Abtak Media Google News

135 લોકોના જીવ લેનારી ગોઝારી દુર્ઘટનાના નવા ધડાકા

49માંથી 22 કેબલ તો પહેલેથી જ કાટ લાગેલા અને જર્જરિત હાલતમાં હતા, દુર્ઘટના પહેલા જ તે તૂટી ગયા હોવાની પણ આશંકા : જુના સસ્પેન્ડરને માત્ર વેલ્ડીંગ જ કરી દેવાયુ હતું

135 લોકોના જીવ લેનારી ગોઝારી દુર્ઘટનાના નવા ધડાકા થયા છે. અંતે સીટે ઝૂલતા પુલ કાંડની તપાસમાં ઓરેવાએ કરેલા થુંકના સાંધાને પકડી પાડ્યા છે. જેમાં જણાવાયું છે કે 49માંથી 22 કેબલ તો પહેલેથી જ કાટ લાગેલા અને જર્જરિત હાલતમાં હતા. દુર્ઘટના પહેલા જ તે તૂટી ગયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. આ સાથે જુના સસ્પેન્ડરને માત્ર વેલ્ડીંગ જ કરી દેવાયુ હોવાનું ખુલ્યું છે.

Advertisement

મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.

સૌથી મોટો ધડાકો રિપોર્ટમાં એ થયો છે કે  રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટિંગ નહોતું કરાયું. 49 માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા અને જર્જરિત હાલતમાં હતા. એવી પણ આશંકા રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે  કે આ વાયરો પુલ તૂટ્યો તે પહેલાંના જ તૂટી ગયા હશે. બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા. નવા સસ્પેન્ડર ની સાથે જુના સસ્પેન્ડર વેલ્ડીંગ કરી દેવાયા હતા. ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું.

સમગ્ર કેસમાં ગુજરાત રાજ્યની વડી અદાલત દ્વારા સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે અને સમયાંતરે કેસની સુનાવણી પણ થતી રહે છે ત્યારે હવે આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ  ફરીએક વખત આજ મામલે વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાશે અને વિગતવાર માહિતી સામે આવશે.

ઓરેવા અને પાલિકા વચ્ચેના કરાર માટે જનરલ બોર્ડની મંજૂરી જ ન્હોતી લેવાય

ઝૂલતા પુલ તૂટવા મુદ્દે સીટનો પ્રિલીમીનરી રિપોર્ટ  સામે આવ્યો છે. જેમાં જનરલ બોર્ડની મંજૂરી વગર કરાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. જેમાં એસઆઇટીએ કહ્યું છે કે, ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. ઓરેવા કંપની ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ કરારમાં સહી કરનારા હતા. જનરલ બોર્ડની પૂર્વ સંમતિ પણ નહોતી લેવાઈ, અને કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે મુદ્દો નહોતો મુકાયો.મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી વિના કરાર નહોતો કરવો જોઈતો. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહિ તેમજ સક્ષમ ટેકનીકલ એક્સપર્ટ અને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.