Abtak Media Google News

રાજકોટ, જસદણ,મોરબી અને સુરેન્દ્રનગરનાં ૧૬૨ અંતરયાળ ગામમાં ટૂંક સમયમાં એસટી બસ શરૂ થશે

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનાં રાજકોટ એસટી વિભાગ દ્વારા આવા અંતરિયાળ ગામમાં એસટી બસ શરૂ કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. રાજકોટ, જસદણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ૧૬૨ અંતરયાળ ગામમાં એસટી બસ દોડાવવાનું આયોજન છે. અંતરયાળ ગામમાં જ્યાં રસ્તાઓ ખરાબ છે ત્યાં એસટી બસ ન જતાં આવા ગામડાઓ તરફનો વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે ત્યારે અંતરયાળ ગામડાઓમાં પણ એસટી બસ શરૂ થાય અને ’સલામત સવારી, એસટી હમારી’ નું સૂત્ર સાર્થક થાય તેવો એસટી નિગમનો ઉત્કૃષ્ઠ પ્રયાસ છે.

Advertisement

રાજકોટ એસટીનાં વિભાગીય નિયામક દિનેશ જેઠવા જણાવે છે કે, અંતરયાળ ગામડાઓમાં પણ લોકોને એસટી બસની સુવિધા મળી રહે તે માટે મિનિ બસ શરૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગરનાં ૮૦, મોરબીનાં ૫૬ અને રાજકોટ જિલ્લાનાં ૨૬ અંતરયાળ ગામમાં એક અઠવાડીયામાં એસટીની મિનિ બસ શરૂ થશે. આજે ચોટીલાનાં ૨૮ આંતરયાળ ગામડામાં  એસટી બસ શરૂ થશે. સવારે ૮ વાગ્યે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં હસ્તે મિનિ બસને લીલીઝંડી આપવામાં આવી હતી.

રાજકોટ એસટી ડિવિઝનનાં ૧૪ ગામડાના રસ્તા એટલા ખરાબ છે કે ત્યાં એસટી બસ પણ ચાલી શકે તેમ નથી. જેથી આવા રસ્તાનું રિપેરિંગ થયા બાદ મિનિ બસ શરૂ કરી શકાશે. જ્યારે ૧૮ નવી બસ આપવા તથા ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. અંતરયાળ ગામડાઓ સુધી એસટી બસ પહોચતા ગ્રામજનોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે અને વાહન વ્યવહાર સરળ બનતા હવે ગામડાના લોકોને શહેર સુધી પહોચવામાં મુશ્કેલી નહીં વેઠવી પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.