Abtak Media Google News

અધ્યાત્મક, નિત્ય જીવન, સાહિત્ય અને ઇતિહાસની દ્રષ્ટિએ સ્વામિનારાયણ સંત સાહિત્યના અદ્વિતીય પ્રદાન અંગે યોજાયો પરિસંવાદ: સી.આર.પાટીલ રહ્યા હાજર

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ‘સ્વામિનારાયણીય સંત સાહિત્ય – લોક સાહિત્ય દિન’ ની વિશિષ્ટ સભાનો આરંભ 4:45 વાગ્યે ધૂન-કીર્તન સાથે  થયો હતો.

Advertisement

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવનચરિત્રનું આલેખન કરનાર બીએપીએસના પૂ. આદર્શજીવન સ્વામીએ  પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “સંત તો ફરતા તીર્થ કહેવાય અને તેઓ જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં ત્યાં તીર્થ રચાય અને પ્રમુખસ્વામી મહારાજ એવા હરતાં-ફરતાં તીર્થસ્વરૂપ જ હતા અને આ પ્રમુખસ્વામી મહારાજ નગર પણ તીર્થ સમાન બની ગયું છે.

પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પોતાના ગુરુઓના ચરિત્રોની નોંધ કરતા હતા અને પોતાની પ્રત્યેક ક્રિયામાં પોતાના ગુરુનું અનુસંધાન રહેતું. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કોઈ પણ કાર્યનો યશ પોતાના ગુરુને જ આપતા. પ્રમુખસ્વામી મહારાજે હંમેશા કહેતા કે મારા અને ગુરુ શાસ્ત્રીજી મહારાજ વચ્ચે “ભક્ત અને ભગવાન” જેવો સંબંધ હતો. “ગુરૂને ગમે એ મને ગમે” એ જીવનસૂત્ર સાથે પ્રમુખસ્વામી મહારાજ આખું જીવન જીવ્યા.”

ત્યારબાદ સંગીતવૃંદ દ્વારા ‘આ તન રંગ પતંગ’ કીર્તન પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

Screenshot 2 30

બીએપીએસના વરિષ્ઠ સંત અને પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની અભૂતપૂર્વ વિચરણ યાત્રા, જીવન-કાર્યના સાક્ષી અને અનેકવિધ પુસ્તકોના લેખક એવા પૂ. વિવેકસાગર સ્વામી દ્વારા ‘સંત સાહિત્યના પુરસ્કર્તા ભગવાન સ્વામિનારાયણ’ વિષયક મનનીય પ્રવચન આપવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું, સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સંતો-મહંતોએ સાહિત્ય ક્ષેત્રે અનેક યોગદાન આપ્યાં છે, જેમાં તેમને વિવિધ ભાષાઓમાં લખેલા ગ્રંથો, કાવ્યો, ભજનો વગેરેનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંત સાહિત્યનો સાગર ઘૂઘવી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્યએ મનોરંજન માટેનું નથી પરંતુ મનો-પરિવર્તન માટેનું છે.

ત્યારબાદ સભામાં ઉપસ્થિત મહાનુભાવોમાંથી અનેક મહાનુભાવોએ તેમના વક્તવ્ય દ્વારા પ્રમુખસ્વામી મહારાજને અંજલિ અર્પણ કરી હતી.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્ર્વનાથ આરલેકરે જણાવ્યું હતું કે આજે કોઈ પણ માણસને પ્રબંધનના પાઠ શીખવા હોય તો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને સારી રીતે શીખી શકાય છે. હું પણ આજે આ નગરમાં માર્ગદર્શન આપવા નહિ પરંતુ પ્રમુખસ્વામી મહારાજ, સંસ્થા અને સ્વયંસેવકો માંથી શીખવા માટે આવ્યો છું.

પરમ પૂજ્ય મહંતસ્વામીજી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે “જીવનમાં ધાર્મિક અને જીવન ઉપયોગી સાહિત્ય વાંચવાની આદત પાડવી.આધ્યાત્મિક વૃત્તિ થાય તે માટે વચનામૃત, સ્વામીની વાતો અને ગુરુ પરંપરાના જીવનચરિત્રો વાંચવા. “ભગવાન સ્વામિનારાયણ અને ગુરુપરંપરાના પ્રસંગો ઊંડાણપૂર્વક વાંચવા અને તેઓના પ્રસંગોનું મનન કરવું”

“વાંચન હંમેશા એકાગ્રતાથી કરવું અને સાથે પ્રાર્થના કરતા રહેવું અને જે વાંચીએ તેનું પુનરાવર્તન કરવું.” ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજના વિચારો અને સંસ્કારોને પ્રદર્શિત કરવાના સફળ પ્રયત્નો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં જોવા મળે છે અને મારું સૌભાગ્ય છે કે હું પ્રમુખસ્વામી મહારાજને 5 વાર મળી શક્યો છું.

પ્રમુખસ્વામી મહારાજે લંડન મંદિર નિર્માણ વખતે કહ્યું હતું તે કે ,‘અહી અમે મંદિરનું નિર્માણ કરીશું અને તે મંદિર વ્યક્તિવિશેષનું નિર્માણ કરશે અને તે વ્યક્તિઓ પ્રમાણિક અને સદાચારી જીવન જીવશે’ અને આજે આ નગરમાં પણ 80,000 સ્વયં સેવકો નાતજાતના ભેદભાવ વગર આ નગરમાં સેવામાં જોડાયા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનું નિર્માણ કાર્ય ભલે 1 મહિના માટેનું હોય પરંતુ તેની રચના સદીઓ સુધી રાખવાનું હોય તે રીતે કરવામાં આવી છે.બી એ પી એસ સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે ‘સ્વામિનારાયણ સંત સાહિત્ય’ વિષયક વિશિષ્ટ સેમિનાર યોજાયો હતો.

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુભાઈ પંડયાએ જણાવ્યું હતું કે સંત સાહિત્ય એવું સાહિત્ય છે જે લોકોના હ્રદયને સ્પર્શી જાય છે. સંત આપણને સકારાત્મક વલણથી પ્રેરિત કરે છે અને આપણને ભગવાન સુધી દોરી જાય છે. માતાની જેમ સંતો આપણું રક્ષણ અને પોષણ કરે છે.

વિખ્યાત કવિ, વિવેચક, 80 કરતાં વધુ પુસ્તકોના લેખક, સાહિત્ય અકાદમી એવોર્ડ અને જ્ઞાનપીઠ એવોર્ડનાં વિજેતા રઘુવીરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ અને સંતોએ જે કાર્ય કર્યું છે તે અભૂતપૂર્વ છે. સ્વામિનારાયણ સંત સાહિત્ય દ્વારા સમગ્ર વિશ્વમાં મૂલ્યોનો પ્રસાર થઈ રહ્યો છે. વચનામૃત અને શિક્ષાપત્રી મહાન શાસ્ત્રો છે. આ સંપ્રદાયનો આધાર નક્કર આધ્યાત્મિક તત્વજ્ઞાન છે. પ્રમુખસ્વામી મહારાજે મિલેનિયમ વર્લ્ડ સમિટમાં તેઓના સંબોધન દ્વારા ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું. કવિ અને નિબંધકાર અનિલભાઈ જોશીએ જણાવ્યું હતું કે મને યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના ઘણી વાર આશીર્વાદ સાંપડ્યા છે . મારા અકસ્માત સમયે પણ લીવર ક્ષતિગ્રસ્ત થયું હતું, પરંતુ યોગીજી મહારાજના આશીર્વાદથી સઘળું સારું થઈ ગયું. તેઓના આશીર્વાદ મારી નસોમાં વહે છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા ગુરુ ભલે શાંત રહે, પરંતુ તેઓ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી અને તેઓના આશીર્વાદ ફળે છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશભાઈ ઝાએ જણાવ્યું હતું કે આ સંતકવિઓના સર્જનમાં આપણે સૌએ અવગાહન કરવું જોઈએ, જેથી વૈશ્વિક ઉર્જા અને દિવ્યતાનો અનુભવ આપણે કરી શકીએ. બ્રહ્માનંદ, મુક્તાનંદ અને પ્રેમાનંદના કાવ્યોમાં પારલૌકિક વિશ્વનું નિરૂપણ છે, જેના દ્વારા જીવન અને બ્રહ્માંડના રહસ્યોને આપણે સમજી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.