Abtak Media Google News

ભણતર, શિક્ષણ, કેળવણી, જ્ઞાન અને અભ્યાસ થકી જ માનવી સંપર્ણ જીવસૃષ્ટિમાં સૌથી અલગ અને સુસંસ્કૃતિ થઇ આજે ચાંદ અને પરગ્રહોમાં જવાની ક્ષમતા કેળવી ચૂક્યો છે. ભણતર વિના કંઇ જ શક્ય નથી, અને ભણતર કસોટી, પરીક્ષા વગર અધૂરુ ગણાય છે. ત્યારે શિક્ષણ જગતમાં આવી પડેલી માસ પ્રમોશનની નોબત વિદ્યાર્થીઓની સાથેસાથે વાલીઓ અને કેળવણીકારોમાં ‘કચવાટ’નું કારણ બન્યું છે. પરીક્ષા વગર પાસ થઇ જવું એ ચપટીભરની કદાચ પસંદગી બનતી હશે પરંતુ વર્ષ આખુ મહેનત કરી પરીક્ષા માટે તૈયાર થતાં વિદ્યાર્થીઓ માટે સામૂહિક પાસ થઇ જવું આંચકાથી જરાપણ ઓછુ નથી.

ધોરણ-10, 12 વિદ્યાર્થી જીવનમાં કારર્કિદીના મહત્વના પડાવ અને ટર્નીગ પોઇન્ટ માનવામાં આવે છે. ત્યારે આ પડાવમાં ઉત્કૃષ્ટ દેખાવ દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે. ભણવામાં માત્ર પાસ થઇ આગલા વર્ગમાં જવું તે કોઇપણ વિદ્યાર્થીને ગમતું ન હોય. સામાન્ય પ્રવાહના પરિણામમાં ઇતિહાસમાં પ્રથમવાર 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન અને મહામારીના આ માહોલની વિદ્યાર્થીઓની મંજૂરી સમજીને તમામ પાસ કરી દેવાનો નિર્ણય આમ તો જનહિતમાં દેવાયેલો અને ન ભૂતો ન ભવિષ્ય જેવી પરિસ્થિતિમાં પાસ કરી દેવામાં આવેલાં વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનના મૂલ્યાંકનની તક ચૂંકી જવાયાનો વસવસો રહ્યો છે.

કંચનની કસોટી જ તેની સચોટતાનો પૂરાવો આપે છે તેમ દરેક વિદ્યાર્થી માટે આખુ વર્ષ મેળવેલું શિક્ષણ અને જ્ઞાનને કસોટીની એરણ પર કસતી પરીક્ષા માટેની આતુરતા હોય તે બે મત જ નથી. વળી આ વર્ષે મોટાભાગે વિદ્યાર્થીઓએ શિક્ષણના માર્ગદર્શન વગર ઘેર બેઠા ઓનલાઇન અભ્યાસ કર્યો અને પરીક્ષા આપ્યા વગર જ પાસ થઇ જવાની આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓ, વાલીઓની સાથેસાથે માત્ર શિક્ષણ જગત જ નહીં પરંતુ શિક્ષણ સાથે સંકળાયેલી તમામ વ્યવસ્થા નોકરીઓ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં માસ પ્રમોશનથી પાસ થયેલાં વિદ્યાર્થીઓને સમસ્યા સર્જાશે. આમ પણ દરેક વયના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું વાર્ષિક મૂલ્યાંકન અનિવાર્ય ગણાય છે.

તમામ વિદ્યાર્થીઓની ક્ષમતા એક સમાન હોતી નથી ત્યારે સર્વગ્રાહી મૂલ્યાંકન દરેક બાળકનું જરૂરી છે. તેવા સંજોગોમાં સામૂહિક ચડાવ પાસના આ સિલસિલાથી જ હોશિંયાર વિદ્યાર્થીઓને અકલ્પનિય નુકશાન જાય તે સ્વભાવિક છે. એકલવ્યએ પણ ગુરૂ દ્રોણની પ્રતિમા સામે વિદ્યા ગ્રહણ કરી હતી અને આ વિદ્યાની ગહનતાનો પરિચય તેમણે પોતાની ક્ષમતાથી આપ્યો હતો. એ જ ગુરૂ દ્રોણના શ્ર્વાનના મોઢામાં બાણ ભરીને પોતાની વિદ્યાની કસોટી કરી હતી. આમ દરેક માટે પરીક્ષા અને તેનું મૂલ્યાંકન આવશ્યક છે.

શિક્ષણના ઇતિહાસમાં નવનિર્માણ આંદોલન વખતે ગુજરાતમાં પ્રાથમિક અને હાઇસ્કૂલને માસ પ્રમોશન અપાયાં બાદ કોરોના કાળમાં બીજી વાર માસ પ્રમોશન અપાયું છે. જો કે હોશિયાર વિદ્યાર્થીઓને અન્યાય થવાની ભિતીને લઇને સરકારે જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી હોય તેની વ્યવસ્થા કરવાનું સુતુત્ય પગલું લીધું છે. મૂલ્યાંકન વગર શિક્ષણ કેટલું પ્રાપ્ત થયું છે, જ્ઞાન કેટલું પચ્યું છે તેનો તાગ મેળવવો મુશ્કેલ છે. મૂલ્યાંકન વગર શિક્ષણનું કોઇ મૂલ્ય રહેતું નથી. માસ પ્રમોશનથી વર્ષ પસાર થઇ જાય પરંતુ જીવન પસાર કરવા માટે આ જ્ઞાન કેટલું સચોટ છે તે પરીક્ષા વગર નક્કી ન થાય. પરીક્ષા શિક્ષણરૂપી જ્ઞાન માટે પારસમણી જેવું કામ કરે છે તે અગાઉની જેમ આજે પણ અક્ષરસ સત્ય વિધાન જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.