Abtak Media Google News

મને એક કલાક સોમનાથના સમુદ્રમાં સમાધિ લેવા દયો, સમગ્ર વિશ્વમાં કોરોના ગાયબ થઈ જશે : મૌનીબાબા નામના સાધુનો અચરજભર્યો દાવો

રાજકોટના રોકડીયા હનુમાન મંદિરે રહેતા મૌની બાબા નામના સાધુએ એવો અચરજભર્યો દાવો કર્યો છે કે મને એક કલાક સોમનાથના સમુદ્રમાં સમાધિ લેવા દયો તો સમગ્ર વિશ્વમાંથી કોરોના ગાયબ થઈ જશે અને યમરાજ ધરતી ઉપર આવતા બંધ થઈ જશે.જો કે આ દાવા સાથે તેઓએ સરકાર સમક્ષ જળ સમાધિની પરવાનગી આપવાની માંગ કરી છે.

Advertisement

હાલ કોરોનાની વૈશ્વિક મહામારીને નાથવા નતનવા સંશોધનો ચાલી રહ્યા છે. વિજ્ઞાનની સાથોસાથ શ્રદ્ધાને પણ કામે લગાડવામાં આવી રહી છે. અનેક લોકો આ મહામારીથી બચાવવા ઈશ્વરને રિઝાવી રહ્યા છે.

આ દરમિયાન અનેક દાવાઓ પણ થયા છે. જેમાં આજે રાજકોટમાંથી પણ એક અચરજભર્યો દાવો થયો છે. શહેરના જંકશન રેલવે સ્ટેશન પાસે આવેલા રોકડીયા હનુમાન મંદિરે રહેતા મૌનીબાબાએ એવો દાવો કર્યો છે કે જો સરકાર તેને સમુદ્ર સમાધિ લેવાની પરવાનગી આપે તો તેઓ માત્ર એક કલાક માટે સોમનાથના સમુદ્રમાં જળ સમાધિ લઈને સમગ્ર  વિશ્વને કોરોનાની મહામારીમાંથી ઉગારી શકે છે.

તેઓએ જણાવ્યું કે તે પહેલાં જૂનાગઢના જંગલમાં રહીને તપસ્યા કરતા હતા. બાદમાં છેલ્લા ૩ માસથી રોકડીયા હનુમાન મંદિરે પૂજા અર્ચના કરીને ત્યાં જ રહે છે. તેઓ પાસે એવી વિદ્યા છે. કે તેઓ સમુદ્રમાં એક કલાક સમાધિ લ્યે તો યમરાજ ધરતી ઉપર આવતા બંધ થઈ જાય અને કોરોનાથી થતા મૃત્યુ ઉપર અટકી જાય. ઉલ્લેખનીય છે કે આ અચરજભર્યા દાવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.તેઓએ એવી માંગ ઉઠાવી છે કે સરકાર સમુદ્ર સમાધિ લેવાની પરવાનગી આપે તો હું વિશ્વને કોરોનાથી બચાવી શકું તેમ છું.

હાલ વૈશ્વિક મહામારી વચ્ચે સાધુ આ દાવો લઈને કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જો કે તેઓનો આ દાવો કચેરીમાં કોઈએ ગંભીરતાથી લીધો ન હતો.કારણકે તેઓનો દાવો અકલ્પનિય લાગી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.