Abtak Media Google News

રૂ.500ના બેલેન્સ સાથે બચત ખાતુ ખોલી નેટબેંકીંગની સુવિધા અપાશે

પોસ્ટ ઓફિસ બચત ખાતાઓ ખોલવા માટે વિશેષ અભિયાન અન્વયે  તા.20 થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ ખાતે ’બચત વસંત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે રૂ. 500 ના મિનિમમ બેલેન્સ સાથે બચત ખાતું ખોલી નેટબેન્કિંગ,મોબાઇલ બેન્કિંગ, એ.ટી.એમ. જેવી સુવિધાઓનો લાભ આપવામાં આવશે.

Advertisement

ડ્રાઈવ દરમિયાન ખાતા ખોલવા માટે ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ રાજ્યના દરેક ભાગમાં વિશેષ શિબિરો અને મેળાઓનું આયોજન કરવામાં આવશે. હાલ ભારતીય ટપાલ વિભાગ સલામતી સાથે તમામ પી.ઓ.એસ.બી. યોજનાઓમાં સૌથી વધુ વ્યાજદર આપી રહ્યું છે.

આ ડ્રાઈવ અંતર્ગત મેગા કેમ્પમાં દરેક કેટેગરીના પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ખોલી શકાશે જે માટે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાનકાર્ડ અને બે પાસપોર્ટ સાઇઝ ફોટો લાવી કોઈ પણ નાગરિક તાત્કાલિક પોતાનું ખાતું ખોલાવી શકશે

બાળકોને પબ્લિક પ્રોવિડન્ટ ફંડનો લાભ આપવા માટે ’ધ્રુવ સંકલ્પ’ નામનું અભિયાન ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ યોજનામાં રોકાણ કરાયેલી રકમ બાળકોના મોટા સપનાઓને સાકાર કરવા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.

ભારતીય ટપાલ વિભાગ સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રીય કચેરી દ્વારા વિશિષ્ટ અભિયાનો અંતર્ગત સામાન્ય જનતા સુધી પોસ્ટલ બચત ખાતાની સેવા, બાળાઓના સુક્ધયા સમૃદ્ધિ ખાતાઓ ખોલવા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ડિજિટલ ખાતા ખોલી ડિજિટલ વ્યવહારોનો વ્યાપ પધારવા, ઘરે બેઠા બાળકોના આધાર કાર્ડ કઢાવી આપવા, અકસ્માત વીમાની યોજના મારફત મહત્તમ લોકોને આવરી લેવા અને પોસ્ટલ વીમા યોજનાનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાના અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ કર્મચારીઓને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા અને સરકારી યોજનાઓને વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે સૌરાષ્ટ્ર-કચ્છની પોસ્ટ ઓફિસો દ્વારા 22,500થી વધારે દીકરીઓને સુક્ધયા સમૃદ્ધિ યોજના અંતર્ગત આવરી લેવામાં આવી તેમના ખાતા ખોલવામાં આવ્યા છે. તેમ સિનિયર પોસ્ટ માસ્ટર રાજકોટ હેડ પોસ્ટ ઓફિસની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.