Abtak Media Google News

વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના પ્રબળ બને અને તેઓના ચારિત્ર્યનુ ઘડતર થાય તેવા શુભ આશયથી રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા શહેરની જુદી જુદી સ્કુલોમાં સ્કાઉટ ગાઈડની પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. જેના અનુસંધાને આજ તા.૦૪/૦૪/૨૦૧૮ના રોજ વર્તમાન વર્ષના કુલ ૨૩૭ બાળકો જેઓને ગુજરાત રાજયના નામદાર રાજ્યપાલશ્રી દ્વારા રાજ્યપાલ એવોર્ડ તથા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર સ્કાઉટ ગાઇડને મેયર બંગલા ખાતે મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ્ હસ્તે સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા. આ પ્રસંગે રાજયના સ્કાઉટ ગાઈડના મુખ્ય કમિશનર જનાર્દનભાઈ પંડયા, રાજકોટ જિલ્લા સ્કાઉટ ગાઈડના પ્રમુખ અભયભાઈ ભારદ્વાજ, રાજય મંત્રી મનીષભાઈ મહેતા, રાજયના ટ્રેનીંગ કમિશનર ભીખાલાલ સિદપરા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સાવિત્રીબેન ઉપાધ્યાય, આશાબેન ઉપાધ્યાય તેમજ જુદી-જુદી સ્કુલોના શિક્ષકો, જિલ્લા શાસનાધિકારી દેવદતભાઈ પંડયા વિગેરે ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે મેયર ડૉ.જૈમન ઉપાધ્યાયએ રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ એવોર્ડ મેળવનાર સ્કાઉટ ગાઈડના બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવતા જણાવેલ કે, અગાઉ દેશ માટે મરવાની વાત હતી હવે દેશ માટે જીવવાની વાત છે જેથી રાષ્ટ્રભાવના, શિસ્ત, તંદુરસ્તી, ખુબજ જરૂરી છે. આ સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓનું આરોગ્ય તથા ચારિત્ર્ય ઘડતર થાય છે. નરેન્દ્રભાઈ મોદીએ “સૌનો સાથ, સૌનો વિકાસ” સુત્ર આપીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઇ જવાની કલ્પના સાથે દૈનિક ૧૬ થી ૧૮ કલાક કામ કરી રહ્યા છે અને છેવાડાની માનવીનો પણ વિકાસ થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે.

તેજ રીતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ દેશની વિકાસની દોડમાં ગુજરાત અગ્રેસર રહે તે માટે દૈનિક ૧૬ કલાક સુધી કામગીરી કરી રહ્યા છે. અન્ય દેશોમાં જુદી જુદી વૈજ્ઞાનિક સંસ્થાઓમાં મેડીકલ ક્ષેત્રે, એન્જીનીયરીંગ ક્ષેત્રે ભારતના ૩૮% થી વધુ યુવાનો કમ કરી રહ્યા છે. આજે જો કાઈ ઘટતું હોય તો તે રાષ્ટ્ર ભાવના છે જેથી આ પ્રકારની રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા રાષ્ટ્રભાવના વધે મોરલ કેરેક્ટર આવે ત્યારે જ દેશનું ચિત્ર ખુબ જ જુદુ ઉપસી આવશે. દેશમાં આજે સ્વચ્છતા, પર્યાવરણ, પાણી બચાવો વિગેરે જેવી સમસ્યામાં ખુબ જાગૃતતા લાવવા તેમણે યુવાનોને અપીલ કરેલ.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા સ્કાઉટ ગાઈડના પ્રમુખ અભયભાઈ ભારદ્વાજએ જણાવેલ કે, શિસ્ત રાષ્ટ્રભાવનાની વાત આપણે કરતા હોય ત્યારે તમામ સ્કુલોમાં સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ થવી જોઈએ અને આ પ્રવૃતિનો ખુબ જ વિકાસ થવો જોઈએ.

આ અવસરે સ્કાઉટ ગાઈડના રાજયના સેક્રેટરી મનીષભાઈ મહેતાએ સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિની વિગત આપતા જણાવેલ કે રાજ્યમાં ૬૫ હજારથી વધુ સ્કાઉટ ગાઈડ છે. આ પ્રવૃતિમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ એવોર્ડ માટે રાજકોટ જિલ્લા સ્કાઉટ ગાઈડ અગ્રેસર હોય છે. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદીએ સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિમાં દરિયાઈ પટ્ટીના બાળકો અને વનબંધુના બાળકોને જોડવા સહકાર આપેલ અને આ પ્રવૃત્તિ ત્યાં શરૂ થયેલ છે. સ્કાઉટ ગાઈડની વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવેલ છે જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ વિડીઓ કોન્ફરન્સ દ્વારા સ્કાઉટ ગાઈડને સંબોધેલ અને શુભેચ્છા પાઠવેલ.

આ અવસરે સ્કાઉટ ગાઈડના રાજયના કમિશ્નરશ્રી જનાર્દનભાઈ પંડયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે રાષ્ટ્રપતિ ભવન, રાજ ભવન ખાતે સ્કાઉટ ગાઇડનું સન્માન થાય છે તેજ રીતે રાજકોટ જિલ્લાના સ્કાઉટ ગાઇડનું મેયર બંગલે પણ સન્માન થાય તે બાળકો માટે મહત્વનું હોય છે. સૌ-પ્રથમ પુર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીના સમયથી આજ દિન સુધી મેયર બંગલા ખાતે સ્કાઉટ ગાઈડનો સન્માનનો કાર્યક્રમ યોજાય છે તે બદલ સૌના આભાર સાથે સ્વાગત કરેલ.

સ્કાઉટ ગાઈડની પ્રવૃતિમાં જુદી-જુદી સ્કુલોના જેમ કે, બારદાન વાલા કન્યા વિદ્યાલય, પી.વી.મોદી સ્કુલ, વી.જે.મોદી સ્કુલ, પતંજલિ સ્કુલ, મોદી સ્કુલ અંબિકા ટાઉનશીપ, પતંજલિ વિદ્યાલય, સર્વોદય સ્કુલ, સનસાઈન સ્કુલ, મીરામ્બિકા સ્કુલ અને બાલભવન વિગેરેમાંથી ૨૩૭ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.

આ પ્રસંગે સૌ-પ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્કાર્ફ દ્વારા સન્માન કરાયેલ તેજ રીતે રાજકોટ શહેર જિલ્લા સ્કાઉટ ગાઈડના તમામ મુખ્ય હોદ્દેદારોનો મેયર ડૉ.જૈમન ઉપાધ્યાય દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભીખાલાલ સીદપરાએ કરેલ અને અંતમાં આભારવિધિ શ્રી મનીષભાઈ મહેતાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સ્કાઉટ ગાઈડના સભ્યશ્રીઓએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્કાઉટ ગાઈડના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.