Abtak Media Google News

ભાજપ અને શિવસેનાના ગઠબંધનને પ્રજાએ મત આપ્યા, પણ પાછળથી સંજય રાઉતના કહેવાથી ઉદ્ધવે એનસીપી સાથે કરેલા ગઠબંધને ઉદ્ધવના રાજકીય અસ્તિત્વ ઉપર જ જોખમ ઉભુ કરી દીધું

ધુતરાષ્ટ્રની જેમ ઉદ્ધવ સંજયને દેખાયેલું જ જોતા, આ ભુલથી પરિસ્થિતિ એ ઉદભવી કે આખી પાર્ટી જ છીનવાઈ ગઈ

મહારાષ્ટ્રનું મહાભારત પણ કૌરવો અને પાંડવોના મહાભારત જેવું જ બની રહ્યું છે. કારણકે ઉદ્ધવ ધુતરાષ્ટ્રની ભૂમિકામાં છે અને સંજય રાઉત દિવ્ય જ્ઞાની સંજયની ભુમિકામાં છે. ઉદ્ધવે પણ આંધળા બનીને સંજયને પોતાની નજરે દેખાયેલું જ જોયું. ભાજપ અને શિવસેનાના ગઠબંધનને પ્રજાએ મત આપ્યા, પણ પાછળથી સંજય રાઉતના કહેવાથી ઉદ્ધવે એનસીપી સાથે  ગઠબંધ કર્યું. બસ આના જ પરિણામે ઉદ્ધવના રાજકીય અસ્તિત્વ ઉપર જ જોખમ ઉભુ થઈ ગયું.

ભાજપ શિવસેના ગઠબંધનને બહુમતી મળી હોવા છતાં શિવસેનાએ કહ્યું કે બંને પક્ષોના સીએમ અઢી વર્ષ માટે બનાવવામાં આવશે.  ભાજપે શિવસેનાની માંગ સ્વીકારી ન હતી અને ત્યાર બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે વાતચીત શરૂ કરી હતી.  પરંતુ તે દરમિયાન બીજો નાટકીય વળાંક આવ્યો જ્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનસીપી ધારાસભ્યોના સમર્થનથી મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.

આ ઘટનાક્રમ બાદ એનસીપીના ધારાસભ્યો શરદ પવાર પાસે ગયા અને એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ ગઠબંધન કર્યું અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા.  આ પછી ગઠબંધન પર ઘણી વખત સંકટ આવ્યું પરંતુ સરકાર ચાલતી રહી.  આ પછી, જૂન 2022 માં ગઠબંધન પર સૌથી મોટું સંકટ ત્યારે ઊભું થયું જ્યારે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ 15 શિવસેના ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યો સાથે બળવો કર્યો અને ધારાસભ્યો સાથે સુરત ગયા અને પછી ગુવાહાટી ગયા.

આ પછી, શિંદે જૂથમાં ધારાસભ્યોની સંખ્યા વધતી રહી અને 25 જૂને એકનાથ શિંદેએ દાવો કર્યો કે શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યો તેમની સાથે છે.  રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ માટે કહ્યું પરંતુ 29 જૂને ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું.  30 જૂને એકનાથ શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી.  શિંદે મુખ્યમંત્રી બન્યા જ્યારે દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા.

સરકાર બનાવ્યા બાદ એકનાથ શિંદેએ શિવસેનાના નામ અને ચિહ્ન પર પોતાનો દાવો રજૂ કર્યો હતો.  મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટમાં પણ ગયો.  સુપ્રીમ કોર્ટે બાદમાં કહ્યું કે શિવસેનાનું નામ અને ચિહ્ન ચૂંટણી પંચ નક્કી કરશે.  આ પછી,  17 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક આપ્યું.  રાજકારણમાં આવતા પહેલા એકનાથ શિંદે પોતાના અને પોતાના પરિવાર માટે આજીવિકા કમાવવા માટે ઓટો ચલાવતા હતા. પણ હવે તેને બાલા સાહેબની વિચારધારાને વળગી રહી ઉદ્ધવ પાસેથી પાર્ટી છીનવી લીધી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.