Abtak Media Google News

જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ વિકારાળ બનતા કલેકટરને પત્ર પાઠવ્યો

જૂનાગઢમાં સતત વધી રહેલા કોરોનાના દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈ જુનાગઢના  ધારાસભ્ય ભિખાભાઈ ગલાભાઈ જોશીએ જૂનાગઢ શહેરમાં પૂર્ણ કે આંશિક સમયનું લોક ડાઉન જાહેર કરવા જિલ્લા કલેકટરને એક પત્ર પાઠવ્યો છે.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ અબ તક સાથે કરેલ ટેલીફોનીક વાત મુજબ છેલ્લા દશેક દિવસથી જૂનાગઢ શહેરમાં કોરોનાનું સંક્રમણ વિકરાળ પ્રમાણમાં વધી રહ્યું છે, જેને લઇને કોરોનાના દર્દીઓ ની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે, ત્યારે આ સંક્રમણને રોકવા અને કોરોના મહામારીનો જૂનાગઢના લોકો વધુ પ્રમાણમાં ભોગ ન બને તે માટે જૂનાગઢ શહેરમાં પૂર્ણ અથવા આંશિક લોક ડાઉન જાહેર કરવામાં આવે તેવી કલેકટરને ભલામણ કરી છે.

ધારાસભ્ય જોષીના જણાવ્યા અનુસાર, જૂનાગઢમાં છેલ્લા દસેક દિવસથી દર્દીઓ કોરોના પોઝિટિવ જાહેર થઈ રહ્યા છે, જેમાં જૂનાગઢ શહેરના અને હવે ગ્રામ્ય પંથકમાં પણ આ સંક્રમણ વધુ ફેલાતો હોવાનું સામે આવ્યું છે, જૂનાગઢ સહિત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭ મૃત્યુ થવા પામ્યા છે, અને આ મૃત્યુમાં શહેરના દર્દીઓની સંખ્યા ચિંતા જનક બાબત છે, તો બીજી બાજુ કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ ખડો થવા પામ્યો છે, ત્યારે જિલ્લા કલેકટરને એક પત્ર પાઠવી સત્વરે આંશિક કે પુર્ણ સમયનું લોક ડાઉન જાહેર કરી સંક્રમણ રોકવા અને કોરોના ફેલાતો અટકાવવા પગલાં ભરવામ આવે તેવો પત્ર પાઠવ્યો છે. શહેર માટે ચિંતાની બાબત એ પણ સામે આવી છે કે,  આજ સુધીમાં જૂનાગઢ શહેરની સિવિલ હોસ્પિટલના પાંચ જુનિયર તબીબ, પાંચ નર્સિંગ સ્ટાફ, બે લેબ.ટેકશિયન અને એક મેડિકલ ઓફિસર સહિત કુલ તેર કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, આ સિવાય જૂનાગઢના ધારાશાસ્ત્રીઓ, અન્ય ખાનગી હોસ્પિટલ તથા દવાખાના ચલાવતા તબીબો, પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ, બેંકના કર્મચારીઓ, કોર્પોરેટર, મેયરના પત્ની  સહિતના લોકો કોરોનાના સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, અને શહેરમાં ખાનગી હોસ્પિટલને ઇન્ટ્રિગ્રે ડ કરવાની પ્રબળ માંગ થઇ રહી છે, ત્યારે જૂનાગઢ શહેરમાં કોરોના સંક્રમણને રોકવા તંત્ર કોઈ નક્કર પગલા ભરે તેવી શહેરીજનોમાંથી ચર્ચા સંભળાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.