Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 21 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય: બુધવારે સવારે મ્યુનિસિપલ કમિશનર વર્ષ-2022-23નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે: નવો કરબોજ આવે તેવી સંભાવના નહિવત

રાજકોટ મહાનગર પાલિકામાં આવતીકાલે બપોરે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં અલગ-અલગ 21 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. દરમિયાન બુધવારે સવારે મ્યુનિ.કમિશનર અમિત અરોરા વર્ષ-2022-23નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરશે. બજેટમાં રાજકોટવાસીઓ પર નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના ખૂબ જ નહિંવત જણાઇ રહી છે.

Advertisement

કાલે બપોરે 12 કલાકે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 21 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-2022માં ગાર્બેજ ફ્રી સિટીના સેવન સ્ટાર રેટિંગ તથા વોટર પ્લસ સર્ટીફિકેશન માટે મ્યુનિ.કમિશનરને અધિકૃત કરવા, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા હસ્તકના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જુદી-જુદી કેડરની હંગામી જગ્યાઓની મુદ્ત વધારવા, કોર્પોરેશનની જુદી-જુદી શાખાઓમાં મેન પાવર સપ્લાય કરવા સહિતનો કોન્ટ્રાક્ટ આપવા, ઉપરાંતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા બુધવારે સવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ-2022-23નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં રાજકોટવાસીઓ પર કોઇ નવો કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના ખૂબ જ નહિંવત જણાઇ રહી છે. જો કમિશનર દ્વારા વેરામાં વધારો સૂચવવામાં આવશે તો પણ વિધાનસભાની ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખી શાસકો દ્વારા વેરા વધારાની દરખાસ્તને ફગાવી દેવામાં આવશે. બજેટનું કદ 2300 થી 2500 કરોડની વચ્ચે રહે તેવું માનવામાં આવી રહ્યુ છે.

ચાલુ નાણાંકીય વર્ષનું બજેટ રૂા.2291 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે. પરંતુ નાણાંના અભાવે બજેટ માત્ર 50 ટકાએ પહોંચે તેવી શક્યતા પણ દેખાતી નથી. રિવાઇડ્સ બજેટનું કદ 1100 થી 1200 કરોડ વચ્ચે રહેશે. નિયમાનુસાર 20મી ફેબ્રુઆરી સુધીમાં બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી દેવાનું હોય છે. બીજી ફેબ્રુઆરીએ મ્યુનિ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ થયા બાદ તેના પર સતત એક સપ્તાહ સુધી સ્ટેન્ડિંગ કમિટી અભ્યાસ કરી જરૂરી સુધારા-વધારા સાથે બજેટને બહાલી આપશે અને આખરી મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરશે. સંભવત: 18 કે 19 ફેબુ્રઆરીના રોજ જનરલ બોર્ડમાં બજેટને બહાલી આપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.