Abtak Media Google News

લીંબડીના ખાખ ચોકમાં પાડોશમાં રહેતા મામા-ફઇના પરિવાર વચ્ચે મજાક મશ્કરી બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલી મહિલા સહિત ચાર શખ્સોએ કાતર અને લાકડાના ધોકાથી બે યુવાન પર કહેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એકનું સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.  મામીને વાવાઝોડુ અને તુફાન કહી ન બોલાવવા જેવી નજીવી બાબતે ચાલતી મજાક મશ્કરીના પ્રશ્ર્ને થયેલા ઝઘડમાં યુવકની થયેલી હત્યા અંગે ચાર સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.

ભાણેજે મામીને વાવાઝોડું અને તુફાન કહીને ન બોલાવવાનું કહેતા કાતરના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું: એક યુવક ગંભીર

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડીના ખાખ ચોકમાં રહેતા અને એમેઝોનમાં કામ કરતા વિકાસ વિનોદભાઇ મકવાણા, તેના નાના ભાઇ જીગર અને મામાના દિકરા અંકિત પર પાડોશમાં રહેતા ફઇ ચંદ્રીકાબેન  પ્રવિણભાઇ મકવાણા, ફુવા જીવાભાઇ લાલજીભાઇ મકવાણા, તેના પુત્ર પ્રવિણ મકવાણા અને યોગેશ મકવાણાએ કાતર અને લાકડાના ધોકાથી હુમલો કરતા વિકાસ, જીગર અને અંકિત ઘવાયા હતા. જેમાં વિકાસનું સારવાર દરમિયાન મોત નીપજયાની તેની બહેન પિનલ વિનોદભાઇ ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પિનલબેન ચાવડાની માતા  રતનબેનને તેનો ભાણેજ પ્રવિણ મકવાણા વાવાઝોડુ અને તુફાન કહીને બોલાવતો હોવાથી અને મામા વિનોદભાઇ ચાવડાને કેન્સર હોવાથી અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છ તેના વિશે જેમ તેમ બોલતો હોવાથી તેને પિનલબેન ચાવડાએ સમજાવ્યા હતા.

ત્યારે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ વિકાસ, જીગર અને તેના મામાનો દિકરો અંકિત ઘરે આવ્યા ત્યારે પ્રવિણ, તેના પિતા જીવા મકવાણા , માતા ચંદ્રીકાબેન અને યોગેશ મકવાણા કાતર અને લાકડાના ધોકા સાથે ઘરે આવી વિકાસ, જીગર અને અંકિત પર હુમલો કર્યો હતો. વિકાસ ચાવડાના ગળામાં ગંભીર ઇજા થતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. લીંબડી પી.એસ.આઇ. બી.કે.મારુડાએ પિનલબેન ચાવડાની ફરિયાદ પરથી તેના ફઇ, ફુવા અને તેના બે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.