Abtak Media Google News

જૂનાગઢ પોલીસ દ્વારા વન વિભાગના કર્મીઓની મદદ મેળવી જંગલમાં ગુમ થયેલ પટેલ પરિવારના એકના એક પુત્રને 20 કલાકની જહેમત બાદ જંગલમાંથી શોધી કાઢી, પરિવારજનોને પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

જૂનાગઢ શહેરના ખામધરોલ રોડ ઉપર શ્યામ પાર્ક સોસાયટીમાં  રહેતા અને મૂળ ભેંસાણના વતની એવા જમનભાઈ ગોબરભાઈ  બાંભરોલીયા પટેલના પત્ની નીતાબેન તેમના એકનો એક પુત્ર અભિ (ઉવ.18) સહિતના પોતાના પરિવાર સાથે ગઈકાલે ઉપલા દાતાર દર્શન કરવા ગયેલ હતા. પોતાનો પુત્ર અભી થોડો માનસિક નબળો હોઈ, પરિવાર ધીમો ચાલતો હતો, ત્યારે અભી આગળ નીકળી ગયેલ અને દાતાર થઈ નવનાથ ધુણા બાજુ જતા, જંગલમાં ભૂલો પડી ગયેલ હતો.

જે અંગેની જાણ નીતાબેન જમનભાઈ બાંભરોલીયા દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના ભવનાથ પોલીસ સ્ટેશનનના પીએસઆઇ એન.કે.વાજા તથા સ્ટાફ ઉપરાંત, ફોરેસ્ટ ખાતાના ફોરેસ્ટર પિન્ટુબેન ગુજરાતી, બીટ ગાર્ડ હર્ષદભાઈ સહિતના સ્ટાફની ટીમો દ્વારા નવનાથ ધુણા આજુબાજુ તપાસ કરવામાં આવેલ પરંતુ, રાત્રી સુધી કોઈ પતો લાગેલ નહીં. જેથી, ગુમ થનાર યુવાન અભીના માતાપિતા, પોતાનો એકનો એક પુત્ર કઈ સ્થિતિમાં હશે…? તેવું વિચારી, સવાભાવિક ચિંતા મા મુકાયેલ હતા.

બીજી બાજુ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા રાત્રીના ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફ સહિતની ટીમો યુવાનની શોધમાં જોડાયેલ હતી. વહેલી સવારે ડ્રોન કેમેરા સાથે રાજશીભાઈ મોઢવાડીયા તથા યશ ધોકિયા સહિતનાને બોલાવી, જંગલ વિસ્તારમાં જુદી જુદી બે ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા, આશરે 20 કલાકની પોલીસ તથા ફોરેસ્ટની જહેમત બાદ યુવાન હેમખેમ મળી આવતા, તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો, જમનભાઈ અને નીતાબેન સહિતના પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.