Abtak Media Google News

સિંહો સલામત હોવાનો દાવો કરનારા કઠેડામાં મૂકાયા

વિશ્વ પ્રસિદ્ધ એશિયાટીક સિહોની જન્મ ભૂમિ ગીર જંગલમાં સિંહોની વસ્તી વધી રહી છે અને વૈશ્વિક ઘરેણા જેવા આ ડાલામથ્થાઓને અહીં કોઈ જાતનું જોખમ નથી, તાજેતરમાં પૂનમ સિંહઅવલોકનમાં પણ સિંહોની વસ્તી વધી હોવાનું અંદાજ કરવામાં આવ્યો છે પરંતુ તાજેતરમાં ૩૧ મે થી પહેલી જૂન સુધી બે દિવસની મુલાકાતે કેન્દ્ર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ગીરમા આવેલી ટીમે કેન્દ્ર સરકારમાં ગીરના સિંહોના અપમૃત્યુની ચિંતા દર્શાવતો રિપોર્ટ સબમીટ કરી દીધો છે. વળી આ રિપોર્ટ ક્યાંકથી મીડિયામાં લીક થવાના મુદ્દે હોબાળો મચી જવા પામ્યો હતો પરંતુ આ રિપોર્ટમાં સિહોના વ્યાપક મૃત્યુ ની આંકડાકીય માહિતીમાં સિહોના મૃત્યુ આક ખૂબ ઊંચો હોવાનું જણાવ્યું છે.

Advertisement

દિલ્હીથી આવેલી આ ઉચ્ચકક્ષાની ટીમે જૂનાગઢના સકરબાગ, સાસણ, જસાધાર એનીમલ કેર, સહિતના વન વિભાગના સિંહ સંરક્ષણ સાથે સંકળાયેલા વિસ્તારો અને સંસ્થાનોની મુલાકાત લીધી હતી અને તૈયાર કરાયેલા અહેવાલમાં સિંહોના મૃત્યુની વિસ્તૃત  વિગતો આપી છે, તેમાં જાન્યુઆરીમાં ૧૦, ફેબ્રુંઆરીમાં ૧૨, માર્ચમાં ૧૦, એપ્રિલમાં ૨૪, મે મા ૩૯, મળી કુલ ૯૨ સિહોના મૃત્યુ થયા હતા, જેમાં ૧૯ નર, ૨૫ માદા, ૪૨ સિંહબાળ અને વણ ઓળખયા ૬ મળી કુલ ૯૨ માં એકલા ધારીમાં જ ૫૯ સિંહના મૃત્યુ થયા હતા

અપ મૂત્યુંમાં ઈન ફાઇટ કૂવામાં પડી જવાથી, વીજ કરંટ લાગતા, સર્પદંશ અને વાયરલ ઇન્ફેક્શન કે અન્ય રોગના કારણે સિંહોના અપમૃત્યુ નોંધાયા હતા, આ આંકડા એટલા ચોંકાવનારા છે કે, ૨૦૧૮માં સીડીવી રોગચાળાથી જેટલા સિંહોના મોત નિપજયા હતા તેના કરતાં ૨૦૨૦ માં ૫ માસમાં સિંહોના આ વર્ષે વધુ મોત થયા છે, બીજી બાજુ ૨૦૧૮ માં ૧૧૩, ૨૦૧૯ માં ૧૪૮ અને બે વર્ષના સમયગાળા દરમિયાન ૨૬૧ મોત નિપજયા હતા પરંતુ પાંચ મહિનાના સમયગાળામાં જ ૯૨ મોત નિપજ્યા હોવાનું રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કરવામાં આવ્યું છે.

એક તરફ ગીરના સિંહોની દેખરેખ માટે કાર્યરત તંત્ર ગીરમાં સિંહોની સલામતી અને સંવર્ધનની કામગીરીમાં કોઇપણ કચાશ રખાતી ન હોવાનો દાવો કરે છે ત્યારે આ અહેવાલ એવું ફલિત થાય છે કે, વન વિભાગ ક્યાંકને ક્યાંક સિહોના અપમૃત્યુની આંકડાકીય માહિતી જાહેર થવા દેવામાં ઉદાસીનતા સેવે છે, અથવા તો ધાં પીછોડો કરે છે ત્યારે કેન્દ્ર સરકારમાં અહેવાલ સબમિટ થાય તે પહેલાં માધ્યમો સામે આવી જવા પામ્યા છે, અને સિંહના મોટી પ્રમાણમાં મોતનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. અને ગીરમાં સિંહોની સલામતીનો દાવો કરનારાઓને આરોપીના કઠેડામાં મૂકી દીધા છે.

ગિરનાર સિંહોમાં પાંચ મહિનામાં જ ૯૨ અપમૃત્યુના બનાવે સિંહ પ્રેમીઓમાં નવેસરથી ચિંતા ઉભી કરી છે અને વન અધિકારી ઉપર ગીરના સિંહોની વાસ્તવિક હકીકત શું છે તેની સાચી પરીસ્થીતી ઉજાગર કરવાનું દબાણ વધ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.