Abtak Media Google News

કોરોના સહાયમાં કલેકટર કચેરીની સારાહનિય કામગીરીને લાંછન લગાડતી મામલતદાર કચેરીઓ

પતિ – પત્ની એકબીજાના સીધા વારસદાર ગણાતા હોય, તેઓના ક્લેઇમમાં ફોર્મ સાથે સોગંદનામું જોડવાની કોઈ જરૂર ન હોવા છતાં અરજદારોને પાછા તગડવામાં આવે છે

અબતક, રાજકોટ : કોરોના સહાયમાં કલેકટર કચેરીની સરાહનીય કામગીરીને મામલતદાર કચેરીઓ લાંછન લગાડી રહી છે. પૂર્વ મામલતદાર કચેરીએ તો હદ પર કરી નાખી છે. ગઈકાલે સ્ટાફે અરજદારોની કતારમાં એવી બૂમ પાડી હતી કે સોગંદનામું ન હોય તેવા લોકો બહાર નીકળી જાવ. હવે જો સીધા વારસદાર હોય તો સોગંદનામાંની જરૂર જ ન પડતી હોય તેમ છતાં મામલતદાર કચેરીના આવા ફતવાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લામાં કોરોના સહાયમાં ઝડપી કામગીરી માટે કલેકટર અરુણ મહેશ બાબુ સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેઓની આગેવાનીમાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર ગોઠીના સુપરવિઝન હેઠળ કચેરીના સ્ટાફે રાત ઉજાગરા કરી સહાયમાં જિલ્લાને સૌથી આગળ રાખ્યો છે. પરંતુ મામલતદાર કચેરીઓમાં સહાયની અરજીને લઈને હજુ અનેક ગડમથલો ચાલી રહી છે. અગાઉ એમસીસીડી સર્ટીફીકેટ સાથે જોડવાની જીદ કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો. જો કે આ મામલો શાંત થયા બાદ પૂર્વ મામલતદાર કચેરીનું એક પરાક્રમ સામે આવ્યું છે.

ફૂડ કોર્પોરેશનના નિવૃત અધિકારી અને હાલ સામાજિક કાર્યકર તરીકે લોકોની સેવા કરતા સાંઘાભાઈ છગનભાઈ સોલંકી ઉર્ફે કિશોરભાઈએ અબતકને જણાવ્યું કે તેઓ જરૂરિયાતમંદ અને અભણ અરજદારોને સરકારી સહાયનો લાભ મળે એટલે ફોર્મ ભરી દેવા ઉપરાંત કચેરીએ તેઓની સાથે રહેવા સહિતની મદદ વિનામૂલ્યે કરે છે. તેઓએ સંતકબીર રોડ ઉપર રહેતા એક મહિલાની મદદ માટે ફોર્મ ભરી આપ્યું હતું. આ મહિલાના પતિ કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. તેઓ ગઈકાલે આ મહિલા અને તેમના મનોદિવ્યાંગ બાળકની સાથે પૂર્વ મામલતદાર કચેરીએ ગયા હતા.

પૂર્વ મામલતદાર કચેરી ખાતે ગઈકાલે 30 જેટલા અરજદાઓની કતાર જામી હતી. કોઈ સ્ટાફના માણસે કતાર પાસે આવીને એવી બૂમ પાડી હતી કે ચાલો, જેટલા પાસે સોગંદનામાં ન હોય તેટલા લોકો નીકળી જાવ. આવું સાંભળી તેઓ મહિલા અને તેમના મનોદિવ્યાંગ બાળકને લઈને ફોર્મની કામગીરી કરતા સ્ટાફ પાસે ગયા હતા.જ્યાં તેઓએ રજુઆત કરી હતી કે અમારા વધા ડોક્યુમેન્ટ ક્લિયર છે.

મૃતક આ મહિલાના પતિ જ છે. તેઓ સીધા વારસદાર છે. તો એમાં સોગંદનામાંની શુ જરુર ? ઉપરાંત તેઓએ એવી દલીલ પણ કરી હતી કે આ મહિલા જરૂરીયાત મંદ છે. તેઓને બે દીકરી છે જે સાસરે છે અને બહારગામ રહે છે. તેઓને એક પુત્ર છે જે મનોદિવ્યાંગ છે અને સાથે જ છે. સોગંદનામા માટે બન્ને દીકરીઓને બહારગામથી અહીં આવવું પડશે. આવી વાસ્તવિકતા દર્શાવતી દલીલ કરી હોવા છતાં સ્ટાફે સોગંદનામું જોડવાની જીદ છોડી ન હતી.

આમ પૂર્વ મામલતદાર કચેરીએ સોગંદનામાની જરૂર ન હોવા છતાં હઠ પકડતા મહિલાને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ મહિલા બાદમાં કોર્ટ પરિસરમાં નોટરી પાસે સોગંદનામાં માટે ગયા હતા. જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે 500 રૂપિયા થશે અને બન્ને દીકરીઓને અહીં હાજર થવું પડશે. જો કે આ મહિલાને રૂ. 500નો ખર્ચો પરવડે તેમ ન હોય, સામાજિક કાર્યકર ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામા રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાંના અધિકારીએ પૂર્વ મામલતદાર કચેરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પતિ- પત્ની સીધા વારસદાર ગણાય છે. તેઓના ક્લેઇમમાં સોગંદનામાની જરૂર રહેતી નથી.

અરજીમાં ફોર્મની ઝેરોક્ષ ન ચાલે, ઓરીજનલ જ આપો : દક્ષિણ મામલતદાર કચેરીનો મૂર્ખાઈભર્યો આદેશ 

મનઘડત ફતવાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા પણ ચોંકી ઉઠી

એક તરફ તંત્ર એવી જાહેરાત કરી રહ્યું છે કે વધુમાં વધુ લોકો કોરોના સહાયનું ફોર્મ ઓનલાઇન ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી લ્યે. જેથી લોકોને કચેરીનો ધક્કો બચે. પણ સામે દક્ષિણ મામલતદાર કચેરીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. એક અરજદારની એવી કવેરી કાઢી કે ફોર્મની ઝેરોક્ષ ન ચાલે. ઓરીજનલ ફોર્મ ભરીને આપો. આ વાત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સુધી પહોંચી હતી. જેથી તેઓએ કલેકટર કચેરી પાસે 1000 ફોર્મની માંગણી કરી હતી. તેઓના હસ્તક ફોર્મ દરેક અરજદારો સુધી સરળતાથી પહોંચી શકે. આવી માંગણી આવતા કલેકટર કચેરીનો ડિઝાસ્ટર વિભાગ પણ ચોંકી ઉઠ્યો. તુરંત દક્ષીણ મામલતદાર કચેરીને સૂચના આપવામાં આવી કે ફોર્મની ઝેરોક્ષ ચાલે જ.

પ્રેક્ટીકલ બનીને કામગીરી કરજો, લોકોને મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખજો : સરકારનો સ્પષ્ટ આદેશ

કોરોના સહાયની અરજી સંદર્ભે લોકોને હાલાકી ન વેઠવી પડે તે માટે સરકાર હવે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ પોર્ટલ એકાદ બે દિવસમાં જ શરૂ થઈ જવાનું છે. ત્યારે આ મામલે વિગતો આપવા માટે ગઈકાલે મહેસુલ વિભાગે પ્રાંત અધિકારી અને ડિઝાસ્ટર મામલતદારને ગાંધીનગર ખાતે બેઠકમાં બોલાવ્યા હતા. આ બેઠકમાં સરકાર કક્ષાએથી અધિકારીઓ જોગ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે પ્રેક્ટીકલ બનીને કામગીરી કરજો. અરજદારોને હાલાકી ન પડે તેની પૂરતી તકેદારી રાખજો.

સોગંદનામા અંગે આજે મૌખિક સૂચના મળી છે એટલે અમલ ચાલુ કરી દીધો છે : પૂર્વ મામલતદાર 

આ મામલે અબતક દ્વારા પૂર્વ મામલતદાર ચાવડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આજે મૌખિક સૂચના મળી છે કે સીધા વારસદાર હોય તેની પાસેથી સોગંદનામું માંગવું નહિ. જેનો અમલ આજથી શરૂ કરી દીધો છે. હવે થોડા દિવસમાં આ અંગેનો લેખિત પરિપત્ર પણ મળશે એવું મને જાણવા મળ્યું છે. વધુમાં અબતક દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે અગાઉ સીધા વારસદાર હોય તેઓ પાસેથી પણ સોગંદનામું લેવું. તેઓ કોઈ પરિપત્ર કે સૂચના હતી ? આ અંગે તેઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.