Abtak Media Google News

ના કોઈ ઉમંગ હૈ…ના કોઈ તરંગ હૈ…

60 વર્ષ કે તેથી વધુ વયના, ત્રણ ટર્મ કે તેથી વધુ વખત જીતેલા હોય તેવા 10 સિટિંગ કોર્પોરેટરોના નામો પેનલમાં ન મુકાયા:સંગઠનના હોદ્દેદારોએ ચૂંટણી લડવી હશે તો પહેલા રાજીનામું આપવું પડશે

મૂંગા મોઢે નૂર વિના વોર્ડ વાઇઝ ચાર-ચાર નામોની ચાર પેનલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકી દેતું શહેર ભાજપ:ગુરુ કે શુક્રવારે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા ગઈ કાલથી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ચાલી રહી છે.જેમાં આજે સવારે રાજકોટનો વારો હતો. શહેર ભાજપ દ્વારા મૂંગા મોઢે નૂર વિના વોર્ડ વાઈઝ 16 નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે.હવે પાર્લામેન્ટરી બોર્ડ આ નામો પર  ચારણો મારી વોર્ડ દીઠ 4 ઊમેદવાર ફાઇનલ કરશે. ગઈકાલે ઉમેદવારોની પસંદગી માટે જે નીતિ નિયમો જાહેર કરવામાં આવ્યા છે.તેમાં બંધબેસતા 10 સીટીંગ કોર્પોરેટર નામ પેનલમાં રજૂ કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ સંગઠન હોદ્દો ધરાવતા કોઇ નેતાએ ચૂંટણી લડવી હશે તો પહેલા સંગઠનના હોદ્દેદારો પદેથી રાજીનામું આપવું પડશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે 18 વોર્ડની 72 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા ગત 25મી જાન્યુઆરીના રોજ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા દરમિયાન અપેક્ષિતોને સાંભળવામાં આવ્યા હતા.પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં આજે સવારે રાજકોટનો તન હતો.જેમાં પ્રદેશની સુચના મુજબ શહેર ભાજપની સંકલન સમિતિ દ્વારા વોર્ડ વાઈઝ ચાર-ચાર નામોની ચાર પેનલ બનાવી પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે.વોર્ડ વાઈઝ કુલ સોળ નામ મૂકવામાં આવ્યા છે. જેમાં આઠ મહિલા અને આઠ પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે  ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડના આરંભ બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે એવી જાહેરાત કરી હતી કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા કાર્યકરો, સતત ત્રણ ટર્મથી જીતતા ઉમેદવાર અને આગેવાનોના સગાઓને ટિકિટ નહીં આપે.આ નિયમની ધ્યાનમાં રાખી આજે રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ વાઈઝ જે 16 નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં નીતિનભાઈ ભારદ્વાજ ,કશ્યપ ભાઈ શુક્લ ,કમલેશભાઈ મીરાણી, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય ,ઉદયભાઈ કાનગડ ,બાબુભાઇ આહીર અને અનિલ ભાઈ રાઠોડ કે જેઓ ત્રણ ટર્મ  કે તેથી વધુ વાર મહાપાલિકાની ચૂંટણીમાં વિજેતા બન્યા છે.તેઓના નામ ઉપરાંત 60 વર્ષ કે તેથી વધુની વય ધરાવતા મીનાબેન પારેખ, વિજયાબેન વાછાણી અને રૂપાબેન શીલુના નામ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી.આ ઉપરાંત ઉપરોક્ત ક્રાઈટેરિયામાં જે કાર્યકરો આવતા હતા અને સેન્સ પ્રક્રિયા દરમિયાન જેમને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેઓના નામ પણ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ માત્ર અને માત્ર વોર્ડવાઇઝ ચાર-ચાર નામોની ચાર પેનલ એટલે કે કુલ 16 નામ મૂકવામાં આવ્યા છે.તેમાંથી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તેનો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે.આગમી ગુરુવાર કે શુક્રવારે ભાજપ પોતાના ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દે તેવી સંભાવના જણાય રહી છે.

ભાજપ 15  કોર્પોરેટરોને રિપીટ કરે તેવી સંભાવના

મહાપાલિકાની ગત ટર્મમાં  ભાજપના કુલ 40 કોર્પોરેટર હતા જે પૈકી  દક્ષાબેન ભેંસાનિયાએ ભાજપનો કેસરીયો ખેસ ફગાવી કોંગ્રેસનો હાથ પકડયો હતો. આવામાં ભાજપ પાસે 39 સીટિંગ કોર્પોરેટર રહ્યો છે .જે પૈકી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પક્ષ દ્વારા જે નીતિ નિયમ જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ દસ કોર્પોરેટરોની ટીકીટ કપાઈ જશે હવે માત્ર 29 કોર્પોરેટર એવા છે કે જે રીપિટ થઇ શકે તેમ છે.જે પૈકી ભાજપ વધીને માત્ર 15 કોર્પોરેટર અને ફરી ચૂંટણી જંગમાં ઉતારે તેવું લાગી રહ્યું છે.અંજનાબેન મોરઝરીયા, ડો. દર્શિતાબેન શાહ, મનીષભાઈ રાડીયા, જયમીનભાઈ ઠાકર ,અશ્વિનભાઈ મોલિયા,પ્રીતિબેન પનારા,દલસુખભાઈ જાગાણી,મુકેશ રાદડિયા, રાજુભાઈ અઘેરા, શિલ્પાબેન જાવિયા,પુષ્કરભાઈ પટેલ, અશ્વિનભાઈ ભોરણીયા,જયાબેન ડાંગર,નિતિનભાઈ રામાણી અને અનિતાબેન ગૌસ્વામીને ફરી ટિકીટ મળે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

આ 10 સિનિયરોના નામો પેનલમાં પણ ન મુકાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા જે નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.તેમાં હાલ 10 સિનિયર નગરસેવકો કપાય તેવું લાગી રહ્યું છે. નવા નિયમોની અમલવારી કરતા શહેર ભાજપ દ્વારા વોર્ડ વાઈઝ જે 16 નામ મૂકવામાં આવ્યા છે. તેમાં દસ સિટિંગ કોર્પોરેટરના નામ મૂકવામાં આવ્યા નથી.નીતિન ભારદ્વાજ ,કશ્યપભાઈ શુક્લા, ઉદયભાઇ કાનગડ, કમલેશભાઈ મીરાણી, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય,અનિલભાઈ રાઠોડ,બાબુભાઇ આહીર કે જેઓ  ત્રણ કે તેથી વધુ વખત વખત ચૂંટણી જીત્યા છે.જ્યારે મીનાબેન પારેખ, રૂપાબેન શીલુ અને વિજયાબેન વાછાણીની ઉંમર 60 વર્ષથી વધુ હોવાથી તેમના નામ રજૂ કરવામાં આવ્યા નથી.આ ઉપરાંત સેન્સ પ્રક્રિયા દરમિયાન 60 વર્ષ કે તેથી વધુની ઉંમરને કે અગાઉ ત્રણ વખત ચૂંટાયેલ જે નગરસેવકોએ કાર્યકરોએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેઓ નામ પણ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નથી.

કોરોનામાં સપડાયેલા સાંસદ મોહનભાઇ કુંડારીયા પાર્લામેન્ટરી બોર્ડમાં હાજર ન રહ્યા

પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે તે શહેરના ધારાસભ્ય, સંસદસભ્ય, શહેર ભાજપના હોદ્દેદારો હાજરી આપવા માટે અપેક્ષિત હોય છે. મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે  ગઈકાલથી ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો આરંભ થયો છે જેમાં આજે સવારે રાજકોટનો વારો લેવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ઉપરાંત  મહામંત્રી જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ અને કિશોરભાઈ રાઠોડ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ,લાખાભાઈ સાગઠીયા, અરવિંદ રૈયાણી અને  પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ અપેક્ષિત હોય છે પરંતુ તેઓ કોરોનામાં સપડાયા હોવાથી હાજર રહી શકયા ન હતા.

સંગઠનમાં હોદ્દો  ધરાવનારે ચૂંટણી લડવી હશે તો રાજીનામું આપવું પડશે

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા અગાઉ પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે ભાજપ એક વ્યક્તિ એક હોદા ના  નિયમને  અનુસરશે. આવામાં સંગઠનમાં જે વ્યક્તિ હાલ હોદ્દો ધરાવે છે તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે નહીં.છતાં ગઈકાલે જે ક્રાઈટેરિયા જાહેર કરવામાં આવ્યા છે તેમાં જે સંગઠનના હોદેદારોને  બંધ બેસતા નથી અને તેઓ ચૂંટણી લડવા ઇચ્છુક છે તેઓને ચૂંટણી લડવી હશે તો સંગઠનના હોદ્દેદારો પદેથી સૌપ્રથમ રાજીનામું આપી દેવું પડશે.ત્યારબાદ તે ચૂંટણી લડી શકશે જો તે ચૂંટણીમાં પરાજીત થશે તો ફરીથી તેને સંગઠનમાં સ્થાન આપવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.