Abtak Media Google News

વિશ્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસના કારણે ચીન, ઈટાલી, અમેરિકા વગેરે જેવા દેશોમાં હજારો લોકોનાં મૃત્યુ થવા પામ્યા છે. વિદેશમાંથી ચેપ લઈને આવેલા પ્રવાસીઓનાં કારણે ભારતમાં પણ હવે કોરોના વાઈરસ ધીમેધીમે પ્રસરી રહ્યો છે. એકબીજાના સંપર્કથી ફેલાતા કોરોના વાયરસની હાલમાં કોઈ દવા શોધાય ન હોય અને તેને ફેલાતો રોકવા સોશ્યલ ડીસ્ટર્ન રાખવું એક માત્ર ઉપાય હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૧ દિવસનાં દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે હાલ ભારતમાં કોરોના વાયરસ સ્થાનિક ફેલાવાની સ્થિતિએ છે જયારે લોકડાઉનનાં કારણે ભારતમાં વિકસિત દેશો કરતા તેનો ફેલાવો ઓછો જોવા મળી રહ્યો છે. જેથી મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલૂં લોકડાઉન હાલમાં રંગ લાવ્યું હોય તેમ કહી શકાય.

કોરોના વાયરસ એકબીજાના સંસર્ગથી ફેલાતો ચેપી રોગ છે. આ રોગના ચેપનો ભોગ બનેલા દર્દીઓને સ્પર્શવાથી આ રોગ બીજા લોકોમાં આગળ ફેલાઈ છે. ચીન, ઈટાલી, અમેરિકા, ઈગ્લેન્ડ, ફ્રાન્સ જેવા વિકસિત દેશો કે જેઓ મેડીકલ સુવિધાઓમાં ભારત કરતા અનેકગણુ આગળ છે. ત્યાં કોરોના વાઈરસને ગંભીરતાથી ન લેવાના કારણે સ્થાનિક ફેલાવો ખૂબજ મોટા પ્રમાણમાં થવા પામ્યો છે. અમેરિકામાં સ્થિતિતો એટલી વિકરાળ બનવા પામી છે. કે આ રોગના જન્મસ્થાન ચીન કરતા પણ વધારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા અમેરિકામાં નોંધાઈ ચૂકી છે.

ભારત સરકારે સમયસર આ રોગની ગંભીરતાને પારખીને હિંમતભેર નિર્ણય લઈને ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી જેના કારણે ભારતમાં સ્થાનિક ફેલાવવાના ત્રીજા તબકકે પહોચેલા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

દેશભરમાં કોવિડ-૧૯ની રોકથામ માટે લોક ડાઉનની અસર સકારાત્મક દિશામાં દેખાઈ રહી છે. અને આ જીવલેણ વાયરસ હજુ પણ તબકકામાં છે. સરકારે કહ્યું છે કે આ વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશનના પૂરાવા મળ્યે તુરત જ તેને નાગરકોને વધુ ચેતવણી આપવા માટે જાણ કરાશે.

આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું હાલમાં કોરોના વાયરસ દેશમાં સ્થાનિક ફેલાવવાના તબકકામાં છે. જો સમુદાય સંક્રમણના કોઈ સંકેત મળશે તો તે અંગેની વિગતો મીડીયા દ્વારા લોકોને અપાશે.

આરોગ્ય મંત્રાલયે લોકોને શું કરવું અને ન કરવુંની સુચનાનું પાલન કરવા વિનાતી કરતા કહ્યું છે કે રોગ સામે લડવામાં વાયરલ ચેપની વહેલી તપાસ ખૂબજ મહત્વપૂર્ણ છે.

અગ્રવાલે ઉમેર્યું હતુ કે કોરોના વાયરસના મોટાભાગના કેસોમાં હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. આપણે સોશ્યલ ડીર્સ્ટન જાળવવું જોઈએ વ્યકિતની બેદરકારી પણ કોરોના વાયરસના ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના ડો. રમન ગંગાખેડકરે કહ્યું કે, અત્યાર સુધીમાં ૩૮,૪૪૨ કોરોના વાયરસ પરીક્ષણો કરવામાં આવ્યા છે. અને તેઓ હજુ પણ તેમની પરીક્ષણ ક્ષમતાના ૩૦ ટકાથી ઓછા છે. તેમણે કહ્યું કે ૪૭ ખાનગી પ્રયોગશાલાઓએ ત્રણ દિવસમાં ૧૩૩૪ દર્દીઓ પરીક્ષણ કર્યું છે.

‘જમાત’નો જલસો દેશભરમાં કોરોના વાયરસની તારાજી માટે કારણભૂત બનશે

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા મોદી સરકાર દ્વારા દેશવ્યાપી ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત થઈ છે. દિલ્હીનાં નિઝામુદીનમાં આયોજીત તબલીગી જમાતનાં ધાર્મિક કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં ભાગ લેવા આવેલા લોકોમાંથી દસ લોકોનું કોરોના વાયરસનાં કારણે મોત નિપજયું છે. જેમાંથી મોટાભાગના મોત તેલંગણામાં થયા છે. જયારે તમિલનાડુ, કર્ણાટક અને જમ્મુ-કાશ્મીરમાંથી એક-એક વ્યકિતનાં મૃત્યુનાં અહેવાલ મળ્યા છે. અન્ય એક વ્યકિત વિદેશી છે. આ તબલીગી જમાતમાં ભાગ લીધા બાદ જે લોકો પોતાના ઘરો પરત ફર્યા હતા તેમાં તેલંગણાના ૬ લોકોનાં મોતનો સમાચાર પ્રથમ આવ્યા હતા. જે બાદ સરકારમાં હલચલ મચી ગઈ છે.

એક અહેવાલ મુજબ આ ધાર્મિક કાર્યક્રમમાં લગભગ ૧૯૦૦ થી ૨૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દેશનાં વિવિધ ભાગો સિવાય ઘણા વિદેશી નાગરીકો પણ સામેલ હતા. વિદેશી નાગરિકનાં મોત ઉપરાંત અન્ય ૧૯ વિદેશી નાગરિકોમાં પણ વાયરસની પુષ્ટિ થઈ છે. દેશનાં પાટનગર દિલ્હીનાં નિઝામુદીન વિસ્તારમાં આવેલા માર્કઝ તબલીગી જમાત મુખ્યાલયમાં જલ્સાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ જલ્સામાં સામેલ ૨૦૦થી વધુ લોકો કોરોના ચેપની સંભાવનાથી વ્યકત થઈ છે. કોરોનામાં ચેપ લાગવાની સંભાવના બાદ અહીં હાજર ૧૬૩ લોકોને દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારે આ વિસ્તારમાં રહેતા લોકોને પરીક્ષા માટે દિલ્હીની જુદી જુદી હોસ્પિટલોમાં પણ દાખલ કર્યા છે. સોમવારે દિલ્હીમાં મહતમ પોઝીટીવનાં ૨૫ કેસ નોંધાયા હતા. જેમાંથી ૧૯ દર્દીઓ આ જલ્સા સાથે જોડાયેલા હતા.

લોકનાયક હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, તેઓમાં ૧૭૪ કોરોના ચેપનાં દર્દીઓ દાખલ છે જેમાંથી ૧૬૩ નિઝામુદીન વિસ્તારમાંથી આવ્યા છે. ૮૫ દર્દીઓ રવિવારે પહોંચ્યા હતા જયારે ૩૪ને સોમવારે દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ દિલ્હી સરકારે આ જલ્સાનાં આયોજકો સામે કેસ નોંધવાનું કહ્યું છે. તેમના પર આરોપ છે કે દેશમાં લોકડાઉન થયા પછી પણ તેઓએ આટલી મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. વળી, તેમણે આ માટે કોઈ પરવાનગી લીધી ન હતી.

તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા રાજયમાં રાજયનાં લોકોને સાવધાની આપવામાં આવી છે. જેમણે દિલ્હીમાં આયોજીત આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેવા લોકોએ તાત્કાલિક તેના વિશે સરકારી અધિકારીઓને જાણ કરવી પડશે. રાજય સરકાર આ તમામ લોકોને વિનામુલ્યે પરીક્ષણ અને સારવાર કરાવે છે. જો કોઈને આ લોકો વિશે જાગૃત છે તો તેમણે તાત્કાલિક સરકાર અને અધિકારીઓને જાણ કરવી જોઈએ.

કોરોના સામેના જંગમાં આગામી ૩૦ દિવસ મહત્વનાં: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં હવે કોરોના વાયરસનો ચેપ વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે.  યુ.એસ.માં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૬૪,૨૪૮ પર પહોંચી ગઈ છે, જે ચીન કરતા બમણી છે.  એવું માનવામાં આવે છે કે વાયરસના ફેલાવાને રોકવા માટે યુ.એસ. માં વધુ કડક માર્ગદર્શિકા લાગુ કરી શકાય છે.  જે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર ૩૦ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. તેના પરથી ફલિત થાય છે. કોરોના ચેપથી પીડિત અમેરિકા આ રોગચાળોનો વિશ્ર્વનો સૌથી મોટો દેશ બની ગયો છે. યુએસમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ૧,૬૪,૨૪૮ પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં ૩૧૬૪ લોકો મૃત્યુ પામ્યા છે.

વોશિંગ્ટન અને ન્યુ યોર્કના શહેરો સૌથી વધુ અસરગ્રસ્ત છે. કોરોના વાયરસથી વોશિંગ્ટનમાં ૧૪૪ લોકો અને ન્યુ યોર્કમાં ૧૨૦૦ લોકો માર્યા ગયા છે.

આગામી ૩૦ દિવસ અમેરિકા માટે ખૂબ જ પડકારજનક સમયનો છે તેમ ટ્રમ્પે જણાવીને ઉમેર્યું હતું કે, આ યુદ્ધમાં દરેક માણસે ભૂમિકા નિભાવવાની છે.  નાગરિકો, પરિવારો અને વ્યવસાયો આ વાયરસને ફેલાતો રોકવા પરિવર્તન લાવી શકે છે.  આ આપણી સામાન્ય રાષ્ટ્રીય ફરજ છે.  પછીના ૩૦ દિવસ ખૂબ જ પડકારજનક સમય છે.  આ ૩૦ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.  અમે ૩૦ દિવસ સુધી દરેક પ્રયાસ કરીશું જેથી અમે પાછા આવી શકીએ. ’ યુએસ પ્રમુખ ટ્રમ્પે ચેતવણી આપી છે કે, આગામી બે અઠવાડિયામાં અમેરિકામાં સૌથી વધુ મોત થશે.  ટ્રમ્પે કહ્યું કે યુ.એસ. ૧ જૂન સુધીમાં આ સંકટમાંથી બહાર નીકળી જશે.

જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરતા ડ્રાઇવરો માટે વીમાની સરકારની વિચારણા

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા ૨૧ દિવસના દેશ વ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉન દરમ્યાન માર્ગ, રેલવે, હવાઈ સહિતના તમામ જાહેર પરિવહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ લોકોને જીવનજરૂરી તમામ ચીજ વસ્તુઓની તંગી ન વેઠવી પડે તે માટે સરકારે ટ્રાન્સપોર્ટ વ્હીકલો દ્વારા આવા ચીજ વસ્તુઓને દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈને જતા ટ્રક ડ્રાઈવરો, કલીનરોને ચેપ લાગવાના કારણે કોરોના વાઈરસ લાગવાની સંભાવના વધી જાય છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા આવી મુશ્કેલીના સમયમાં પણ હિંમતભેર પોતાનુ કાર્ય કરતા ટ્રક ડ્રાઈવરો અને કલીનરોની સલામતી માટે આરોગ્ય વિમા ઉતારવાની વિચારણા હાથ ધરી છે. ઉપરાંત ટ્રક ડ્રાઈવરોની મદદ માટે સરકાર દ્વારા ૨૪ કલાક હેલ્પલાઈન નંબર શરૂ કરવાની વિચારણા હાથ ધરી છે. જેથી વિકટ સ્થિતિમાં હાઈવે પર ફસાયેલા ટ્રક ડ્રાઈવરોને તુરંત મદદ પુરી પાડી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.