ભારતને આત્મનિર્ભર બનાવવું સહેલું નથી

એવું બિલકુલ નથી કે ચીન ફક્ત પોતાના પ્રદેશમાં બેસીને જ ઇન્વેસ્ટમેન્ટ કરી જાણે છે! ભારતમાં એમનું રોકાણ વાયા સિંગાપોર, મોરેશિયસ, હોંગકોંગ સહિતના દેશોમાં સ્થપાયેલી ચીની કંપનીઓ દ્વારા પણ થયું હોઈ શકે

આત્મનિર્ભર ભારતના લોકજુવાળ વચ્ચે ચાઇનીઝ મોબાઇલ કંપની વિવોને સ્થાને ડ્રીમ 11 આઈપીએલની સ્પોન્સર બની. જેના ફાઉન્ડર ભાવિન શેઠ ગુજરાતી છે. ગયા વર્ષે ડ્રીમ 11 કુલ 1 અબજ ડોલરની સ્ટાર્ટ-અપ કંપની બની. ભારતમાં આટલા મોટા પાયે કોઈ ગેમિંગ પ્લેટફોર્મ વિકસ્યું હોય એવું કદાચ પહેલી જ વખત જોવા મળ્યું છે. પરંતુ વાસ્તવિકતા તો એ પણ છે કે, ડ્રીમ 11 પણ સંપૂર્ણપણે સ્વદેશી કંપની નથી. ચાઇનીઝ ઇન્વેસ્ટર ટેન્સેન્ટ તેમાં 10 થી 13 ટકા જેટલી હિસ્સેદારી ધરાવે છે. પબજી જેવી ગેમનું પણ ભલે ભારતીય વર્ઝન બન્યું હોય પરંતુ તેના મૂળિયાં તો ચીનમાં જ છે. એક સમાચાર એવા પણ આવ્યા કે ચીનની સેન્ટ્રલ બેંક (પીપલ્સ બેંક ઑફ ચાઇના)એ આઈસીઆઈસીઆઈ બેંકમાં 15 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ! એપ્રિલ મહિનામાં એમણે ભારતની એચડીએફસી બેંકમાં 1.75 કરોડ શેર ખરીદ્યા હતાં! આપણા દેશના બેંકિંગ સેક્ટરમાં ચીનની ભાગીદારી વધી રહી છે એ સામાન્ય વાત નથી. ચીન યોજનાબદ્ધ રીતે ભારતમાં ઘુસપેઠ કરી રહ્યું છે.

શા માટે ભારતીય એન્ટરપ્રિન્યોર્સ ચાઇનીઝ ઇન્વેસ્ટર્સનો આગ્રહ રાખે છે?

સીધી વાત છે. ઘણા બધા સ્ટાર્ટ-અપ્સ હજુ પણ ખોટનો ધંધો કરી રહ્યા છે, એવામાં એમને એ પ્રકારના મૂડીરોકાણકારોની જરૂરિયાત છે જેઓ વગર કોઈ સવાલ પૂછ્યે સ્ટાર્ટ-અપમાં પૈસા રોકી શકે. ભારતમાંથી આટલા ધીરજવાન ઇન્વેસ્ટર્સ મળવા મુશ્કેલ છે. વળી, ચીન માટે ભારતની નવી પેઢીના વર્જિન ઇન્ટરનેટ યુઝર્સ કમાણીનું બહુ મોટું સાધન બની શકવા માટે સક્ષમ છે. આ કારણોસર, ભારતીય એન્ટરપ્રિન્યોર્સ અને ચાઇનીઝ ઇન્વેસ્ટર્સ બંનેની પરસ્પરની જરૂરિયાતો બરાબર રીતે પૂરી થતી હોવાથી અહીંયા ચીની ડ્રેગન મોં ફાડીને ટેક્નોલોજી તેમજ ગેજેટ્સના બજારને આવરી રહ્યો છે અને એવું બિલકુલ નથી કે ચીન ફક્ત પોતાના પ્રદેશમાં બેસીને જ ઇન્વેસ્ટમેન્ટ કરી જાણે છે!

ભારતમાં એમનું રોકાણ વાયા સિંગાપોર, મોરેશિયસ, હોંગ કોંગ સહિતના દેશોમાં સ્થપાયેલી ચીની કંપનીઓ દ્વારા પણ થયું હોઈ શકે. દાખલા તરીકે પેટીએમ! ભારતની સરકારી રેકોર્ડ-બૂકની અંદર પેટીએમ ચાઇનીઝ ઇન્વેટમેન્ટ તરીકે નહીં, પરંતુ અલીબાબા સિંગાપોર હોલ્ડિંગ્સના નામે દર્જ છે. આવા તો કેટકેટલા સ્ટાર્ટ-અપ્સ છે, જે ભલે દેખીતી રીતે ચીનના ન હોય પરંતુ તેની પાછળ થયેલાં મૂડીરોકાણમાં ચાઇનીઝ ઇન્વેસ્ટર્સનો ફાળો મોટો હશે!  એકવીસમી સદીમાં કોઈપણ દેશ સંપૂર્ણત: આત્મનિર્ભર બની જાય એ પ્રેક્ટિકલી શક્ય નથી. દરેકના ભૌગોલિક સ્થાનને અનુરૂપ કેટલીક જરૂરિયાતો છે, જે અન્ય દેશો જ પૂરી કરી શકે. બેશક, અણગમતાં દેશ સાથેનો વ્યાપાર ઓછો કરી શકાય પણ સાવ બંધ તો નહીં જ!

દાયકાઓ સુધી ચીની ડ્રેગનના પંજા સમગ્ર વિશ્વ પર ગ્લોબલાઇઝેશનના નામે ફેલાયેલા રહ્યા, પરંતુ કોરોના પછીના ન્યુ નોર્મલમાં પ્રત્યેક દેશ લોકલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માંગે છે. પરસ્વાધીનપણું કેટલીક વખત કરોડરજ્જુ તોડી શકે છે, એ વાત સમગ્ર વિશ્વને હવે સારી પેઠે સમજાઈ ગઈ છે. કેટલાક વિશ્લેષકોના મતે આગામી શિયાળો એટલે કે નવેમ્બર-ડિસેમ્બરનો સમય કોરોના વાયરસની સેક્ધડ વેવ લાવવા માટે સક્ષમ છે. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા એવું કહે છે કે આપણે ઑલરેડી સેક્ધડ વેવમાં પહોંચી ચૂક્યા છીએ. વૈશ્વિક ફલક પર દરરોજના દોઢ લાખથી વધુ કેસ આ બાબતની ઘણીખરી પુષ્ટિ સૂચવે છે.

આમ છતાં 2020ના અંત સમયના કેસો માટે ચિંતાજનક અનુમાનો કરવામાં આવી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે, અગર હવે ફરી પાછો કોરોના વકર્યો તો દુનિયાના દેશો તરફથી ચીનને અકલ્પનીય દુષ્પરિણામો ભોગવવાનો વખત આવી શકે એમ છે! હાલ પૂરતું તો ચીન રાહતના શ્વાસ લઈ રહ્યું છે. અમેરિકામાં કોરોનાના ખતરામાં ઘણા ખરા અંશે ઘટાડો જોવા મળ્યો છે. ભારત સિવાય બાકીના મોટાભાગના દેશો સંક્રમણના ટોચ પર પહોંચીને ફરી નીચે ઉતરી રહ્યા છે. પરંતુ સૌના મનમાં હજુ એક ફફડાટ છે!

કોરોનાની ત્રીજી વેવ આવી તો? અમેરિકા પહેલેથી જ પુષ્કળ બેરોજગારી અને મૃત્યુદરનો સામનો કરી ચૂક્યું છે. 2008ની સાલમાં જે મંદી આવી હતી, એ આની સામે બચ્ચું લાગે એટલી મંદ હતી. આજ વખતે પુષ્કળ દેશોની કમર તૂટી ગઈ છે. વર્લ્ડ બેંક પાસે કટોરો લઈને ઉભું રહેવું પડે એવી હાલત છે. પાકિસ્તાન અને નેપાળ જેવા દેશ ચીનની બગલમાં ભરાઈને બેઠા છે. શી જિનપિંગ જેમ કૂતરાને બટકું રોટલો નાંખતા હોય એમ પાકિસ્તાનને ટુકડે ટુકડે મદદ કરીને તેને પોતાનું ગુલામ બનાવી રહ્યું છે. લોકો આશંકા સેવી રહ્યા છે કે આમ ને આમ ચાલતું રહ્યું તો એક દિવસ પાકિસ્તાન એ ચીનનું કોરિડોર બની જશે.

મોટાભાગના અર્થતંત્રો હવે વૈશ્વિકીકરણને તડકે મૂકીને વિકેન્દ્રિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગ્લોબલાઇઝેશનના જમાનાને સૌથી પહેલા અલવિદા કહેનારો દેશ છે, અમેરિકા! ટ્રમ્પે ખુલ્લેઆમ ચીનની કંપનીઓને તગેડી મૂકવાની શરૂઆત કરી છે. અમેરિકાની સ્થાનિક કંપનીઓ વધુ સારી રીતે પ્રસ્થાપિત થાય તથા અમેરિકનોને વધુ નોકરી મળે એ માટે તેઓ હિંમતભેર પગલાં ઉઠાવી રહ્યા છે.

બની શકે કે સેક્ધડ વેવ ન પણ આવે! એ પહેલાં જ આપણી સમસ્યાનો અંત આવી જાય. પરંતુ આ બધી જો અને તોની વાતો છે. મુદ્દો એ છે કે, ચીનના પ્રભુત્વમાંથી બહાર નીકળવાની પ્રેરણા ભારત સહિત અન્ય દેશોને કઈ રીતે મળી રહી છે? પાછલા એકાદ દશકાની અંદર ચીનના બંદરગાહો સૌથી વધુ વિકસ્યા છે. દુનિયાના 10 સૌથી મોટા બંદરોમાંથી 7 બંદરો પર ચીનનું આધિપત્ય છે! ચીનમાં મેન્યુફેક્ચરિંગ બહુ મોટા પાયે થાય છે. ઇલેક્ટ્રોનિક્સની વાત હોય કે ઘરવખરીના સામાનની, ચીન દરેક વસ્તુ પોતાની ફેક્ટરીમાં બનાવી જાણે છે. ચીન પાસે માનવસ્ત્રોતનો કોઈ તોટો નથી. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવનારા દેશ તરીકે ચીન પ્રથમ ક્રમે છે અને બીજા ક્રમે ભારત છે.

પરંતુ ભારતની સરખામણીમાં ચીન પોતાના નાગરિકોને ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં લેવા એ બાબતે પાવરધું છે. ભારતનું યુવાધન ભણીગણીને વિદેશમાં સ્થાયી થવાનું વિચારે છે, જેના કારણે ભારતની પ્રગતિ પણ ધીમી ગતિએ થાય છે. એની સામે ચીન પોતાના દેશના યુવાનોને પૂરતી તકો આપવામાં માને છે. એમને ત્યાં યોજાયેલી ઑલિમ્પિક્સમાં પણ જે પ્રકારે માનવસ્ત્રોતનું પ્રદર્શન કર્યુ હતું, એની ગણના શ્રેષ્ઠત્તમ પર્ફોમન્સમાં થાય છે. આ પ્રકારનું લેબર અને સુવિધા વિયેતનામ કે બાંગ્લાદેશ પાસે નથી. આથી તેઓ લોકલાઇઝેશનને પ્રાધાન્ય આપી શકે એમ નથી. ઇચ્છતાં હોવા છતાં તેઓ આત્મનિર્ભરના કોન્સેપ્ટને વધાવી સકવા સક્ષમ ન હોવાને કારણે ચીન ઉપર અને તેની આયાતો ઉપર નિર્ભર રહેવું પડે એમ છે.

બ્રાઝિલ અને રશિયા જેવા દેશો પણ ઇકોનોમીના બદલાવની આંધી એકલા હાથે સહન કરી શકે એમ નથી. જ્યારે અમેરિકા તમામ પ્રકારની આર્થિક ગતિવિધિઓની દિશા બદલી શકવા સક્ષમ છે. કોરોના પેન્ડેમિક દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીઓને લોકલાઇઝ થવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ચીનથી આયાત થતાં કાચા માલ અને કેમિકલ્સની આયાત બંધ કરીને અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ લોકલ દવાના મેન્યુફેક્ચરિંગને પ્રાધાન્ય આપી રહી છે, જેથી રોજગારી વધવાની સાથોસાથ અર્થતંત્ર પણ દોડતું કરી શકાય. સામે પક્ષે, ચીન પાસેથી એ કોન્ટ્રાક્ટ છીનવાઈ જવાને લીધે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે જોડાયેલા ચીનના નાગરિકો (ચીનના અર્થતંત્ર) પર પ્રહાર થયો છે.

આર્જેન્ટિના અને યુક્રેન પાસે આવો વિકલ્પ નથી. આથી તેઓ પણ ચીન ઉપર આધારિત છે. નિષ્ણાંતોનો દાવો છે કે આવનારા ભવિષ્યમાં ગ્લોબલાઇઝેશન પર ટકી રહેનારા દેશોને મુશ્કેલી પડવાની સંભાવના છે. ભૌગોલિક સ્થાન સહિતના પરિબળોને જે દેશ પોતાને ત્યાં કશું મેન્યુફેક્ચરિંગ કરી શકવા માટે અક્ષમ છે, તેને લોકલાઇઝેશનથી પુષ્ટ સમયમાં ગોઠવાતાં ઘણો સમય લાગશે. બીજી બાજુ, મેક્સિકો જેવા દેશ માટે સુવર્ણ સમય આવવાની શક્યતા છે. અમેરિકા જેને સતત અવગણતું રહ્યું તેવા મેક્સિકો પાસેથી ખોટ વસૂલી શકાય એમ છે. ચીન સાથેનો વેપાર ઘટાડ્યા બાદ અમેરિકા પાસે સૌથી પહેલો પાડોશી દેશ મેક્સિકો જ તો છે! સાથોસાથ એશિયાના અન્ય દેશો પણ અમેરિકા સાથે પોતાના સંબંધો સુધારી શકે એ માટેની તક ઉભી થઈ છે. બીજી બાજુ, ચીન સાથે વેપાર ઘટાડનારા દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે અને વધારનારા દેશોમાં રશિયા તથા યુરોપિયન દેશોનો!

તથ્ય કોર્નર

વર્ષ 2015 થી 2020 સુધીમાં ભારતીય સ્ટાર્ટઅપ્સમાં ચીનનું રોકાણ 4 બિલિયન ડોલર જેટલું છે!

વાઇરલ કરી દો ને

હવે આ ભારતના સ્ટાર્ટઅપ ક્યારે સમજશે કે ઈન્વેસ્ટમેન્ટ માટે દોડતા પહેલા ધંધો વિચારવો પણ જરૂરી છે!