વઢવાણમાં થયેલી લાખોની લૂંટનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ

બ્લેક મનીને ફેરવવા આવેલા યુવાનના લમણે બંદૂક જેવું લાઈટર રાખી રૂ.૨૦.૫૦ લાખની લૂંટ ચલાવી’તી: રૂ.૧૪.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ફરાર

વઢવાણમાં બે માસ પહેલા જ જૂનાગઢના યુવાનને માથે હથિયાર જેવું લાઈટર રાખીને રૂ.૨૦.૫૦ લાખની લૂંટ ચલાવ્યાનો ભેદ પોલીસે ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ.૧૪.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે વધુ એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ જૂનાગઢ જિલ્લાના મોટા કોટડા ગામે રહેતા ચેતનભાઈ પટેલ કાળા નાણાને ધોળા કરવા માટે બે માસ પહેલા આવ્યા હતા. ત્યારે આરોપીઓએ ઘડેલા પ્લાન મુજબ લાઇટર જેવુ હથિયાર બતાવીને ચેતનના હાથમાંથી રૂ.૨૦.૫૫ લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવીને નાશી છૂટતા ચકચાર ફેલાઇ હતી. જેથી વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વઢવાણ પીએસઆઇ સહિતની ટીમે કેટલાક શકમંદોની સાથે આ ગુનામાં સાક્ષી રહેલા લોકોની ધરપકડ કરી લીધી હતી.

પરંતુ આ લૂંટના ગુનામાં પોલીસે વઢવાણ લાખુપોળ લીમલીપામાં રહેતા ભવાનીસિંહ ઉર્ફે ભોટુ નરેન્દ્રસિંહ ઉર્ફે કાળુભા મોરી છેલ્લા બે માસથી નાસતા ફરતા હતા. આથી પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, એએસઆઈ વિનોદભાઈ રાઠોડ, પી.જી.ઝાલા સહિતની ટીમે તેમજ હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી ભવાનસિંહ ઉર્ફે ભોટુને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ભવાનસિંહ ઉર્ફે ભોટુ પાસેથી લૂંટમાં ગયેલી રકમ પૈકીના રૂ. ૧૪,૮૪,૯૦૦ તેમજ રિવોલ્વર જેવુ લાઇટર સહિતનો મુદામાલ પોલીસે જપ્ત કરી લૂંટનો બાકીનો મુદ્દામાલ રૂપિયા રીકવર કરવા કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે લાખોની ચોરીનો ભેદ ઉકેલીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વધુ એક આરોપી કરણ ઉર્ફે બુધી ખુશાલ મોરી ફરાર હોય જેની પોલીસ સઘન રીતે તપાસ કરી રહી છે.