Abtak Media Google News
  • સમાજના છેવાડે રહેલો માનવી એ સરકારની અગ્રતામાં પ્રથમ આવે તે પ્રતિબધ્ધતા સાથે અમારી સરકાર સતત પ્રયત્નશીલ: મંત્રી ભાનુબેન બાબરીયા
  • સંત સુરદાસ યોજના માંથી બી.પી.એલ કાર્ડનું તથા ૦ થી ૧૭ વર્ષનું ઉમરનું ધોરણ દુર કરી લાભ આપવાનો મહત્વનો નિર્ણય
  •  કન્યાઓ માટે સુરેન્દ્રનગર, કોડિનાર, બારડોલી અને બાલાસિનોર ખાતે નવા સમરસ કન્યા છાત્રાલયોનું નિર્માણ કરાશે

ગુજરાત ન્યૂઝ : સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું છે કે, રાજ્યમાં વસતા છેવાડાના માનવીઓના સર્વાંગી વિકાસના મક્કમ નિર્ધાર સાથે અમારી સરકાર આગળ વધી રહી છે ત્યારે પીડિતો, શોષિતો, દલિતો અને વંચિતોનૉ આર્થિક રીતે ઉદ્ધાર કરવા માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. આ વર્ગોના કલ્યાણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા હતા જેના ઘણા સારા પરિણામો આજે જોવા મળી રહ્યા છે.ભારતના સર્વાગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે શ્રી મોદીએ સમાજના ચાર વર્ગો જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશકિતના ઉત્કર્ષ પર ભાર મૂક્યો છે. સમાજના છેવાડે રહેલા માનવી એ સરકારની અગ્રતામાં પ્રથમ આવે તે પ્રતિબધ્ધતા સાથે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.

મંત્રીશ્રી ઉમેર્યું કે રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને સૌહાર્દ ભર્યુ વાતાવરણ જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં સમરસતાના અનેકવિધ નવીન આયામો હાથ ધરીને આ વર્ગના લોકો માટે સર્વાંગી વિકાસનું આયોજન હાથ ધર્યું છે.

 મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીકન્યુરોલોજીકલ સ્થિતી જેવી ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.૧ હજારની સહાય

વિધાનસભા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા મંત્રી શ્રીમતી બાબરીયા એ ઉમેર્યું કે, નાણાંમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાજ્યનું કુલ રૂ.૩,૩૨,૪૬૫ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. જેમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા તથા અનુસૂચિત જાતિ પેટા યોજના (SCSP) સહિત કુલ રૂ. ૧૧,૫૨૪ કરોડ ૪૭ લાખની જોગવાઇ કરી છે.જે ગત વર્ષ કરતા રૂ. ૪૩૦.૨૩ કરોડનો વધારો સૂચવે છે.

ગુજરાત વિધાનસભા ખાતે સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગની માંગણીઓ મંજૂર

મંત્રીએ ઉમેર્યું કે,શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.૬૦૯ કરોડની અને વિકસતી જાતિ કલ્યાણ માટે અંદાજે રૂ.૧૬૫૭ કરોડની જોગવાઇ મળી કુલ રૂ. ૨૨૬૬ કરોડ,આર્થિક ઉત્કર્ષની યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.૧૩૪ કરોડની અને વિકસતી જાતિ કલ્યાણની રૂ.૮૯૦ કરોડની મળી કુલ રૂ. ૧૦૨૪ કરોડ,આરોગ્‍ય, વસવાટ અને અન્‍ય સામાજિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિ કલ્યાણની રૂ.૧૮૦ કરોડની અને વિકસતી જાતિ કલ્યાણની રૂ. ૨૩૮ કરોડની મળી કુલ રૂ. ૪૧૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.એ જ રીતે વિચરતી-વિમુકત જાતિઓ માટે રૂ.૧૪૧ કરોડ, લઘુમતી વિકાસની વિવિધ યોજનાઓ માટે બજેટમાં રૂ.૭૫ કરોડ અને બિન અનામત વર્ગો માટે રૂ. ૬૦૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રી શ્રીમતી બાબરીયા એ વર્ષ ૨૦૨૪-૨૫માં નવા આયોજનની બાબત વિગતો આપતાં કહ્યું કે, રાજય સરકારે ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંત સુરદાસ યોજના માંથી બી.પી.એલ કાર્ડનું તથા ૦ થી ૧૭ વર્ષનું ઉમરનું ધોરણ દુર કરી લાભ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે આ માટે રૂા. ૨૮ કરોડની જોગવાઈ કરી છે.મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમીયા, ક્રોનીકન્યુરોલોજીકલ જેવી સ્થિતીમાંઔ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંજનને માસિક રૂ.૧ હજારની સહાય આપવામાં આવશે જે માટે રૂ.૧.૬૩ કરોડની તેમજ પાંચ નવા ચિલ્ડ્રન હોમ નિર્માણ માટે રૂ. ૧૫ કરોડની જોગવાઈ કરી છે.

તેમણે ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાયાથી લોકોમાં રાષ્ટ્ર ભાવના વિકસે અને તમામ સમાજના બાળકો એક છત્ર નીચે રહીને અભ્યાસ કરી શકે તે માટે સમરસ છાત્રાલયોના નિર્માણનો નવતર અભિગમ અપનાવ્યો હતો. આજે રાજયમાં તમામ સમાજના બાળકોને ઘર જેવું વાતાવરણ મળી રહે તેવી અત્યાધુનિક સુવિધા ધરાવતા વિશાળ ૨૦ સમરસ છાત્રાલયો બનાવ્યા છે અને જેમાં ૧૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ રહીને ઉચ્ચ અભ્યાસ કરી પોતાની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે. સમરસ છાત્રાલયો વિદ્યાથીઓનો માત્ર શૈક્ષણિક વિકાસ જ નહિ પંરતુ સામાજિક અને સાંસ્કૃતિક અને સંસ્કારિતાનું પણ ઘડતર માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત માટે રૂ. ૨૪૩ કરોડની જોગવાઈ

મંત્રીએ ઉમેર્યું કે,અમારી સરકારે હંમેશા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું છે. કન્યાઓ સારી રીતે ભણીને સ્વનિર્ભર થઈ શકે તે માટે
સુરેન્દ્રનગર, કોડિનાર, બારડોલી અને બાલાસિનોર ખાતે નવા સમરસ કન્યા છાત્રાલયો નું બાંધકામ કરવામાં આવશે.જે માટે બજેટમાં રૂ.૬૭.૫૫ કરોડની જોગવાઈ કરાઈ છે.ઉપરાંત વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કાર્યરત ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલયોમાં ૨૭૫૦ વિદ્યાર્થીઓનો સંખ્યા વધારો કરવા માટે રૂ.૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે ભાવનગર ખાતે રૂ. ૧૭.૩૧ કરોડના ખર્ચે કોલેજ કક્ષાના સરકારી કુમાર છાત્રાલય અને સરકારી કન્યા છાત્રાલયનું તેમજ જુનાગઢ ખાતે રૂ.૧૯.૬૩ કરોડના ખર્ચે કન્યા આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવી બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવશે.આ ઉપરાંત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂ.૮૪.૬૮ કરોડના ખર્ચે મોડાસા તથા પાલનપુર ખાતે આદર્શ નિવાસી શાળા અને મોડાસા,વેરાવળ, વઢવાણ, અને ગાંધીનગર ખાતે સરકારી કન્યા છાત્રાલયો માટે અધતન સુવિધા સાથેના નવા મકાનોનું બાધકામ કરવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યું કે, રાજયસરકાર દ્વારા ચાલુ વર્ષે જે યોજનાઓ કાર્યરત છે તેની રકમની ફાળવણીમાં પણ નોધપાત્ર વધારો કર્યો છે. ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ૪૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ તથા પ્રાથમિક શાળા ધોરણ ૧ થી ૮ માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ૩૮૪૫ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂ.૩૪૫ કરોડની જોગવાઇ,પીએમ યશસ્વી શિષ્યવૃતિ યોજના અંતર્ગત ધો ૯ થી ૧૦ અને પોસ્ટ મેટ્રીકના અંદાજે ૯.૭૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ.૫૪૦ કરોડની જોગવાઇ,વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે ૧૦૦૦ વિધાર્થીઓને રૂ. ૧૫ લાખ લોન આપવા માટે રૂ.૧૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ડો. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન બાંધવા માટે રૂ. ૧.૨૦ લાખ લેખે સહાય આપવા માટે બજેટમાં રૂ. ૨૪૩ કરોડની જોગવાઈ,કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત ૬૧,૫૦૦ કન્‍યાઓને મામેરા માટે સહાય આપવા માટે રૂ.૭૪ કરોડની જોગવાઈ, ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્‍ન સહાય યોજનામાં ૮૦૦ યુગલોને યુગલ દીઠ રૂ.૨.૫૦ લાખની સહાય આપવા માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ ઉપરાંત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઇ કામદાર વિકાસ નિગમ, ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ , ગુજરાત વિચરતી વિમુકત જાતિ વિકાસ નિગમ અને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ રાજય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન સહાય આપવા રૂ.૮૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે,સમાજમાં સૌથી મોટો પડકાર દિવ્યાંગજનો ને સાનુકૂળ વાતાવરણ મળી રહે એ માટે દિવ્યાંગજનોના ક્લ્યાણ તથા પુન:સ્થાપન અર્થે વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૨૧૭૮. ૩૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બૌદ્વિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યકિતને આર્થિક સહાય આપવાની યોજનામાં દિવ્યાંગતાની ટકાવારી ૫૦% કરીછે.આ યોજના અંતર્ગત ૭૦ હજાર મનોદિવ્યાંગોને લાભ આપવા માટે કુલ ૮૪ કરોડ,દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં કુલ ૧૪૦૦ લાભાર્થીઓને લાભ આપવા માટે કુલ રૂ.૭ કરોડ,દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરીની યોજનામાં કુલ ૩.૬૮ લાખથી વધુ લાભાર્થીઓ માટે કુલ રૂ.૪૪ કરોડ,પાલક માતા પિતા યોજનામાં રૂ.૭૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કુલ ૨૦,૫૦૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૨ જિલ્લાના ૪ લાખથી પણ વધુ લાભાર્થીઓને રૂ.૧૪૬ કરોડની સહાય

મંત્રી મતી બાબરીયા એ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની છેલ્લા એક વર્ષની નોંધપાત્ર કામગીરીની વિગતો આપતા કહ્યું કે, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષાનાની વિવિધ યોજનાઓનું એક જ પ્લેટફોર્મ પરથી મોટી સંખ્યામાં સહાય વિતરણ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું જેમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૨ જિલ્લાના ૪ લાખથી પણ વધુ લાભાર્થીઓને રૂ.૧૪૬ કરોડની સહાય, ગાંધીનગર ઉત્તર અને મધ્ય ગુજરાતના ૦૯ જિલ્લાના ૪ લાખથી પણ વધુ લાભાર્થીઓને રૂ.૨૨૭ કરોડ થી વધુની સહાય જયારે મધ્ય અને દક્ષિણના ૧૨ જિલ્લાના લગભગ પ લાખ ૮૭ હજારથી વધુ લાભાર્થીઓને ૩૪૭ કરોડથી વધુ રકમની સહાય આપવામાં આવી છે. પાલક માતા પિતા યોજના અથવા મુખ્ય મંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેને તેના લગ્ન સમયે રૂપિયા ૨ લાખની સહાય આપવાની યોજના વર્ષ ૨૦૨૩-૨૪ માં અમલમાં મુકવામાં આવી છે.આ યોજના હેઠળ ગાંધીનગર ખાતે દિકરીઓના માતા-પિતા સાથે કાર્યક્રમ થકી ૮૩ લાભાર્થીઓને તેમના ખાતામાં રૂ. ૨ લાખની સહાય આપવામાં આવી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની એક અનોખી પહેલ દ્વારા યોજનાકિય લાભોનું લાઈવ ટેલીકાસ્ટ કરીને નિગમ હસ્તકની વિવિધ યોજનામાં અરજી કરનાર તમામ લાભાર્થી લાઈવ નિહાળી શકે તે માટે વિવિધ યોજનાઓનો સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી કમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરી તેનું યુ-ટયુબમાં લાઈવ પ્રસારણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ખાતે આ માંગણીઓ મંજૂર કરાઈ હતી.

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.