા આરોગ્ય કર્મીઓ તેમજ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લોકોને બચાવવા પોતાની જાન જોખમમાં મૂકીને પોતાની ફરજ નિષ્ઠાભેર બજાવી રહ્યા છે. તેની સામે નેતાઓ આ કોરોના વોરિયર્સની મહેનત ઉપર પાણી ઢોળ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં નેતાઓએ જાહેરમાં મેળાવડાઓ યોજીને સોશિયલ ડિસ્ટનસનો ભંગ કર્યો હોવાના અનેક દાખલાઓ છે. વધુમાં આ ટોળાઓમાં સામેલ થયા હોય તેવા નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાના પણ અનેક દાખલાઓ છે.

નેતાઓ નિયમોના લીરા ઉડાડતા નજરે પડે છે. છતાં તેઓ સામે તંત્રના વાહકો નજબૂરીથી કોઈ કાર્યવાહી ન કરી શકતા હોવાની બુમરાળ પણ ઉઠી છે.

ખરેખર કોરોના વોરીયર્સ દ્વારા કોરોનાની મહામારીને નાથવા માટે જે કામગીરી થઈ રહી છે. નેતાઓ તેને સપોર્ટ ન કરે તો કઈ નહિ પણ તેમાં રોડા નાખે તે અયોગ્ય છે.અત્યાર સુધીમાં નેતાઓના અનેક મેળાવડાઓ થયા છે. અને અનેક નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હજુ જો નેતાઓ ભાન ભૂલીને આવી જ રીતે કરશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તે નક્કી છે.

૨ મંત્રી, ૩ સાંસદ, ૧૮ ધારાસભ્યો સહિત ૯૬ નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે

અત્યાર સુધીમાં ૨ મંત્રી, ૩ સાંસદ, ૧૮ ધારાસભ્યો સહિત ૯૬ નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી (રાજકોટ), સી.જે. ચાવડા (ઉત્તર ગાંધીનગર), કેતન ઇનામદાર (સાવલી), હર્ષદ રીબડીયા (વિસાવદર), મધુ શ્રીવાસ્તવ (વાઘોડીયા), કિશોર ચૌહાણ (વેજલપુર, અમદાવાદ), બલરામ થાવાણી (અમદાવાદ), જગદીશ પંચાલ (અમદાવાદ), પૂર્ણેશ મોદી (સુરત), ઇમરાન ખેડાવાલા (અમદાવાદ), પટેલ નિરંજન (પેટલાદ), કાન્તિ ખરાડી (દાંતા), ચિરાગ કાલરીયા (જામજોધપુર), ગેની બેન ઠાકોર (વાવ), વી.ડી. ઝાલાવાડિયા (કામરેજ, સુરત), હર્ષ સંઘવી (સુરત), નીમાબેન આચાર્ય (ભૂજ) અને રમણભાઈ પટેલ (વિજાપુર), રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ, લોકસભાના અમદાવાદના સાંસદ કિરીટ સોલંકી, પોરબંદર સાંસદના રમેશભાઇ ધડૂક, મંત્રી હકુભા જાડેજા, મંત્રી રમણ પાટકર, રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ પ્રદેશ કાંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા અને ૭૦ કોર્પોરેટર તથા અન્ય રાજકીય હોદ્દેદારોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.