Abtak Media Google News

પ્રતિ કિલો ફેટના  રૂા ૭૦૦ ચુકવવાની જાહેરાત કરતા સંઘના અઘ્યક્ષ ગોવિંદભાઇ રાણપરીયા

રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના અઘ્યક્ષે તા. ૧-૭ થી દૂધના ખરીદ ભાવમાં ઐતિહાસિક વધારો કરવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રવર્તમાન ભાવમાં પ્રતિ કિલો ફેટે  રૂા ૨૦/- નો વધારો કરીને પ્રતિ કીલો ફેટે  રૂા ૭૦૦ (ફેટે  રૂા ૭/-) ચુકવવાની જાહેરાત કરી હતી.

સંઘના અઘ્યક્ષ દૂધ ઉત્પાદકો ઉપર દૂધ ખરીદ ભાવનો વરસાદ કરી રહ્યા હોય તેવો ઐતિહાસિક નિર્ણય લઇ મહત્તમ દૂધના ભાવ ચુકવવા કોશીષ કરી રહ્યા છે. સંઘના પારદર્શન વહીવટના પરિણામે આ શકય બન્યું છે. સંઘ દર દિવસે ૧પ થી ૧૭ કરોડ  રૂપિયાનું પેમેન્ટ તેની ૮૩૦ દૂધ મંડળીઓ મારફત અંદાજીત ૬૦ થી ૬૫ હજાર દૂધ ઉત્પાદકોને નિયમિત કરે છે.

ગ્રામ્ય કક્ષાએ દૂધ એકમાત્ર વ્યવસાય એવો છે કે જેમાં નાના-સીમાંત ખેડુતો, દૂધ ઉત્પાદકો, માલધારીઓ, મહિલાઓ ખેતમજુરોને દર ૧૦ દિવસે નાણાની આવક થાય છે. જેમાંથી આ વર્ગના પરિવારનો આર્થિક વ્યવહાર ચાલતો હોય છે. આ ભાવ વધારાથી તેમના પરિવારના આર્થિક વ્યવહારમાં દૂધ સંઘ મદદરુપ બની શકશે.

સંઘના અઘ્યક્ષે દૂધ વાપરનાર તમામ વર્ગના ગ્રાહકોને અમુલ દૂધ ખરીદવાનો આગ્રહ રાખવા અપીલ કરી છે. દૂધના નાણાના ૮૭ ટકા રકમ સંઘ આર્થિક નબળા દૂધ ઉત્૫ાદકોને દૂધના ભાવ તરીકે ચુકવે છે. ત્યારે ગ્રાહકો આડકતરી રીતે અમુલ દૂધ ખરીદી તેના આર્થિક સશકિતકરણમાં સહાય બની પુણ્ય કમાય શકો છો. આ બાબતે અમૂલ દૂધ તેમજ ગોપાલના અન્ય ઉત્પાદનો ખરીદવાનો જ આગ્રહ રાખવા ભાવપૂર્વક અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.