Abtak Media Google News

૧૦ વર્ષ પહેલા રેશનના ઘઉં પરિવહનમાં છ સામે ગુનો નોંધાયો’તો

માણાવદર કોર્ટે આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૯૫ ની કલમ ૩ ના ભંગ બદલ કલમ ૭ મુજબ દાખલ થયેલ ગુનામા ચુકાદો આપી આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે.બાંટવા ગામે  લાડી લોહાણા સીંધી સમાજના પ્રમુખ પ્રકાશભાઈ મોહનભાઈ લાલવાણી વિગેરે ૬ વ્યક્તિઓ સામે સને ૨૦૧૨ ની સાલમાં સરકાર દ્વારા બીપીએલ તથા અંત્યોદય યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરાતા ઘઉંના કટ્ટા નંગ ૧૦૦ પરિવહન કરતા પકડાઈ જતા આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૯૫ ની કલમ ૩ ના ભંગ બદલ કલમ ૭ મુજબ ગુનો દાખલ થયેલ, જે કેસ કોર્ટમાં ચાલતા સાબિત કરવા ફરિયાદ પક્ષ તરફથી કુલ ૨૮ મૌખિક સહેદો તથા ૪૮ દસ્તાવેજી પુરાવા રજૂ થયેલા હતા.

આ કેસમાં આરોપીઓના કબૂલાત નિવેદનો પુરવઠા અધિકારી તથા જિલ્લા ઈન્સ્પેકટરો દ્વારા રૂબરૂ લેવાયેલા જેથી કાયદા મુજબ તેવા કબૂલાતના આધારે  ગુન્હો સાબિત માનવો જોઈએ તેવી કાયદામાં જોગવાઈ હોય ઉપરોક્ત ફરિયાદ કલેકટર જૂનાગઢની ફરિયાદ દાખલ કરવાની પરવાનગી હેઠળ થયેલ તે અંગે નામદાર કોર્ટે તેના ચુકાદામાં ક્રિમીનલ કોડ ની કલમ ૨૫ હેઠળ પોલીસ સમક્ષની કબૂલાત પૂરવાર કરી શકાશે નહિ તો એવું ઠરાવી આરોપીઓ પોલીસ સમક્ષ કસ્ટડીમાં હોય તે દરમ્યાન નિવેદનો લેવામાં આવેલ હોય તો તે પૂરાવામાં ગ્રાહ્ય રાખી શકાય નહિ તેમજ કલેકટરની ફરિયાદની પરવાનગીમાં તેમની સહીઓ ના હોય, પરવાનગી માન્ય નથી તેમજ અલગ અલગ ગ્રાહકોના નિવેદન લેતા તેમને પૂરતો પુરવઠો મળતો હોય તેવી ગ્રાહકોની કબૂલાત તેમજ આરોપીઓ વિરૂદ્ધ કોઈ ફરિયાદ ન હોય તેમજ તમામ પંચો હોસ્ટાઇલ થયેલ હોય અને પકડાયેલ મુદ્દામાલ સરકારમાંથી મળતો ઘઉંના પુરવઠાનો છે તે અંગે સરકારની ટેસ્ટિંગ લેબોરેટરી માંથી અભિપ્રાય આવેલ ના હોય, તેથી કોઈ પણ રીતે આરોપીઓ સામે કોઈ પણ પ્રકારનો ગુન્હો સાબિત થયો ના હોય તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા માણાવદર નામદાર કોર્ટે આદેશ કરેલ છે.બીજી બાજુ પ્રકાશભાઈ લાલવાણીના રાજકીય તથા સામાજિક વિરોધીઓએ પોલીસ તથા પૂરવઠા ખાતાને ખોટી બાતમી આપી, કેસ કરાવેલ જે કારણે પ્રકાશભાઇ લાલવાણી તથા અન્ય આરોપીઓને  પીબીએમ હેઠળ ૮૮ દિવસ જેલમાં રહેવું પડેલ, તેથી ખોટા બાતમીદારો સામે કાયદેસર કાર્યવાહી કરવા આરોપીઓ તજવીજ કરી રહ્યા હોવાનું સંભળાઈ રહ્યું છે.

આ કામે આરોપીઓ તરફે જૂનાગઢના વકીલ એ.જે.રાવત તથા અનિલકુમાર પી. ગાથા હાજર રહેલ અને વિવિધ ચુકાદાઓ તથા ઉલટ તપાસ કરી આ કેસ પૂર્ણ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.