2015ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ગુમાવેલી અનેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ ફરી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી: ગામે ગામ વિજયોત્સવ: ‘આપ’ની પણ એન્ટ્રી

રાજ્યની છ મહાનગરપાલિકાઓમાં ભાજપનો જાજરમાન વિજય થયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પણ ભાજપનો વિજય વાવટો લહેરાયો છે. 2015માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરના કારણે ભાજપનું પંચાયત અને પાલિકામાં જોરદાર ધોવાણ થયું હતું. પાંચ વર્ષમાં માત્રને માત્ર વિકાસની રાજનીતિ સાથે ભાજપે અનેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. હાલ રાજ્યભરમાં ભાજપ તમામ જગ્યાએ જંગી સરસાઈ પર છે. જો કે, અમુક સ્થળે આપના ઉમેદવારો પણ લીડ કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રની મોટાભાગની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ભાજપ લીડ કરી રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

ગત રવિવારે રાજ્યની 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો માટે મતદાન યોજાયું હતું. વિસ્તારના મતદારોની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. છ મહાપાલિકા કરતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મતદાનની ટકાવારી વધુ રહેવા પામી હતી. આજે સવારથી અલગ અલગ સ્થળોએ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મત ગણતરી સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી અને ભાજપને ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકશાની વેઠવી પડી હતી. 2015માં 31 જિલ્લા પંચાયત પૈકી ભાજપ માત્ર છ જિલ્લા પંચાયતોમાં સ્પષ્ટ બહુમતિ સાથે શાસન પર આવ્યું હતું. જ્યારે કોંગ્રેસ 24 જિલ્લા પંચાયત પર વિજેતા બન્યું હતું અને 1 જિલ્લા પંચાયતમાં અપક્ષનું શાસન આવ્યું હતું. જિલ્લા પંચાયતની સરખામણીએ તાલુકા પંચાયતમાં ભાજપની સ્થિતિ થોડી સારી રહેવા પામી હતી. 142 તાલુકા પંચાયતમાં ભાજપ, 77 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને 11 તાલુકા પંચાયતમાં અપક્ષ બહુમતિ સાથે શાસન પર આવ્યું હતું. જ્યારે નગરપાલિકાની વાત કરવામાં આવે તો 62 નગરપાલિકાઓમાં ભાજપનું શાસન આવ્યું હતું. 16માં કોંગ્રેસને જનાદેશ મળ્યો હતો અને 5માં મતદારોએ અપક્ષને મેન્ડેટ આપ્યું હતું.

નગરપાલિકા અને તાલુકા પંચાયતની સરખામણીએ જિલ્લામાં ભાજપને બહુ મોટી નુકશાની સહન કરવી પડી હતી. ચૂંટણી પહેલા જ જિલ્લા પંચાયતની 24, તાલુકા પંચાયતની 110 અને નગરપાલિકાની 85 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાની 36 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા જ્યારે ગીર સોમનાથની જિલ્લાની ઉના નગરપાલિકાની 36 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો જાહેર થયા હતા. મતદાન પૂર્વે જ ભાજપે કડી અને ઉના નગરપાલિકામાં પૂર્ણ બહુમતિ હાસલ કરી લીધી હતી.

રાજકોટ, અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને તોતીંગ બહુમતિ મળી હતી. સુરતમાં તો કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું ન હતું અને આમ આદમી પાર્ટી વિરોધ પક્ષના ભૂમિકામાં છે. શહેરી મતદારોએ કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસવા જોગ પણ રહેવા દીધી નથી તો બીજી તરફ ગ્રામ્ય પ્રજાએ પણ કોંગ્રેસને મરણતોલ જાકારો આપ્યો છે. 2015માં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પૈકી કોંગ્રેસ 34 અને ભાજપ 2 બેઠકો પર વિજેતા બન્યું હતું. મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી કોંગ્રેસ 22 અને ભાજપ 2 બેઠકો પર જીત્યું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયતની 29 બેઠકો પૈકી કોંગ્રેસ 27 અને ભાજપ 3 બેઠકો પર વિજેતા બન્યું હતું. ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28 પૈકી ભાજપ 13 અને કોંગ્રેસ 13 જ્યારે અપક્ષ 2 બેઠકો પર વિજેતા હતું. જામનગર જિલ્લા પંચાયતની 24 પૈકી કોંગ્રેસ 17 અને ભાજપ 7 બેઠકો પર વિજેતા બન્યુંહ તું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 21 બેઠકો પૈકી 11 બેઠકો પર કોંગ્રેસ, 9 પર ભાજપ અને 2 પર અપક્ષ હતું. પોરબંદર જિલ્લા પંચાયતની 18 બેઠકો પૈકી ભાજપ 14 ને કોંગ્રેસ 4 પર વિજેતા હતું. જ્યારે અમરેલીની 34 બેઠકો પૈકી ભાજપ 5 અને કોંગ્રેસ 29 બેઠકો પર વિજેતા બન્યું હતું. 2015માં સૌરાષ્ટ્રની મુખ્ય 8 જિલ્લા પંચાયતમાંથી ભાજપને ફાળે માત્ર એક જ જિલ્લા પંચાયત આવી હતી જ્યારે પાટીદાર અનામત આંદોલનના સહારે કોંગ્રેસ 7 જિલ્લા પંચાયતમાં સત્તારૂઢ થયું હતું.

મહાપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ કરી દેનાર મતદારોએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ કોંગ્રેસને મરણતોલ જાકારો આપ્યો છે. આ લખાય છે ત્યારે રાજ્યની 31 જિલ્લા પંચાયતો પૈકી 15 જિલ્લા પંચાયતમાં ભાજપ લીડ કરી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ એક પણ જિલ્લા પંચાયતમાં આગળ ન હોવાના અહેવાલો મળી રહ્યાં છે. જિલ્લા પંચાયતની કુલ 980 બેઠકો પૈકી 26 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં તમામ બેઠકો પર કમળ પૂર્ણ કળાએ ખીલ્યું છે. કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટી કે અપક્ષનું ખાતુ પણ ખુલ્યું નથી. રાજ્યની 81 નગરપાલિકાઓ પૈકી 54 નગરપાલિકાઓમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર 3 નગરપાલિકામાં લીડ કરી રહ્યું છે. પાલિકાની 2720 બેઠકો પૈકી 202 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં 180 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 21 બેઠકો આવી છે જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. 231 તાલુકા પંચાયતો પૈકી હાલ 51 તાલુકા પંચાયતમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને 7 તાલુકા પંચાયતમાં કોંગ્રેસને લીડ છે. તાલુકા પંચાયતની કુલ 4774 બેઠકો પૈકી 268 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જેમાં 232 બેઠકો પર ભાજપ વિજેતા બન્યું છે અને 29 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. 7 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ મેદાન માર્યું છે.

જે રીતે શરૂઆતી ટ્રેન્ડ જોવા મળી ર્હયો છે તે જોતા લાગી રહ્યું છે કે મહાપાલિકાની માફક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભાજપનું બુલડોઝર ફરી વળશે. અને કોંગ્રેસનો સફાયો થઈ જશે. વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર દોઢ વર્ષની સમયગાળો જ બાકી રહ્યો છે. ત્યારે ભાજપ તરફી જે રીતે લોકોનો વિજય વિશ્ર્વાસ જોવા મળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, 2022માં પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તોતીંગ બહુમતિ સાથે વિજેતા બનશે.

આ લખાઈ ર્હયું છે. ત્યારે જિલ્લા પંચાયતની 48 બેઠકો પર ભાજપ અને 3 પર કોંગ્રેસ તેમજ 2 બેઠકો પર અન્ય પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી ર્હયાં છે. જ્યારે તાલુકા પંચાયતની 4774 બેઠકો પૈકી 346 બેઠકો પર ભાજપના ઉમેદવાર, 86 પર કોંગ્રેસ અને 17 બેઠકો પર અન્ય પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. નગરપાલિકાની 2720 બેઠકો પૈકી 310 બેઠકો પર ભાજપના, 41 બેઠક પર કોંગ્રેસ અને 20 બેઠકો પર અન્ય પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. અમુક સ્થળે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર ચાલી રહી છે તો અનેક સ્થળે એકતરફી જનાદેશ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ પંચાયતમાં ખાતુ ખોલાવતા કાર્યકરમાં ભારે જશ્ન જોવા મળી રહ્યો છે. મત ગણતરી સ્થળે વિજય સઘર્ષ કાઢવા પર પ્રતિબંધ હોવા છતાં વિજેતા બનેલા ઉમેદવારોના કાર્યકરો અને સમર્થકોએ આજે પરિણામ જાહેર થતાં જ વિજ્યોત્સવ મનાવ્યો હતો.

2015માં કોંગ્રેસ 24 જિલ્લા પંચાયતમાં વિજેતા બન્યું હતું જ્યારે ભાજપના ફાળે માત્ર 6 જિલ્લા પંચાયત આવી’તી

2015માં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો રાજ્યભરમાં જોવા મળી હતી. જેની સૌથી વધુ નુકશાની સત્તાધારી પાર્ટી ભાજપે વેઠવી પડી હતી. 2015માં યોજાયેલી રાજ્યની 31 જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભાજપે રાજકોટ સહિતની જિલ્લા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હતો. કોંગ્રેસ 31 જિલ્લા પંચાયત પૈકી 24 જિલ્લા પંચાયતમાં તોતીંગ બહુમતિ સાથે વિજેતા બન્યું હતું અને ભાજપને ફાળે માત્ર એક જ જિલ્લા પંચાયત આવી હતી. તો એક જિલ્લા પંચાયતમાં અપક્ષોએ મેદાન માર્યું હતું. જેમાં જિલ્લા પંચાયતની સરખામણીએ તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રદર્શન થોડુ સારૂ રહ્યું હતું. 142 તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ હતી જ્યારે 77 તાલુકા પંચાયતમાં બહુમતિ સાથે કોંગ્રેસ સત્તારૂઢ થયું હતું. નગરપાલિકામાં પણ ભાજપને મતદારોએ સ્વીકાર્યા હતા અને 62 નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું જ્યારે 16 નગરપાલિકામાં કોંગ્રેસ વિજેતા બની હતી.