Abtak Media Google News

પેઢલાની મગફળી ભેળસેળ કૌભાંડમાં વધુ પાંચની ધરપકડ તરઘડીથી સળગેલી હાલતમાં મળેલા બારદાનની તપાસ ચાલું

જેતપુર તાલુકાના પેઢલા ગામની મોટી ધનેજ સેવા સહકારી મંડળી દ્વારા ખરીદ કરાયેલી મગફળીમાં કાકરા અને માટીની મોટા પ્રમાણમાં કરવામાં આવેલી ભેળસેળ પ્રકરણમાં પોલીસે ૨૨ શખ્સોની કરેલી ધરપકડ બાદ વધુ પાંચ શખ્સોની ધરપકડ કરી કૌભાંડના મુળ સુધી પહોચવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

Dsc 1583

પેઢલાની મોટી ધનેજ સેવા સહકારી મંડળી દ્વારા ખરીદ કરાયેલી મગફળી ભેળસેળ કૌભાંડના ફરિયાદી મગન ઝાલાવડીયા આરોપી બન્યા છે એટલું જ નહી સમગ્ર કૌભાંડના સુત્રધાર તરીકે નામ ઉપસી રહ્યું છે.

પોલીસે મગન ઝાલાવડીયા સહિત ૨૨ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવ્યા બાદ ભેળસેળ કૌભાંડમાં સંડોવાયેલા મોટી ધનેજના ધીરૂ જેઠવા, દેવદાન માંગા જેઠવા, હમીર બાવા જેઠવા, નાની ધનેજના ગીગન મેરામ ચુડાસમા અને લાઠોદરાના માનસિંહ પોપટ લાખાણી નામના શખ્સોની ધરપકડ કરી છે. પાંચ શખ્સો પૈકી ત્રણ મંડળીના સભ્ય છે.

ભેળસેળ પ્રકરણના ફરિયાદી મગન ઝાલાવડીયા સમગ્ર કૌભાંડ છુપાવવા પ્રયાસ કર્યો હોવાનું અને તેના દ્વારા સળગેલી હાલતમાં રહેલા બારદાનનો મોટો જથ્થો તરઘડી પાસેથી મળી આવ્યાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.

સમગ્ર કૌભાંડ અંગે થયેલા આર્થિક વ્યવહાર અંગેના પોલીસને મહત્વના પુરાવા મળ્યા હોવાથી ટૂંક સમયમાં જ વધુ શખ્સોની ધરપકડ થશે તેવો જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

તરઘડી પાસેથી મળી આવેલા સળગેલા બારદાન અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ હોવાનું અને તેમાં સંડોવાયેલા શખ્સોને ટૂંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે તેમજ શાપર ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી ભેદી આગ અંગે પણ કેટલીક માહિતી પોલીસને મળી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.