રાજકોટનું જળ સંકટ હલ કરી દેતા મેઘરાજા: ભાદર ડેમ પણ ઓવરફલો થવામાં માત્ર 1.40 ફૂટ જ બાકી

આજી ઓવરફ્લો થવામાં માત્ર ત્રણ ઇંચ બાકી હોય સાંજ સુધીમાં છલકાય જાય તેવી સંભાવના: રૂલ લેવલ જાળવવા ન્યારી ડેમનો એક દરવાજો ખૂલ્લો

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. જેના કારણે જળાશયોનો જળ વૈભવ સતત વધી રહ્યો છે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય ત્રણ જળાશયો પૈકી ન્યારી-1 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ ડેમનો એક દરવાજો 6 ઇંચ ખૂલ્લો રાખવામાં આવ્યો છે. આજી-1 ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3 ઇંચ બાકી રહ્યો હોય આજ સાંજ સુધીમાં ગમે ત્યારે છલકાય જાય તેવી સુખદ સંભાવના જણાઇ રહી છે. જ્યારે સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો ભાદર ડેમ પણ ઓવરફ્લો થવામાં 1.40 ફૂટ બાકી રહ્યું છે. મેઘરાજાએ જળ સંકટ સંપૂર્ણપણે હલ કરી દીધું છે. આ અંગે કોર્પોરેશન અને સિંચાઇ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ન્યૂ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતો ન્યારી-1 ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.

25.10 ફૂટની ઉંચાઇ ધરાવતા ડેમની સપાટી હાલ 24.30 ફૂટે પહોંચી છે. ડેમ પૂર્ણ ક્ષમતાથી 1લી ઓક્ટોબરે નિયમ મુજબ ભરી શકાય તેમ હોય રૂલ લેવલ જાળવી રાખવા માટે હાલ ડેમનો એક દરવાજો 6 ઇંચ ખૂલ્લો કરી દેવામાં આવ્યો છે. ડેમમાં 1173 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ 250 દિવસ ચાલે તેમ છે. જો દરવાજો બંધ કરી દેવામાં આવે તો ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઇ જાય તેમ છે. આ ઉપરાંત રાજકોટવાસીઓનો સૌથી માનીતો એવો આજી ડેમ પણ સાંજ સુધીમાં ઓવરફ્લો થઇ જાય તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. 29 ફૂટે ઓવરફ્લો થતાં આજીની સપાટી બપોરે 28.60 ફૂટે પહોંચી જવા પામી છે. હવે એક સારૂં ઝાપટું આવે તો પણ ડેમ ઓવરફ્લો થઇ જશે. ડેમમાં 910 એમસીએફટી પાણી સંગ્રહિત છે જે જાન્યુઆરી સુધી ચાલશે.

ભાદર ડેમની સપાટી પણ 32.60 ફૂટે પહોંચી જવા પામી છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર ઓવરફ્લો થવામાં માત્ર 1.40 ફૂટ બાકી છે. ડેમમાં 6000 એમસીએફટી પાણી સંગ્રહિત છે. શનિવારે આજી અને ન્યારીમાં પાણીની નોંધપાત્ર આવક થવાના કારણે વિશાળ જળરાશિને જોવા માટે શહેરીજનો રવિવારે ઉમટી પડ્યા હતાં.