Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે હરેશભાઇ પરસાણાની નિમણુંક: કિરીટભાઇ ભિંભા બન્યા શાસક પક્ષના નેતા, દંડક તરીકે અરવિંદભાઇ ભલાણીની વરણી

આજે જૂનાગઢના આઠમાં મેયર તરીકે ગીતાબેન પરમાર તથા ડેપ્યુટી મેયર તરીકે ફરી એક વખત ગિરીશ કોટેચા ઉપર ભાજપના મોવડી મંડળે પસંદગીનો કળશ ઢોળ્યો છે તથા આજે મળેલ મનપાના જનરલ બોર્ડમાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભીંભા અને દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

જૂનાગઢ મનપાની આજે બપોરના 12 વાગ્યે જનરલ બોર્ડની બેઠક જૂનાગઢ મનપા કચેરી ખાતે મળી હતી. જેમાં જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા તથા દંડક અને શાસક પક્ષના નેતાની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં તેમના સ્થાને નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને શાસક પક્ષના નેતા તેમજ દંડક માટે ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં વિપક્ષ તરફથી કોઈ ઉમેદવાર મૂકવામાં ના આવતાં મેયર તરીકે ગીતાબેન પરમાર તથા ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચા તેમજ કારોબારી કમિટી માટે 14 સદસ્યો અને 16 જેટલી કમિટીના ચેરમેનને બિન હરીફ ચુંટાયેલા જાહેર થયા હતા.

આ સાથે આજે મનપાના ભાજપના શાસક પક્ષના નેતા તરીકે કિરીટભાઈ ભિંભાં, દંડક તરીકે અરવિંદભાઈ ભલાણીના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. તથા કારોબારી સમિતિના ચેરમેન તરીકે ભાજપા દ્વારા હરેશભાઈ પરસાણા ના નામની જાહેરાત કરવામાં આવી હતી. અને આગામી દિવસોમાં મળનારી કારોબારીની બેઠકમાં હરેશભાઈ પરસાણાની ચેરમેન તરીકે નિયુક્તિ થશે.

આજે જૂનાગઢ મનપાના મેયર, ડેપ્યુટી મેયર, ચુંટાયેલા જાહેર થતા જ જૂનાગઢ મનપાના કમિશનર રાકેશ તન્ના, જૂનાગઢના મેયર ધીરુ ભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, શહેર ભાજપા પ્રમુખ પુનિતભાઈ શર્મા, સેક્રેટરી શૈલેષભાઈ દવે, ભરતભાઈ શિંગાળા તથા મણવર સહિતના ભાજપના અગ્રણીઓએ હારતોરા કરી શુભેચ્છા પાઠવી હતી.

દરમિયાન જૂનાગઢ મનપાના મેયર ગીતાબેન પરમાર એ અબ તકને આપેલ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમો જૂનાગઢના વિકાસના કામો માટે હંમેશા તત્પર રહેશું. જ્યારે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ ભાજપના મોવડી મંડળે તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરી પર્યટન હબ બની રહેલ જૂનાગઢને વિકાસ તરફ લઈ જશે તેમ જણાવ્યું હતું. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જેમના નામની જાહેરાત થઇ છે તેવા હરેશભાઈ પરસાણા એ જુનાગઢના જે વિકાસ કામો અધુરા છે તે સત્વરે પૂર્ણ થાય તે માટે તેઓ તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.