Abtak Media Google News
  • કૌટુંબિક ભાઈ સાથે બોલાચાલી થતા ભત્રીજાના મિત્રએ ગાળો આપી હવામાં ફાયરિંગ કર્યું’તું : ગેરકાયદે હથિયાર પણ કબ્જે કરી લેવાયું

કાલાવડ રોડ પર આવેલ વડવાજડી ગામે પારકા ડખ્ખામાં હવામાં ફાયરિંગ કરનાર કુખ્યાત શખ્સને મેટોડા જીઆઈડીસી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી આરંભી છે. પોલીસે આરોપી પાસેથી ગેરકાયદે હથિયાર પણ કબ્જે કર્યું છે.

રાજકોટના કાલાવડ રોડ હાઈવે પર આવેલ વડવાજડી ગામ નજીક મકાનનું ચણતર કામ ચાલુ હોય ત્યારે બાજુમાં રહેતા કૌટુંબિક ભાઈ સાથે બોલાચાલી થતા કૌટુંબિક ભત્રીજાના મિત્રએ ગાળો આપી હવામાં ફાયરિંગ કર્યું હતું. જે મામલે ગુનો દાખલ કરી મેટોડા જીઆઈડીસી પોલીસે ગણતરીની કલાકમાં આરોપી સાગર ડવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ગ્રામ્યના મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 15 ફેબ્રુઆરીના રોજ હવામાં ફાયરિંગ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે મેટોડા જીઆઈડીસી પોલીસે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરી ફાયરિંગ કરનાર રાજકોટના મોરબી રોડ પર રહેતા સાગર ડવ (ઉં.વ.23)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન ગુનામાં વપરાયેલ ગેરકાયદે હથિયાર પણ કબ્જે લીધું હતું અને તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી સાગર વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ શહેરમાં અલગ અલગ 3 પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ મારામારી અને જાનથી મારી નાખવા ધમકી આપવા અંગે ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મામલામાં ભાવેશભાઈ લખમણભાઈ રાઠોડ (ઉં.વ.39)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ટ્રાન્સપોર્ટનો ધંધો કરૂ છું. મારા ઉપરોક્ત રહેણાંક મકાનની બાજુમાં મારા મોટા બાપુના દીકરા મહેશભાઈ મેરામભાઈ રાઠોડનું મકાન હોય જેઓ તેમનું જૂનું મકાન તોડી ત્યાં નવા મકાન બનાવવાનું ચણતર કામ ચાલુ હોવાથી અમારા મકાનની દિવાલની કોલમમાં નુકસાન થયેલ હોય જેથી મેં 15 ફેબ્રુઆરીએ બપોરના એકાદ વાગ્યા આસપાસ મહેશભાઈને અમારી દિવાલમાં થયેલ નુકસાની બાબતે વાત કરી હતી. જેથી તે ઉશ્કેરાઇ ગયા હતા અને બોલાચાલી કરી હતી.

જે બાદ મારે રાજકોટમાં કામ હોય હું જમીને રાજકોટ ગયો હતો. બપોરના 3 વાગ્યા આસપાસ હું રાજકોટથી ઘરે પરત આવ્યો અને મારા ઘર સામે મારી ગાડી પાર્ક કરી ગાડીમાંથી નીચે ઉતર્યો હતો. ત્યારે મહેશભાઈના કડિયા મારા ઘરની દિવાલ પાસે ખોદકામ કરતા હોવાથી મેં તેઓને મારા ઘરની દિવાલે ખોદકામ કરવા માટે રોકતા ત્યાં ઉભેલ મહેશભાઈના દીકરાનો મિત્ર સાગર ડવ મારી પાસે આવી બોલાચાલી કરી મને ગંદી ગાળો આપી પોતાના નેફામાંથી હથિયાર કાઢી હવામાં ફાયરિંગ કર્યું હતું. આથી તુરંત જ મહેશભાઈ અને મારો ભાઈ અશ્વીન ઘરની બહાર આવી જતા સાગર તેની સ્કોર્પિયો કાર નં. જીજે.10.ડીએ.0045માં ત્યાંથી નિકળી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.