Abtak Media Google News

જાહેરાતની સચોટતા તપાસવા માટે સરકાર પેનલનું કરશે ગઠન: ગેરમાર્ગે દોરતી જાહેરાતોને ફટકારવામાં આવશે ૧૦ લાખનો દંડ

ભારતભરમાં ખાદ્ય ચીજ-વસ્તુઓને લઈ તમામ મોટી કંપનીઓ લોભામણી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરતી હોય છે ત્યારે સરકારનાં નીતિ-નિયમોનો ઉલાળીયો કરતાની સાથે જ જે યોગ્ય જાળવણી કરવી જોઈએ તે કરવામાં આવતી નથી જેના કારણે જે જાગૃતતા આવવી જોઈએ તે નથી આવતી. આ તકે સરકારે જણાવતા કહ્યું હતું કે, ગેરમાર્ગે દોરતી ખાદ્ય ચીજ-વસ્તુઓ અંગેની જાહેરાત માટે સ્પેશિયલ પેનલનું ગઠન કરવામાં આવશ. વિક્રેતા અને ઉત્પાદકોની જવાબદારી ફિકસ કરવામાં આવશે. વિશેષ માહિતી મુજબ જે કોઈ કંપની ગેરમાર્ગે દોરતી જાહેરાતને પ્રસારીત કરાશે તો તેને ૧૦ લાખનો દંડ પણ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય ચીજ-સામગ્રી માટેની જાહેરાત માટે એક સમીતીની રચના કરવાનો નિર્ણય લીધો છે જે તમામ જાહેરાતો ઉપર નજર રાખશે. જો કોઈ સરકારનાં નીતિ-નિયમો વિરુઘ્ધ કોઈ કામગીરી કરવામાં આવી હોય તેના ઉપર બાજ નજર રાખી તેને યોગ્ય સજા પણ ફટકારે તેવું જણાવવામાં આવ્યું છે. આ પ્રસંગે એફએસએસએઆઈનાં સીઈઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘણી ખરી ખાદ્ય ચીજવસ્તુઓ પર જે જાહેર ખબર બનાવવામાં આવે છે તે લોકોને ગેરમાર્ગે દોરે છે અને જે યોગ્ય માર્ગદર્શન પુરું પાડવું જોઈએ તે પાડવામાં આવતું નથી ત્યારે જે કમિટીની રચના સરકાર આગામી દિવસોમાં કરશે તેનાથી પ્રજાને અનેકગણો ફાયદો પહોંચશે.

આ તકે તેઓએ જણાવ્યું હતું કે, માત્ર મલ્ટીનેશનલ કંપનીઓ નહીં પરંતુ નાની તથા મધ્યમ કંપનીઓને પણ સરકાર દ્વારા જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે તે લાગુ પડશે. ભારતનાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત કેન્દ્ર સરકાર સીધી જ રીતે તમામ જાહેર ખબરો ઉપર નજર રાખી તેની યોગ્ય તપાસ હાથ ધરશે.  એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્ડ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા તમામ જાહેર ખબરોનાં નીતિ-નિયમોને જાળવવા અત્યંત જરૂરી હોય છે પરંતુ જે કોઈ કંપની ખાદ્ય ચીજ-વસ્તુઓ સાથે સીધી જ રીતે સંકળાયેલી હોય અને તે તેમની ચીજ-વસ્તુઓ માટે જાહેરાત કરતી હોય ત્યારે તેનાં ઉપર બાજ નજર રાખી તમામ નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવે છે કે કેમ ? તે દિશામાં કામગીરી પણ કરશે જેથી લોકોમાં તથા સરકાર અને કંપની વચ્ચે પારદર્શકતા રહે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે.

નિયમો અનુસાર કોઈપણ કંપની તેમની ચીજ-વસ્તુઓ પર નેચરલ, ફ્રેસ, પીયોર, ઓરિજનલ આ પ્રકારનાં વિશેષણોનો ઉપયોગ ન કરવા પણ જણાવવામાં આવ્યું છે. ભારતની સરખામણીમાં વિશ્ર્વનાં અન્ય દેશો જેવા કે યુ.એસ. અને યુરોપમાં પ્રતિ વર્ષ ફુડ સેફટી માટે રૂપિયા બજેટમાં ફાળવવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે યુનાઇટેડ સ્ટેટમાં પ્રતિ વર્ષ ૧૫૦૦૦ કરોડથી પણ વધુની રકમ ફુડ સેફટી માટે આપવામાં આવે છે અને તે અંગેનાં કોઈપણ ઈસ્યુ જો સામે આવ્યા હોય તો તેને કેવી રીતે નિવારી શકાય તે દિશામાં પગલા લેવાય છે ત્યારે સરકાર દ્વારા જે પેનલનું ગઠન કરવા માટેનો જે વિચાર કરવામાં આવ્યો છે તેનાથી તેઓ લોકોની સમસ્યાઓને પણ ધ્યાને લઈ તેનો યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયત્ન હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.