Abtak Media Google News

જળ એ જ જીવન.. આપ સમાન બલ નહિં, મેઘ સમાન જલ નહિં , સજીવ સૃષ્ટિમાં પાણીનું અને પર્યાવરણમાં વરસાદનું મૂલ્ય ક્યારેય આંકી ન શકાય. વરસાદની ઋતુને તમામ ઋતુની રાણી કહેવામાં આવે છે. પર્યાવરણના કણેકણ અને વનસ્પતિના પ્રત્યેક છોડથી લઇને વૃક્ષો ફરીથી ખીલી ઉઠે છે અને સંપૂર્ણ વરસાદના વાતાવરણથી પર્યાવરણ સજીવન થઇ જાય છે. ભલે પૃથ્વી ઉપર એક ભાગની જમીન અને ત્રણ ભાગનું પાણી કુદરતે આપ્યું હોય પરંતુ પીવા અને સિંચાઇ માટેનું પાણી તો મર્યાદામાં જ ઉપલબ્ધ છે.

વળી જમીનની જેમ પાણીનું પણ સર્જન કરી શકાતું નથી. ત્યારે પૃથ્વીની સજીવ સાંકળ અતૂટ રાખવા માટે શિયાળા, ઉનાળા, ચોમાસાની આવશ્યકતા અને પૃથ્વીની સજીવ સૃષ્ટિને ખિલેલી રાખવા માટે વરસાદ અનિવાર્ય છે. આ વર્ષે પ્રારંભિક ધોરણે વાવાઝોડા સાથે વરસી ગયેલા આગોતરા વરસાદ બાદ મેઘરાજાએ કવેળાનો વિસામો લઇ લેતાં જગતાતના જીવ અધ્ધર ચડી ગયાં હતાં પણ સમયસર સરૂં થયેલાં મેઘમલ્હારની જડીબુટ્ટીએ ફરીથી જનજીવનને ધબકતું કરી દીધું છે. વરસાદ વગર કંઇ નથી અને વરસાદથી જ બધું છે. માત્ર કૃષિ અને કૃષિકારને જ વરસાદની જરૂર પડે એવું નથી. પ્રત્યેક સજીવ અને વનસ્પતિ સૃષ્ટિના રંજેરજના જીવનક્ષેત્ર માટે વરસાદના પાણીના એક-એક ટીપું અનિવાર્ય સંજીવનીનું કામ કરે છે.

વરસાદનું માત્ર જીવનમાં જ નહિં પરંતુ પર્યાવરણમાં ખૂબ જ મહત્વ છે. જમીનની ફળદ્રુપતા હોય કે ઉદ્યોગ ઉધમ કે ધંધા-રોજગારની હામ તમામમાં વરસાદનું આગમન હર્ષ અને વિલંબ જીવ ઉચક કરી દે છે. વાવણી અને લળણીની સુધી તો વરસાદની જરૂર પડે છે પણ પીવાના પાણી પર્યાવરણ અને પશુધનને પણ વરસાદથી જીવવાની તકો ઉપલબ્ધ થાય છે. વરસાદ સમયસર થઇ જાય તો બધું રાબેતા મુજબ ચાલે છે. પણ જરા વિલંબ કે અત્તિરેક થઇ જાય તો ઉથલ પાથલ મચી જાય છે. જીવન, પર્યાવરણ અને અર્થતંત્રની મૂળભૂત ધરી જો કોઇને ગણવામાં આવે તો તે વરસાદ છે. ભારત કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે અને દેશની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે. વળી ગામડાઓની આ વસ્તીમાં મોટાભાગે ખેતી પર નિર્ભર હોય છે.

પુષ્કળ ફળદ્રુપ જમીન, 80 ટકાથી વધુ લોકો કૃષિ પર નિર્ભર છે. ત્યારે દેશની ખેતી સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર હોવાથી દાયકામાં બે-ત્રણ વાર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કુદરતી પરિબળોના કારણેથી ખેડૂતોની મોલાત ફેલ જાય છે. અને આવક નિશ્ર્ચિત રહેતી નથી. આવકની અનિશ્ર્ચિતતાના કારણે જ ખેતી અર્થતંત્ર અને આજીવિકાનું ધરોહર હોવા છતાં ઉદ્યોગનો દરજ્જો પામી શકતી નથી. આમ આપણાં દેશમાં વરસાદ સંજીવનીની ભૂમિકામાં છે.

વરસાદની પ્રતિક્ષા અને ઉનાળાના અંતિમ દિવસોમાં બધુ સુકુ ભઠ્ઠ અને વેરાન મરૂ ભૂમિ જેવું લાગે છે. તેમાં વરસાદના પાંચ છાંટા પડે એટલે જાણે કે પ્રકૃતિ મલકાંટ કરવાનું શરૂ કરી દે અને ચોમાસું જેમ-જેમ આગળ વધતું જાય તેમ-તેમ સીમના ખેતરો, વનવગડા, ગ્રામ્ય જીવન, નદી-નાળા, પ્રકૃતિ, પર્વત, પશુ-પક્ષીની ખુશીઓ સોળે કલાએ ખીલી ઉઠે છે અને સામાજીક જીવનમાં પણ મન ભરાઇને સંતોષની અનુભૂતિ અને સારા સુખ-સમૃદ્વિના દિવસોની આશાથી આંખો આવતીકાલના સોનેરી ભવિષ્યની ચમક પ્રાપ્ત કરી લે છે.

વરસાદ માત્ર ખેતી અને પ્રવૃતિ જ નહિં માનવ સભ્યતા, પશુ-પક્ષી, વન સંપદા અને સંપૂર્ણ પર્યાવરણ માટે સંજીવની બની રહેશે. આપ સમાન બલ નહિં, અને મેઘ સમાન જલ નહિં, વરસાદની ખેંચ પૂરી પાડવા પીવાનું પાણી પહોંચાડવા માટે ભારે ધમપછાડા કરવા પડે છે. વૃક્ષો-બગીચાને સિંચાઇ માટે લાખો કરોડોનો ખર્ચ કરવો પડે છે પણ વરસાદનું એક જ ઝાંપટુ બધુ જ તરબતર કરી દે છે.એટલે જ મેઘમલ્હાર જીવનની જડીબુટ્ટી ગણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.