Abtak Media Google News

વિઝિબિલિટીમાં ઘટાડો: હાઇવે પર વાહન ચાલકોને હાલાકી: આવતીકાલે પણ ઝાકળવર્ષાની સંભાવના

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સતત બે દિવસથી વહેલી સવારે ગાઢ ધુમ્મસ થતા સવારના નજારો આહલાદક બની ગયો હતો. જોકે ધુમ્મસને કારણે વિઝીબીલીટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઝાકળવર્ષાને કારણે દિલ્હીથી રાજકોટ આવતી ફલાઈટ સવારે 7.10 ને બદલે 8.10 વાગ્યે પહોચી હતી એટલે કે, દિલ્હીથી રાજકોટ આવતા લગભગ 140 મુસાફરો 1 કલાક મોડા રાજકોટ એરપોર્ટ ખાતે પહોચ્યા હતા. ઝાકળવર્ષાને કારણે હાઈવે પર લોકોએ પોતાના વાહનો પણ થોભી દેવા પડયા હતા.

Advertisement

ઉલ્લેખનીય છે કે, રાતે તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઉંચે ચડયો હતો. સવારથી જ ઠંડી ગાયબ થઈ હતી. અને પવનની દિશા બદલાતા હવામાનમાં ફેરફાર થયો છે.સવારે અચાનક ભેજનું પ્રમાણ વધી જતાં ઝાકળવર્ષા થઈ હતી. રાજકોટમાં આજે ઝાકળના કારણે રસ્તાઓ પણ ઘણી જગ્યાએ ભીના થઈ ગયા હતા. સૌરાષ્ટ્રમાં કેશોદ, પોરબંદર, સુરેન્દ્રનગર, વેરાવળ, દ્વારકા, ઓખા, દિવ, મહુવા અને નલીયા સહિતના શહેરોમાં ઝાકળવર્ષા થઈ હતી. જોકે બપોરે આકરા તાપથી ગરમીનું પ્રમાણ વધી જતા લોકો ત્રસ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટનું આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 17.9 નોંધાયું હતુ જયારે હવામાં ભેજનું પ્રમાણ 94 ટકા રહ્યું હતુ ગઈકાલે રાતે મહતમ તાપમાન 32.2 જયારે હવામાં ભેજનું પ્રમાણ 46 ટકા નોંધાયું હતુ છેલ્લા એક સપ્તાહથી સૂર્યનારાયણ આકરા મીજાજના મૂડમાં આવ્યા છે. બપોરનાં સમયે તાપમાનનો પારો 34 ડીગ્રી આસપાસ પહોચી જતા લોકો ઉનાળાના ધીમા પ્રારંભે જ અકળાયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આવતીકાલ સુધી સૌરાષ્ટ્રભરમાં ઝાકળવર્ષાનો અદભૂત નજારો જોવા મળશે. જેના કારણે પારો ઉંચકાશે ત્યારબાદ ફરી પારો નીચે જશે.

મહત્વનું છેકે સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસને કારણે જીરૂ, ચણાના પાકને નુકશાન થવાની ભીતિ પણ છે. જેને લઈ ખેડુતો પણ ચિંતામાં જોવા મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.