Abtak Media Google News
  • રાજકોટવાસીઓ માટે રેસકોર્ષ હવે ‘અટલ’ બની જશે
  • વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 25મીએ લોકાર્પણ કરાતાની સાથે જ શહેરીજનોને મળશે અટલ સરોવરનું નવલું નજરાણું

વિશ્વના સૌથી ઝડપથી વિકસતા 100 શહેરોમાં સ્થાન ધરાવતું રંગીલું રાજકોટ હવે સ્માર્ટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. શહેરના સ્માર્ટ સિટી એવા રૈયા વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 136 કરોડના ખર્ચે અટલ સરોવર પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું કામ હવે પૂર્ણ થઇ ગયું છે. આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અટલ સરોવરનું લોકાર્પણ કરાતાની સાથે જ માત્ર રાજકોટ જ નહિં સૌરાષ્ટ્રભરના ફરવાના શોખીનો માટે હવે પછીનું રેસકોર્ષ જ અટલ બની જશે.

Advertisement

રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા રૂ.136 કરોડના ખર્ચે 2,93,500 ચોરસ મીટર વિસ્તારમાં અટલ સરોવર પ્રોજેક્ટનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જેમાં 93,500 ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે 2 લાખ ચોરસ મીટરમાં અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

અટલ સરોવરમાં ગાર્ડન ઉપરાંત બાળકો માટે સ્પેશિયલ ગાર્ડન, ફેરી વ્હીલ, બોટીંગ, ટોય ટ્રેન, વોક-વે, સાઇકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, સોલાર રૂફટોફ, 1500 લોકોની ક્ષમતા ધરાવતા બે એમફી થિયેટર્સ, એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડ કેપિંગ, બે પાર્ટી પ્લોટ, ફૂડ કોર્ટ, ગ્રામ હાર્ટ અને 24 કલાક આન-બાન-શાન સાથે તિરંગો ફરકતો રહે તે માટે મોન્યુ મેન્ટલ ફ્લેગ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. અટલ સરોવરનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જે હવે સંપૂર્ણપણે પૂર્ણ થઇ ગયું હોય આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અટલ સરોવરનું લોકાર્પણ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટવાસીઓની સૌથી મનપસંદ ફરવા લાયક જગ્યા જો કોઇ હોય તો તે રેસકોર્ષ છે. સ્માર્ટ સિટી એરિયામાં હવે અટલ સરોવર જ રાજકોટની રંગીલી જનતાનું રેસકોર્ષ બની જશે. વિદેશમાં જેવા એમ્યુઝમેન્ટ પાર્ક હોય તે કક્ષાનું અટલ સરોવર બનાવવામાં આવ્યું છે. માત્ર ચોમાસાની સિઝન નહિં પરંતુ બારે માસ અહિં સરોવરમાં પાણી ભરાય રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદનું પાણી પણ પાઇપલાઇન મારફત સરોવરમાં ઠાલવવામાં આવશે. માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર નહિં ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ ફરવા લાયક સ્થળોમાં અટલ સરોવરને સ્થાન મળશે. તેમાં કોઇ શંકા નથી.

અટલ સરોવરમાં આ હશે સુવિધાઓ

  • ગાર્ડન
  • બાળકો માટે ખાસ ગાર્ડન
  • ફેરી વ્હીલ્સ
  • બોટીંગ
  • ટોય ટ્રેન
  • વોક-વે
  • સાયકલ ટ્રેક
  • પાર્કિંગ એરિયા
  • સોલાર રૂફટોફ
  • બે એમ્ફી થિયેટર્સ
  • એન્ટ્રન્સ પ્લાઝા
  • લેન્ડ સ્કેપીંગ
  • પાર્ટી પ્લોટ
  • મોન્યુ મેન્ટલ ફ્લેગ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.