Abtak Media Google News

એક વર્ષમાં મકબરા રિનોવેશનની કામગીરી પૂર્ણ કરાશે: પ્રવાસનમંત્રી જવાહર ચાવડા

ઐતિહાસીક શહેર જૂનાગઢના મહાબત અને બહાઉદીન મકબરા ફરી ધારણ કરશે તેની પ્રાચીન ભવ્યતા. જૂનાગઢ ખાતેના રોયલ મોન્યુમેન્ટસની જાળવણી તથા નિભાવણી સંદર્ભે  રૂ. ૫.૪૬ કરોડના ખર્ચે એક વર્ષમાં મકબરાને પ્રાચીન ભવ્યતા આપવાની આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ ગઈકાલે જુનાગઢ ખાતે જણાવ્યુ હતુ.

મકબરા સંકુલના રીસ્ટોરેશન કામનો શુભારંભ કરાવતા મંત્રીએ જમાવ્યું હતું કે, પ્રાચીન સમયમાં  જે સામગ્રી થી આ ભવ્ય મકબરાનું નિમાર્ણ થયુ હતુ તે જ મટીરીયલ્સના ઉપયોગથી પ્રાચીન લુક અપાશે. તેમજ સંદર્ભ સંશોધન, સ્મારકોના રેકોર્ડસમાંથી માહિતી અને ફોટોગ્રાફસને આવરી લઇ આ પ્રોજેકટ તૈયાર કરાયો છે.

મંત્રી ચાવડાએ ગઈકાલે રીસ્ટોરેશન કામગીરી સાથે મકબરાનું  મેયર ધીરૂભાઇ ગોહીલ અને અધિકારીઓ સાથે તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.

Makbara Function 5

મહાબત મકબરાનું ૧૮ મી સદીમાં ૧૮૫૧-૮૨ માં બાંધકામ થયુ હતુ. જે મહાબતખાન બીજાનો મકબરો છે. જયારે બહાઉદીન મકબરાનું ૧૯ મી સદીમાં બાંધકામ થયુ છે. આ મકબરા ઇન્ડો ઇસ્લામીક, યુરોપીયન અને ગોથિક આર્કિટેકચરનું અસામાન્ય સંયોજન છે. અને તે જૂનાગઢના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસીક સીમાચીન્હોમાંનુ એક છે.

રીસ્ટોરેશનમાં હયાત ઇમારતનું મજબુતીકરણ, તુટી ગયેલા ભાગને પ્રાચીન કાર્યપધ્ધતી મુજબ રીપેરીંગ કરીને મજબુત કરવા, મકબરાના અંદરના ભાગ તથા ડોમનું ડ્રાય કલીનીંગ,ગોલ્ડન રીંગની સફાઇ કામગીરી, છતના વોટર પ્રૂફીંગની કામગીરી, ઝીંક પ્લાસ્ટર અને ચુનાના પત્થરથી મજબૂતીકરણ ઉપરાંત સંપૂર્ણ સંકુલને લાઇટિંગથી ઝળહળીત કરવામાં આવશે. જૂનાગઢના ઘરેણાં સમાન મકબરાના રીસ્ટોરેશન કામના શુભારંભ પ્રસંગે મેયર ધીરૂભાઈ ગોહેલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા, શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ ભીમાણી, નાયબ કલેકટર જવલંત રાવલ સહિત ટુરિઝમ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.