Abtak Media Google News

પોલીસ કમિશનરથી કોન્સ્ટેબલ સુધીના તમામ પોલીસ સ્ટાફ વ્યાજખોરો વિરૂધ્ધની ફરિયાદ સાંભળી સ્થળ પર જ નિકાલ કરાશે

રાજ્યભરમાં 31 જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશ ચલાવાશે: ગૃહ મંત્રી હર્ષ સંઘવી

રાજ્યમાં વ્યાજના દૂષણને ડામવા માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ અને અધ્યક્ષ સ્થાને તા.10/01/2023ના રોજ શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદની બદી નાબુદ કરવા લોકદરબારનું આયોજન કરેલું છે. અધિક પોલીસ કમિશ્નર સૌરભ તૌલંબીયા, નાયબ પોલીસ કમિશ્નર સુધીરકુમાર દેસાઇ ઝોન-2, નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ કમિશ્નર સજ્જનસિંહ પરમાર ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફીક) પુજા યાદવ તેમજ રાજકોટ શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નરો તથા તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહેશે. જે લોકદરબાર આગામી તા.10/01/2023 ના રોજ કલાક 11/00 વાગ્યા થી બપોરના કલાક 1 વાગ્યા સુધી હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવનાર છે. લોકદરબાર દરમ્યાન જે-તે પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ દ્વારા અરજદારની અરજીઓ પણ હેમુ ગઢવી હોલ ખાતે જ સ્વીકરાવામાં આવશે.

લોકદરબારમાં વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલું છે. આ લોકદરબારમાં શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે. જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગ બનનાર વ્યક્તિ તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે. જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગ બનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે. જે એક વ્યક્તિને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે. આવી ગેરકાયદે પ્રવૃતી સદંતર બંધ કરાવવા શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે તેમજ અગાઉ શહેરના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કમિશ્નરની કચેરીએ અરજી કરેલી હોય અને તેમાં પોલીસે કરેલી કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને શહેરના નાગરિકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. જેથી આ લોકદરબારમાં ભાગ લેવા માટે શહેરના નાગરીકોને પોલીસ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવે છે.

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુકત કરાવવવા માટે રાજ્ય સરકારે મકકમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આવતીકાલથી રાજયવ્યાપી લોકદરબારનું આયોજન કરાયું છે. જેમાં રાજ્ય પોલીસ દળના ઉચ્ચ અધિકારી ઓ નાગરિકોના પ્રશ્ર્નો સાંભળીને તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરશે અને ગેરકાયદે વ્યાજ વસુલતા કસુરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા જરૂરતમંદ નાગરિકોને મહત્તમ લાભ લેવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.

સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી એને મળેલી સફળતાના પરિણામે હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે અને આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારો ને આ વ્યાજખોરોના ત્રાસમાં થી મુક્ત થવાની એક તક પુરી પાડી છે. આવનારા એક અઠવાડિયામાં આ મુહિમ વધુ ઝડપી અને વેગવાન બનાવીને અસરકારક રીતે અમલી કરાશે. આ માટે રાજયના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે સૂચનાઓ પણ આપી હોવાનું ગૃહ મંત્રીએ જણાવ્યું છે.

ગુજરાત પોલીસના તમામ સીનીયર અધિકારીઓ જેવા કે પીઆઈ, ડીવાયએસપી, ડીએસપી અને મહાનગર હોય તો કમિશ્નર સુધીના અધિકારીઓ પોતે અલગ અલગ વિસ્તારમાં જાય અને સામાન્ય નાગરિકે પોલીસ મથકે જઈને ફરિયાદ ના આપવી પડે તે માટે ગુજરાત પોલીસ મુહિમ શરુ કરશે.આવતી કાલ થી સીનીયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લઈને આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે.તેમણે ગુજરાતના સૌ નાગરિકોને અપિલ કરતા કહ્યું કે, કોઈ પણ વ્યાજખોરની હેરાનગતિ હોય કે ત્રાસ હોય તો કોઈ પણ જાતનો ડર રાખતા નહી આ તમામ લોકોને પહોંચી વળવા માટે પોલીસ સદાય તત્પર છે અને રહેશેજ આપને સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.

સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે,કેટલાક વ્યાજખોરો ગરીબ અને મજબુર લોકોની આર્થિક મજબુરીનો ફાયદો ઉપાડી ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજદરે વ્યાજ વટાવનો ધંધો કરીને લોકોને પરેશાન કરે છે.જેના પરિણામે કેટલાક કિસ્સાઓમાં લોકો આવા વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવા સુધીનું પગલું ભરી લે છે.આવી અનેક ફરિયાદો બાદ સુરત પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી હતી જેને સફળતા મળતા આ મોડલ રાજયભરમાં અમલી બનાવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેના પગલે આવતીકાલથી રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશને વધુ અસરકારક બનાવવામાં આવશે. તેમ સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.