Abtak Media Google News

વેસ્ટ ઝોનમાં 12 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 9 મીમી અને ઇસ્ટ ઝોનમાં માત્ર 2 મીમી પાણી પડ્યું

ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા રાજકોટમાં હળવું હેત વરસાવી રહ્યા છે. આજે સવારથી બપોર સુધીમાં શહેરમાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો છે. સિઝનનો કુલ 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. સવારથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી છે.

કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાના રેકોર્ડ પર આજે બપોરે બે વાગ્યા સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 9 મીમી સાથે મોસમનો કુલ 309 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 12 મીમી સાથે મોસમનો કુલ 297 મીમી અને ઇસ્ટ ઝોનમાં સૌથી ઓછો 2 મીમી વરસાદ પડ્યો છે. અહીં મોસમનો કુલ 202 મીમી વરસાદ પડ્યો છે. સવારથી શહેરમાં ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક વ્યાપી જવા પામી છે. આજે રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે રાજકોટમાં મેઘરાજા માત્ર હળવા ફૂવારા મારી રહ્યા છે. મેઘરાજા મનમૂકીને વરસે તેવી રાજકોટવાસીઓ મનોમન પ્રાર્થના કરી રહ્યા છે.

આજી, ન્યારી અને ભાદર ડેમમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય ત્રણેય જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં 0.26 ફૂટ પાણીની આવક થઇ છે. 34 ફૂટે ઓવર ફ્લો થતાં ભાદરની સપાટી 18.50 ફૂટે પહોંચી જવા પામી છે. ડેમમાં 1579 એમસીએફટી પાણી ભરેલું છે. જ્યારે આજી ડેમમાં નવું 0.79 ફૂટ પાણીની આવક થવા પામી છે. 29 ફૂટે ઓવર ફ્લો થતા આજીની સપાટી 16.20 ફૂટે પહોંચી છે અને ડેમમાં 266 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યૂ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં નવું અડધો ફૂટ પાણીની આવક થવા પામી છે. 25.10 ફૂટે ઓવર ફ્લો થતાં ન્યારી-1 ડેમની જીવંત જળ સપાટી હાલ 14.80 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં 392 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યારી-2 ડેમમાં પણ નવું 1.80 ફૂટ પાણી આવ્યું છે. આજે બપોરે ઉમિયા સાગર ડેમ ઓવર ફ્લો થઇ ગયો છે. આ ઉપરાંત ઊંડ-3 ઓવર ફ્લો ચાલુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.