Abtak Media Google News

જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓમાં કોઈ તપાસણી હાથ ધરવામાં આવતી ન હતી. પણ હવે કલેકટર તંત્ર આ મામલે સક્રિય થયું છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ પ્રાંત અને મામલતદારોને પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓમાં દર છ મહિને તથાતમામ સસ્તા અનાજની દુકાનોમાં પણ દર ત્રણ મહિને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં સિવિલ ફૂડ સપ્લાય ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી આર.સી. મીના દ્વારા તમામ જિલ્લા કલેકટરોને ગેસ એજન્સીઓ, પેટ્રોલ પંપ અને સસ્તા અનાજની દુકાનોમાં નિયમિત તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જેને અનુસંધાને જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને આ અંગે અસરકારક કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

તમામ સસ્તા અનાજની દુકાનોમાં પણ દર ત્રણ મહિને ચકાસણી કરવાની સૂચના : દર મહીને 9ની બદલે 18 દુકાનોમાં તપાસની કામગીરી કરવાની રહેશે

જેમાં સસ્તા અનાજના દુકાનદારોની ત્રણ મહિનામાં એક વખત તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે પેટ્રોલ પમ્પ અને ગેસ એજન્સીની 6 મહિનામાં એક વખત તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. વધુમાં  સસ્તા અનાજની દુકાનમાં દર મહિને તપાસણીની સંખ્યા 9થી વધારીને 18 કરવા પણ સૂચના જારી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં તો નિયમિત તપાસ કામગીરી કરવામાં આવે છે. પરંતુ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સીઓમાં તપાસનો અભાવ જોવા મળતો હતો. અનેક પેટ્રોલ પંપમાં નિયમ વિરુદ્ધ જરૂરી વ્યવસ્થાઓનો અભાવ હોય છે ત્યારે હવે જિલ્લા કલેકટરના તપાસના આદેશને પગલે તમામ પેટ્રોલ પમ્પો નિયમોનું પાલન કરતા થઈ જશે.

ખાસ કરીને અનેક પેટ્રોલ પંપ ઉપર બાથરૂમની પણ સુવિધાઓ હોતી નથી તેવામાં હવે ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ નિયમિત પેટ્રોલ પમ્પનું ચેકીંગ કરવામાં આવશે. જેમાં જે પેટ્રોલ ડીઝલ આપવામાં આવે છે તેમાં માપ અને ગુણવત્તા સહિતના પાસાઓ પણ તપાસવામાં આવશે. આ તપાસનો અહેવાલ છેક ગાંધીનગર સુધી મોકલવામા આવશે.

તપાસનો અહેવાલ દર 15 દિવસે રજૂ કરવાનો રહેશે

પ્રાંત અધિકારીઓ અને મામલતદારો દ્વારા પેટ્રોલ પમ્પો, ગેસ એજન્સીઓ અને સસ્તા અનાજની દુકાનોની તપાસ કામગીરી કરવામાં આવશે. તેનો દર 15 દિવસે અહેવાલ જિલ્લા કલેકટર અને સિવિલ ફૂડ સપ્લાયના પ્રિન્સિપાલ સેક્રેટરીને મોકલવાનો રહેશે. આ ઉપરાંત મહેસુલી અધિકારીઓની મિટિંગમાં તપાસનો રિવ્યુ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.