Abtak Media Google News

મુસિબતનું માવઠું: ગોંડલ યાર્ડમાં જણસી પલળી

રાજયમાં આજથી ત્રણ દિવસ માવઠાની સંભાવના

મોવિયામાં અર્ધો ઇંચ, જસદણ અને વિરપુર પંથકમાં પણ કમોસમી વરસાદ: સતત માવઠાના કારણે જગતાતને પારાવાર નુકશાની

અડધો ચૈત્ર માસ વિતવા  છતાં હજી સુધી ઉનાળાની  ગરમીનો અહેસાસ થતો નથી. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે એક પછી એક માવઠા મુસીબત સર્જી રહ્યા છે. સામાન્ય રીતે ચૈત્ર માસના દનૈયાને આધારે ચોમાસુ કેવું રહેશે તેનો વરતારો રજૂ કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે ચૈત્ર માસમાં જ વાતાવરણમાં સતત પલટો નોંધાય રહ્યો છે.ચોમાસાએ જાણે પેટર્ન  ફેરવી હોય તેવું લાગી રહ્યું છે.છેલ્લા એક મહિનામાં ત્રણ વખત માવઠા પડ્યા છે જેના કારણે ખેડૂતો અસમંજસની સ્થિતિમાં મુકાય ગયા છે.

Advertisement

આ વર્ષ જાણે માવઠાનું વરસ હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાયાના કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન મંગળવારે રાજકોટ જીલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગોંડલ, જસદણ અને વિરપુર પંથકમાં કમોસમી વરસાદ પડયો હતો. કરા પણ પડયા હતા. ગોંડલમાં પડેલા માવઠાના કારણે યાર્ડમાં જણસી પલળી ગઇ હતી. રાજકોટમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. એપ્રિલમાં ગરમી પડવાના બદલે વરસાદ વરસી રહ્યો છે.

પશ્ર્ચિમ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં દરિયાઇ સપાટીથી 1.5 કિ.મી.ની ઉંચાઇ પર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. જેની અસરના કારણે આજથી ત્રણ દિવસ રાજયના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છ જીલ્લામાં આવતીકાલે ગુરુવારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છ જીલ્લામાં શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા, તાપી ઉપરાંત કચ્છ જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. શનિવારથી વાતાવરણ કિલપર થઇ જશે અને ગરમીનું જોર વધશે.

ગોંડલ શહેર પંથક માં થોડા સમયની રાહત બાદ ફરી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ફરી પડયો હતો તાલુકાના અનીડા ભાલોડી, આંબરડી ગામે અચાનક કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ની જણસી પલળી જવા પામી હતી મોવીયા મા અડધો ઇંચ અને ગોંડલ મા ભારે ઝાપટા વરસ્યા છે.

હજુ એક સપ્તાહ પહેલા નાં  માવઠાનો સર્વે થયો ત્યાં ફરી વાતવરણમાં પલટો આવ્યો હતો પંથકમાં સતત જોવા મળેલ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોના ઘઉં, ચણા, ધાણા, લશણ, ડુંગળી, મરચા સહિતના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. સમયસર રાહત મળે તેવી ખેડૂતોની માંગ છે.

બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં  વરસાદ ને કારણે  ખુલ્લામાં પડેલ જણસીઓ પણ પલળી ગઈ છે.યાર્ડમાં વેપારીઓનાં ખુલ્લામાં પડેલ ઘઉં, ધાણા, ડુંગળી સહિતની જણસીઓ પલળી જતાં ભારે નુકશાન થવા પામ્યું હતું.

રાજયમાં છેલ્લા એક મહિનામાં ચોથી વાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા હજી માવઠાથી થયેલી નુકશાનીનો સર્વે ચાલી રહ્યો છે. ત્યાં સતત માવઠાના માર પડી રહ્યા છે. હજી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.