Abtak Media Google News

શહેરમાં ટ્રાફિક માટે શિરદર્દ બનેલા માધાપર ચોકડીએ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ બ્રિજના લોકાર્પણનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. તેના માટે મુખ્યમંત્રીને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આમ હવે થોડા જ દિવસોમાં આ બ્રિજ ખુલ્લો મુકાઈ જશે.

Advertisement

માધાપર ચોકડી ખાતે 60 કરોડ રૂપિયાના ખર્ચે ઓવર બ્રિજ એપ્રિલ-2023 સુધીમાં તૈયાર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જો કે કામ ખૂબ જ ધીમુ ચાલ્યું હતુ, જેના કારણે ઘણો વિલંબ થયો છે. દેર આયે દુરસ્ત આયેની જેમ હવે કામ પૂર્ણ થઈ ગયું હોય ટ્રાફિક જામમાંથી મુક્તિ મળવાની છે.

ચાર ખાનગી પ્લોટના સંપાદનના વિવાદને પગલે એક તરફનો સર્વિસ રોડ 1 ફુટ નાનો રહેશે: લોકાર્પણ માટે મુખ્યમંત્રીને આમંત્રણ : ભારત- ઓસ્ટ્રેલિયા મેચ પૂર્વે જ બ્રિજ ખુલ્લો મુકાઈ તેવા અણસાર

માધાપર ચોકડી મોરબી અને જામનગર બન્ને શહેરોમાંથી આવતા વાહનોનું પ્રવેશ દ્વાર હોય અહીં મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય છે. ગઈકાલે જ આ બ્રિજનું કામ પૂર્ણ થઈ જવાનું હતું પણ વરસાદના કારણે ડામરની જે એક લેયર કરવાની હતી તે થઈ શકી ન હતી. પણ આજે સવારે આ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અહીં લાઇટિંગનું કામ પણ થઈ ગયું છે. આમ આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે. અહીં ગાંધી સોસાયટીના કોમન પ્લોટ અને 4 અન્ય પ્લોટનું સંપાદન કરવાનું હોય જેમાં કોમન પ્લોટ ઉપયોગમાં લેવાયો છે. પણ અન્ય પ્લોટના સંપાદનમાં કોનો પ્લોટ છે તે સહિતના મુદા ગુંચવાયેલા હોય તેનું સંપાદન બાકી રાખી દેવાયું છે. જેને પગલે એક તરફનો સર્વિસ રોડ એકાદ ફૂટ જેટલો નાનો બનશે તેવું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ બ્રિજના લોકાર્પણ માટે મુખ્યમંત્રીને આમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે. બીજી તરફ ખંઢેરી સ્ટેડિયમ ખાતે આગામી 27મીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ યોજાનાર છે. તે પૂર્વે જ આ બ્રિજ ખુલ્લો મુકાઈ જશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ બ્રિજ તો તૈયાર થઈ ગયો છે હવે બસ તેના લોકાર્પણની રાહ જોવાની છે.

ઉલ્લેખનીય છે કે માધાપર ચોકડીએ દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. છેલ્લા ઘણા સમયથી માધાપર બ્રિજનું કામ ચાલી રહ્યું હતું. તેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી. પરંતુ હવે માધાપર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. ટૂંક સમય માટેનું લોકાર્પણ થવાનું છે. ત્યારે વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળવાની છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના વન-ડેમાં પણ ક્રિકેટ રસિકોને ટ્રાફિકમાંથી રાહત મળવાની છે.

કાલ સાંજ સુધીમાં ધડાધડ બે જાહેરનામા પ્રસિદ્ધ થશે

માધાપર બ્રિજને લઈને સંપાદન મામલે તંત્ર દ્વારા કાલ સાંજ સુધીમાં બે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જેમાં 10 (એ) મુજબનું જાહેરનામું  આજે સાંજે બહાર પડશે. જ્યારે જમીન સંપાદનનું 11(એ) મુજબ જાહેરનામું કાલે બહાર પડશે. તેમાં કમ્પાઉન્ડ વોલ સહિતનું વર્ણન હશે.

કલેકટરે બ્રિજની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

માધાપર ચોકડીએ નિર્માણ પામનાર બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયુ હોય જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ગઇકાલે 2 વાગ્યે ત્યાં સ્થળ વિઝીટ કરી હતી. તેઓએ અહીં બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે આ બ્રિજના લોકાર્પણને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.