Abtak Media Google News

કોંગી કોર્પોરેટરનું સ્ટોરરૂમમાં ચેકિંગ દરમિયાન પત્રિકાઓ ધુળ ખાતી નજરે પડી: દર છ મહિને બિલો મુકાતા હોવાનો પણ ઘટસ્ફોટ

શહેરજનોમાં આરોગ્યલક્ષી જનજાગૃતિ ફેલાય તે માટે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા લાખોની સંખ્યામાં પત્રિકાઓ છપાવવામાં આવે છે પરંતુ તેનું વિતરણ કરવામાં આવતું ન હોવાનું અને પત્રિકાઓ સ્ટોર રૂમમાં ધુળ ખાતી હોવાનો ઘટસ્ફોટ આજે કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર દ્વારા સ્ટોરરૂમમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન થયો હતો. પત્રિકાઓનાં બીલ દર મહિને મુકાતા હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે પત્રિકાઓ છાપવામાં આવે છે પરંતુ તેનું શહેરમાં વિતરણ કરવાના બદલે સ્ટોર રૂમમાં જ રાખવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. આજે નવી કલેકટર ઓફિસ સામે આવેલા સ્ટોર રૂમમાં ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે એવી ચોંકાવનારી વિગતો જોવા મળી હતી કે હજારો પત્રિકાઓ સ્ટોર રૂમમાં ધુળ ખાતી હતી. દર ૬ મહિને બિલો બની જાય છે પરંતુ પત્રિકાઓ વિતરણ માટે ફિલ્ડ વર્કરને આપવામાં આવતી નથી.

Advertisement

શહેરમાં ૨ લાખ ઘરોમાં પત્રિકાઓનું વિતરણ કરાયું હોય તેવું પણ જાણવા મળતું નથી. ટુંકમાં સ્ટેશનરીનું મોટુ કૌભાંડ ચાલી રહ્યું છે. મેલેરિયા વિભાગ દ્વારા બ્લડ સેમ્પલનાં રીપોર્ટ પણ જાહેર કરવામાં આવતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.